અધ્યાય-૧૪૩-કર્ણે કહેલાં અપશુકનો
II संजय उवाच II केशवस्य तु तद्वाक्यं कर्णः श्रुत्वाहित शुभं I अब्रवीदभिसंपूज्य कृष्णं तं मधुसूदन II १ II
સંજયે કહ્યું-શ્રીકૃષ્ણનાં તે વચન સાંભળી,એકાગ્ર થયેલો તે કર્ણ,મધુસુદનનું સન્માન કરીને બોલ્યો-હે મહાબાહુ,તમે જાણો છો છતાં શા માટે મને મોહિત કરવાની ઈચ્છા કરો છો?આ પૃથ્વીનો સંપૂર્ણતાથી જે વિનાશકાળ પ્રાપ્ત થયો છે,તેમાં શકુનિ,હું દુઃશાસન ને દુર્યોધન નિમિત્તરૂપ છીએ.આ યુદ્ધ અવશ્ય થવાનું જ છે અને સર્વ રાજાઓ યમલોકમાં પહોંચશે.
હે મધુસુદન,પુષ્કળ ભયંકર સ્વપ્નો,ઘોર નિમિત્તો અને અતિદારુણ ઉત્પાતો જોવામાં આવે છે,કે જે દુર્યોધનનો પરાજય જ સૂચવતા લાગે છે.મહાતેજસ્વી ઉગ્ર ગ્રહ શનિ,પ્રાણીઓને અધિક પીડા સૂચવતો રોહિણી નક્ષત્રને પીડે છે.