અધ્યાય-૬૫-ધૃતરાષ્ટ્રનો દુર્યોધનને ઉપદેશ
II धृतराष्ट्र उवाच II दुर्योधन विजानीहि यत्वां वक्ष्यामि पुत्रक I उत्पथं मन्यसे मार्गमनभिज्ञ इवाध्वग II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે પુત્ર દુર્યોધન,હું તને જે કહું છું તે તું ધ્યાનમાં લે.જેમ,અજાણ્યો વટેમાર્ગુ અવળા રસ્તાને રસ્તો માની લે છે,તેમ,તું પણ અવળા માર્ગને માર્ગ માને છે.તું જે પાંચ પાંડવોના તેજને હરવાની ઈચ્છા રાખે છે,તે લોકોને ધારણ કરનારા પંચમહાભુતોના તેજને હરણ કરવા જેવી વાત છે.પરમ ધર્મને સેવનારા યુધિષ્ઠિરને તો તું મૃત્યુ પામ્યા વિના આ લોકમાં જીતી શકીશ નહિ.રણભૂમિમાં કાળ જેવા ભીમનો તું તિરસ્કાર કરે છે,એ જેમ,એકાદ ઝાડ પવનનો તિરસ્કાર કરે તેના જેવું જ છે.