અધ્યાય-૧૯-રણભૂમિનું વર્ણન
II संजय उवाच II प्रत्यागत्य पुनर्जिष्णुर्जघ्ने संशप्तकान बहुन I वक्त्रातिवक्त्रगमनादंगारक इव ग्रह II १ II
સંજય બોલ્યો-આમ,પાછો ફરીને અર્જુન અનેક સંશપ્તક યોદ્ધોનો સંહાર કરવા લાગ્યો,માનો વક્ર તથા અતિવક્ર ગતિ કરીને મંગલ નામનો ગ્રહ,જગતનો નાશ કરવા લાગ્યો.હે રાજન,અર્જુનના બાણોથી ઘવાઈ ગયેલા મનુષ્યો,ઘોડાઓ,રથો તથા હાથીઓ એકદમ ચલાયમાન થઇ જવા લાગ્યા,ભમવા લાગ્યા,નાશ પામવા લાગ્યા,પડવા લાગ્યા ને મ્લાન થઇ જવા લાગ્યા.તે વખતે અર્જુનને મારવાની ઈચ્છાથી સેંકડો અને હજારો યોદ્ધાઓ એકસાથે અર્જુન પર તૂટી પડ્યા,તુમુલ યુદ્ધ થયું.તેમાં ઉગ્રાયુધના પુત્રે અર્જુનને ત્રણ બાણોથી વીંધ્યો કે તુરત જ ક્રોધિત અર્જુને તેનું માથું ધડથી જુદું પાડ્યું.
અર્જુને સામે આવેલા શત્રુઓના શસ્ત્રોને અટકાવી દીધા અને બરાબર તાકીને મારેલાં બાણો વડે શત્રુઓનો મોટો સંહાર કરવા માંડ્યો.હે રાજન,એ સમયે તમારા પક્ષના અનેક દેશના મુખ્ય રાજાઓ પોતાનું સૈન્ય સાથે રાખીને અર્જુન સામે ક્રોધપૂર્વક ધસી આવ્યા.ને તેને મારી નાખવાની ઈચ્છાથી અનેક જાતના શસ્ત્રોથી તેના પર પ્રહાર કરવા લાગ્યા.પરંતુ તે સર્વ શસ્ત્રોનો અર્જુન તીક્ષ્ણ બાણો મૂકીને તત્કાળ નાશ કરી નાખવા લાગ્યો.ત્યારે વાસુદેવે,અર્જુનને કહ્યું કે-'હે અર્જુન,હવે આ સંશપ્તકોનો સંહાર કરીને તું કર્ણનો નાશ કરવા માટે ઉતાવળ કર' અર્જુને કહ્યું-'ભલે'
આમ કહીને તે બળપૂર્વક શસ્ત્રો ફેંકીને બાકી રહેલા સંશપ્તકોનો મહાસંહાર કરવા લાગ્યો.અર્જુનની બાણ છોડવાની
ઝડપ જોઈને સર્વ તને જોતા જ રહી જતા હતા.શ્રીકૃષ્ણ પણ અર્જુનના આ કર્મને આશ્ચર્યજનક માનવા લાગ્યા.
ને સંગ્રામભૂમિ તરફ દ્રષ્ટિ કરીને અર્જુનને કહેવા લાગ્યા-
'ઓ પાર્થ,કેવળ દુર્યોધનના માટે જ ભારતભૂમિના આ સર્વ રાજાઓનો મહારૌદ્ર સંહાર થઇ રહ્યો છે.તું જો તો ખરો,મોટા મોટા ધનુર્ધરો,મરણ પામીને કેવા જમીન પર વીખરાઇને પડયા છે.મરેલા યોદ્ધાઓ,પશુઓથી આ રણભૂમિ ઢંકાઈ ગઈ છે.ઠેરઠેર રથો,ધ્વજાઓ,શસ્ત્રો-આદિથી રણભૂમિ પર કોઈ જગા બાકી રહી નથી.આ મહારણમાં તેં જે કર્મ કરી દેખાડ્યું છે તે તને યોગ્ય છે કે દેવરાજ ઇન્દ્રને યોગ્ય છે'
આમ,શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધભૂમિનું દૃશ્ય દેખાડતા દેખાડતા જતા હતા તેવામાં દુર્યોધનના સૈન્યમાં મહાન શબ્દ સંભળાયો.એટલે શ્રીકૃષ્ણ વાયુસમાન વેગવાળા ઘોડાઓને દોડાવીને તે સૈન્યમાં દાખલ થયા અને જઈને જોયું તો પાંડ્યરાજા તમારા સૈન્યને પીડી રહ્યો હતો.તે જોઈને શ્રીકૃષ્ણ તો વિસ્મય જ પામી ગયા કારણકે ધનુર્વિદ્યામાં કુશળ એવો તે પાંડ્યરાજા અનેક જાતનાં બાણો મૂકીને કાળની જેમ શત્રુઓનાં ટોળાઓનો સંહાર કરી રહ્યો હતો.યોદ્ધાઓમાં શ્રેષ્ઠ ગણાતો તે રાજા હાથીઓ,ઘોડાઓ ને મનુષ્યોનાં શરીરોને પ્રાણરહિત કરી નાખતો હતો ને અસંખ્ય શત્રુઓનો નાશ કરતો હતો (58)
અધ્યાય-19-સમાપ્ત
