અધ્યાય-૬૩-દુર્યોધનની હઠ અને વિદુરનો ઉપદેશ
II दुर्योधन उवाच II सदशानां मनुष्येषु सर्वेषां तुल्यजन्मनाम् I कथमेकांततस्तेषां पार्थानां न्यसे जयम् II १ II
દુર્યોધને કહ્યું-મનુષ્યોમાં સર્વે સમાન છે અને સમાન રીતે જન્મ ધારણ કરનારા છે,છતાં તમે કેવળ પાંડવોનો જ જય થશે,એમ કેમ માનો છો?અમે અને તેઓ વીર્ય,પરાક્રમ,વય,પ્રતિભા,શાસ્ત્ર,અસ્ત્ર,વીરસમૂહ,શીઘ્રતા અને કૌશલ્ય વડે સમાન છીએ,અમે સર્વ એક જાતિવાળા છીએ અને મનુષ્યયોનિમાં જ જન્મ્યા છીએ.છતાં તેઓ જ જીતશે એમ તમે કેમ માનો છો?
હું કંઈ તમારા,દ્રોણ,કૃપ આદિના પરાક્રમ ઉપર યુધ્ધનો આરંભ કરતો નથી,પણ હું,કર્ણ,ને દુઃશાસન એ ત્રણે સંગ્રામમાં તીવ્ર બાણો વડે તે પાંચે પાંડવોને મારીશું.પછી,હું પુષ્કળ દક્ષિણાવાળા વિવિધ પ્રકારના મહાયજ્ઞોથી યજન કરીશ.યુદ્ધમાં જયારે મારા યોદ્ધાઓ,હાથી ને રથથી વ્યાપ્ત શત્રુઓને પકડી લેશે ત્યારે પાંડવો ને કૃષ્ણ ગર્વ છોડી દેશે.(8)