Sep 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-920

દ્રષ્ટા-દર્શન અને દૃશ્ય એ ત્રિપુટીનો બાધ કરી દઈ,કેવળ પોતાના નિરાકાર સ્વરૂપમાં જ સ્થિતિ રાખનારા,
જ્ઞાન-દૃષ્ટિ વડે યથાર્થ આત્મ-સ્વરૂપને જાણી ચૂકેલા અને નિસ્પૃહ-એવા,
વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? (એટલે કે વિવેકીને દેહનો અધ્યાસ રહેતો નથી)
દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દૃઢ બંધ છે અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો તે મુક્ત-પણું છે.
તો પછી,પૂર્ણકામતા-રૂપી વૈરાગ્ય-દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે?

Sep 14, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-919

હિરણ્યગર્ભનું "મન",જ -આ જગતને નિર્માણ કરનારું છે.તેણે કોઈ સાધન-સામગ્રી વિના કે
કોઈનો આશ્રય લીધા વિના જ પોતાના સંકલ્પ-માત્રથી (મનથી)આ જગત-રૂપી ચિત્ર બનાવી દીધું છે.
માટે એ માનસિક કાર્યમાં મનથી જુદો કોઈ કર્તા  પણ નથી અને મનથી બીજું  કોઈ કાર્ય  પણ નથી.
સર્વ મનોમય જ છે,અને તે જ્યાંજ્યાં જેવોજેવો વિસ્તાર કરે છે,ત્યાંત્યાં તે વસ્તુરૂપે આખરે તે પોતે જ થઈને રહે છે.
આ રીતે દૃશ્યનો અભાવ હોવાથી,જે કંઈ દૃશ્ય-રૂપે જોવામાં આવે છે,તે સૌ અસત્ય જ છે.
તેને લીધે કર્તા-કાર્ય-એવું કશું નથી અને સર્વ કંઈ મનનો વિલાસ માત્ર છે.

Sep 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-918

જેમ,નેત્રનું ખુલવું,એ રૂપનો પ્રકાશ કરવા માત્ર જ છે (એટલે કે નેત્રના ખુલવાથી પદાર્થનું રૂપ દેખાય છે)
તેમ,અહંકાર સહિત,આ જગત પણ,સાક્ષી-ચૈતન્યના બહાર આવી ફેલાવાથી જ પ્રકાશમાં આવે છે (દેખાય છે)
જેમ નેત્ર બંધ થતાં,રૂપ (પદાર્થ) દેખાવું બંધ થાય છે,
તેમ, વૃત્તિઓ દ્વારા બહિર્મુખ થઇ ગયેલા સાક્ષી-ચૈતન્યને અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપમાં સ્થાપવાથી,
સર્વ દ્રશ્ય-વર્ગ (જગત અને જગતના પદાર્થો) દેખાવા બંધ થાય છે.