અધ્યાય-૨૦-પાંડ્યરાજાનું પતન
II धृतराष्ट्र उवाच II प्रोक्तस्त्व्या पूर्वमेव प्रविरो लोकविश्रुतः I न त्वस्य कर्मसंग्रामे त्वया संजय कीर्तितम II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પાંડ્યરાજ એક લોકપ્રખ્યાત વીર પુરુષ છે એમ તેં પ્રથમ જ કહ્યું.પણ સંગ્રામમાં
તેણે જે મહાપરાક્રમ કર્યું હતું તે તેં કહ્યું નહિ,તો હવે તેના પરાક્રમને વિસ્તારપૂર્વક મને કહે.
સંજય બોલ્યો-હે રાજા,તે પાંડ્યરાજ,કોઈ રાજાને પોતાની તુલ્ય માનતો નહોતો.અરે,ભીષ્મ,દ્રોણ,શ્રીકૃષ્ણ અને અર્જુનના કરતાં, એ પોતાનામાં ન્યૂનતા છે એમ તે કદી ઈચ્છતો નહિ.તે રાજા કોપાયમાન થયેલા કાળની જેમ કર્ણના સૈન્યનો સંહાર કરવા લાગ્યો હતો.સારી રીતે ફેંકેલાં બાણો વડે તે શત્રુ યોદ્ધાઓને,ઘોડાઓને,હાથીઓને,પાદરક્ષકોને મારવા લાગ્યો હતો.તે જોઈને અશ્વત્થામા બેધડક થઈને તેની સામે ધસી ગયા ને વિનયપૂર્વક તેને પોતાના એકલાની સામે જ યુદ્ધનું આહવાન કર્યું.ત્યારે પાંડ્યરાજે તેને પ્રથમ પ્રહાર કરવાનું કહ્યું.એટલે તરત જ અશ્વત્થામાએ તેની પર પ્રહાર કર્યો.
ત્યારે,મલયાચળના આકારની ધ્વજાવાળા એ પાંડયરાજે કાનના આકારના એક બાણ વડે દ્રોણપુત્રને વીંધી નાખ્યા.બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.પાંડ્યરાજે,અશ્વત્થામાંના ધનુષ્યને કાપીને તેના ચારેય ઘોડાઓને મારી નાખ્યા ત્યારે તેણે તરત જ નવું ધનુષ્ય લઈને હજારો બાણો છોડીને આકાશ અને દિશાઓને ભરી તેને છાઈ દીધો.અશ્વત્થામાના સહાયકોએ રથમાં બીજા ઘોડાઓને જોડી દીધા.સામે પાંડ્યરાજે અશ્વત્થામાના બાણોને કાપવા માંડ્યા ને તેના ચક્રરક્ષકોને મારી નાખ્યા.ને વાયવ્યાસ્ત્રનો પ્રયોગ કરીને,અશ્વત્થામાની બાણવૃષ્ટિને ઉડાડી પાડીને ગર્જના કરી મૂકી.
તે જોઈને અશ્વત્થામાએ તે રાજાના ધ્વજને કાપી,તેના ચાર ઘોડાઓ ને સારથિને મારી નાખી,તેના ધનુષ્યના કટકા કરી નાખ્યા.વળી,બીજાં દિવ્ય અસ્ત્રો વડે તેના રથના ટુકડા કરીને તેનાં સર્વ આયુધોનો નાશ કરી નાખ્યો.આ રીતે શત્રુ પોતાના હાથમાં સપડાયો હતો છતાં અશ્વત્થામાએ તેની સામે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેને એકદમ મારી નાખ્યો નહિ.તેવામાં,કોઈ એક બળવાન હાથીનો સવાર માર્યો ગયો હતો તે હાથી પાંડ્યરાજ પાસે આવી પહોંચ્યો.રાજા પાંડ્ય (મલયધ્વજ)હસ્તિયુદ્ધમાં પણ ઘણો કુશળ હતો,તે એકદમ તે હાથી પર ચડી ગયો ને ક્રોધપૂર્વક એક તોમરશસ્ત્ર અશ્વત્થામા સામે ફેંક્યું.
તે તોમરથી અશ્વત્થામાનો મુકુટ છિન્નભિન્ન થઈને જમીન પર પડ્યો.ત્યારે અશ્વત્થામા અત્યંત ક્રોધિત થઈને બાણો છોડીને હાથીના ચાર પગોને,સૂંઢને તથા પાંડ્યરાજના બે બાહુઓ ને મસ્તકને કાપી નાખ્યાં.વળી,તેણે તે પાંડ્યરાજના છ મહારથી અનુચરોને પણ યમલોકમાં વિદાય કર્યા.આમ અશ્વત્થામાએ પાંડ્યરાજના વધરૂપ કર્મને જયારે પૂર્ણ કર્યું ત્યારે તમારા પુત્રે સુહ્રદોની સાથે તેનું અતિ હર્ષપૂર્વક સન્માન કર્યું હતું. (51)
અધ્યાય-20-સમાપ્ત
