અધ્યાય-૭૫-શ્રીકૃષ્ણનાં ભીમને ઉત્તેજન આપનારાં વાક્યો
II वैशंपायन उवाच II एतच्छ्रुत्वा महाबाहुः केशवः प्रहसन्निव I अभूतपूर्व भीमस्य मार्दवोपहितं वचः II १ II
વૈશંપાયને કહ્યું-પૂર્વે કદી નહિ સાંભળેલું એવું ભીમનું કોમળતા ભરેલું ભાષણ સાંભળીને શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને એ ભાષણને (વજનમાં)હલકું અને શીતળ જેવું માનીને,તે વખતે જેમ,વાયુ અગ્નિને પ્રદીપ્ત કરે તેમ,શ્રીકૃષ્ણ,કૃપાથી વ્યાપ્ત થઇ બેઠેલા ભીમને વાણી વડે ઉત્તેજિત કરતા કહેવા લાગ્યા કે-હે ભીમસેન,તું આડે દિવસે તો વધને અભિનંદન આપનારા ક્રૂર ધૃતરાષ્ટના પુત્રોને કચરી નાખવાની ઈચ્છાથી યુદ્ધની જ પ્રસંશા કર્યા કરે છે,તું એ વિચારમાં ઊંધતો નથી ને સર્વદા ભયંકર ક્રોધથી ભરેલી ઉગ્ર વાણી બોલ્યા કરે છે.ક્રોધથી તપી જઈને મનમાં ઉકળાટ લાવીને અગ્નિની જેમ નિસાસા નાખ્યા કરે છે,ને દુર્બળની જેમ એકાંતમાં જઈને નિશ્વાસ નાખતો પડી રહે છે,આ વાતને ના જાણનારા કેટલાક લોકો તને ગાંડો થઇ ગયેલો માને છે.(7)