અધ્યાય-૨૯-શ્રીકૃષ્ણનું ભાષણ
II युधिष्ठिर उवाच II अविनाशं संजय पांडवानामिच्छ्याम्यहं भूतिमेषां प्रियं च I
तथा राज्ञो धृतराष्ट्रस्यसुत समाशंसे बहुपुत्रस्य वृद्धिं II १ II
શ્રીકૃષ્ણ બોલ્યા-હે સંજય,હું પાંડવોના ઐશ્વર્યની,પ્રિયની તથા અવિનાશની ઈચ્છા રાખું છું તેમ જ ઘણા પુત્રવાળા ધૃતરાષ્ટ્ર રાજાની પણ વૃદ્ધિ થાય તેમ પણ ઈચ્છું છું.હું તેઓને 'શાંત થાઓ' એ વિના બીજું કંઈ કહેતો નથી,ને યુધિષ્ઠિરના મુખેથી જયારે શાંતિની પ્રિય વાત સાંભળું છું,ત્યારે તે પણ મને માન્ય છે.ખરી રીતે તો રાજ્યના સંબંધમાં યુધિષ્ઠિરે મહાદુષ્કર શાંતિ દર્શાવી છે,પણ ધૃતરાષ્ટ્ર રાજ્યમાં તૃષ્ણા રાખીને બેઠો છે એટલે આ બંનેની વચ્ચે ક્લેશ કેમ ન થાય? હું અને યુધિષ્ઠિર ધર્મથી ડગ્યા નથી એ વાત તું જાણે છે છતાં,સ્વકર્મનું પાલન કરનારા અને શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કુટુંબમાં રહી કર્મ કરનારા એવા યુધિષ્ઠિરે ધર્મનો લોપ કર્યો-એમ તેં કયા કારણથી કહ્યું?