May 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-808

એમ વિચાર કરીને,તે ચૂડાલાએ પોતાના પતિ શિખીધ્વજ રાજાની પાસે વારંવાર ભયંકર સિંહનાદ કર્યો,તેમ છતાં રાજા જરા પણ ચલાયમાન ના થયો,ત્યારે રાણીએ તેનો હાથ ઝાલી હલાવ્યો,હલાવ્યાથી તે જમીન પર પડી ગયો,છતાં તે રાજા જયારે સમાધિમાંથી જાગ્રત થયો નહિ,ત્યારે,રાણીએ ફરી વિચાર કર્યો કે-અહો,આ રાજા તો છેક સાતમી ભૂમિકાની પરિપાક દશાએ પહોંચી ગયા લાગે છે,તો હવે તેને કોઈ પણ  યુક્તિ વડે શા માટે જાગ્રત કરવા જોઈએ? એ ભલે વિદેહમોક્ષને પ્રાપ્ત થાય,હું પણ આ સ્ત્રી શરીરને ત્યજી દઈ,પાછો પુનર્જન્મ ના થાય તે માટે પરમપદને (વિદેહમુક્તતાને) પ્રાપ્ત થઇ જાઉં,કેમ કે અહી જીવવામાં શું વિશેષ સુખ છે?

May 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-807

આ પ્રમાણે વિચાર કરતાં કરતાં વાસનારહિત ચિત્ત-વાળો એ રાજા,પથ્થરની બનાવેલી મૂર્તિની પેઠે,વાણી-વગેરેની ચેષ્ઠા વગરનો,સમાધિસ્થ જ થઈ રહ્યો,અને સંકલ્પ વગરની નિર્વિકલ્પ સમાધિમાં જ તે દૃઢ સ્થિતિને પ્રાપ્ત થઇ પથ્થરની પેઠે નિશ્ચલ થઇ ગયો.એ રાજાને સમાધિમાં પોતાના નિર્મળ આત્માનો લાભ (અનુભવ) થવાથી,ઘણા લાંબે કાળની પોતાની ભયભીત બુદ્ધિને શાંત કરી,પરબ્રહ્મ સાથે એકરૂપ થઇ જઈ,અને ઘણા લાંબાકાળ સુધીના  પોતાના અભ્યાસ વડે કરેલા યોગથી,પોતાના સ્વરૂપમાં રહી સુષુપ્તિ (નિંદ્રા)ની પેઠે નિર્વિકલ્પ સમાધિમાં વિશ્રામ લીધો.