દશમ સ્કંધ એ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદય છે.પરમાત્મા રસ-સ્વ-રૂપ છે. અને તેથી જીવ (આત્મા) પણ રસ-રૂપ છે.મનુષ્યને કોઈ ને કોઈ રસમાં રુચિ હોય છે,ભલે કોઈ પણ રસમાં રુચિ હોય પણ કૃષ્ણ-કથા આનંદ આપે છે.વિરહ કે પ્રેમમાં હૃદય આર્દ્ર બને છે-ત્યારે રસાનુભૂતિ (રસની અનુભૂતિ) થાય છે.
સાધારણ રીતે જીવો ના ચાર ભેદ છે, પામર,વિષયી,મુમુક્ષુ,મુક્ત.
આ કૃષ્ણ કથામાં હાસ્યરસ છે,વીરરસ છે,શૃંગારરસ છે,કરુણ રસ છે, અને ભયાનકરસ પણ છે.તમામ જાતના રસો આમાં ભર્યા છે.કારણ શ્રીકૃષ્ણ પોતે જ રસ-રૂપ છે.(રસો વૈ સ:) મહાપુરુષો હસતા પણ નથી અને રડતા પણ નથી,તેઓ તો શાંતરસમાં-પોતાના સ્વ-રૂપમાં સ્થિર રહે છે.પણ શ્રીકૃષ્ણની બાળલીલાઓ એવી છે-કે-શુકદેવજીને પણ હસાવે છે.બાળલીલા માં હાસ્યરસ છે,રાસલીલામાં કરુણરસ છે –તેમજ શૃંગારરસ પણ છે.ચાણુર,મુષ્ટિક.કંસ વગેરેને મારે છે-ત્યારે વીરરસ ઝળકે છે.
કૃષ્ણ કથા એવી છે-કે-તે જગતને ભુલાવે છે.અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે,
અને પ્રભુ સાથે પ્રેમ થાય છે.આનંદ જગતમાં નથી પણ જગતને ભુલવામાં છે.
જગતમાં રહેવાનું અને જગતને ભૂલવાનું છે.સંસાર છોડીને ક્યાં જશું ?
જ્યાં જઈશું ત્યાં મન સાથે આવશે-પાંચ મહાભૂતવાળું (શરીર) સાથે આવશે.
સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને કાઢીને સંસાર માં રહેવાનું છે.
મન પરમાત્મા સ્મરણમાં તન્મય થાય તો-મનમાંથી સંસાર નીકળી જાય છે.