Sep 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1253

રામ : પછી તે (સંકલ્પ કે કલ્પનાથી) મિથ્યા-રૂપે ખડાં થઇ ગયેલાં જગતની અંદર તે મિથ્યા-પુરુષ,
મિથ્યા-રૂપે જ તેની ક્રિયાઓ કરે છે અને પરિવર્તન પામ્યા કરે છે.તે પોતે જ વ્યષ્ટિ-રૂપ 'જીવ' બનીને,
ઉપરના લોકમાંથી નીચેના લોકમાં  આવે છે તો નીચેના લોકમાંથી ઉપરના લોકમાં પણ જાય છે.
વસ્તુતઃ તો આ જગતનું મિથ્યાપણું પણ નથી કે સત્યપણું પણ નથી,પરંતુ જન્મ-આદિ વિકારથી રહિત
પરમ-તત્વ જ અનિર્વચનીયપણે આ સર્વ-રૂપ થઇ રહેલું છે.એટલે આ જગત પણ આકાશના જેવું સ્વચ્છ છે,
શિલાના ગર્ભ જેવું એકરસ છે અને પાષાણ-મૌનના જેવું શાંત-નિર્વિકલ્પ-અવિનાશી  છે.

Sep 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1252

રામ કહે છે કે-આ જગત બ્રહ્મની અંદર ઉત્પન્ન  થયેલું જ નથી ને તેની જુદી સત્તા નથી પણ
તે બ્રહ્મમય જ હોવાથી આરંભથી રહિત અને નિરાકાર છે છતાં અનિર્વચનીય માયા વડે ભાસ્યા કરે છે.
તે ઝાંઝવાના જળની જેમ મિથ્યા ભ્રમ-રૂપ છે.પાણીમાં થનાર કંપ (તરંગ) ની જેમ તે કંપ્યા કરે છે.
બ્રહ્મમાં તે જગત અજ્ઞાનથી જ ભિન્ન-રૂપે ભાસે છે.ને સ્વપ્નમાં તથા સંકલ્પ-સૃષ્ટિમાં
ખડા થઇ ગયેલ પર્વતની જેમ મનોમય અને આભાસ-રૂપ (મિથ્યા) છે.

Sep 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1251

રામ : તૃષ્ણાથી રહિત થઇ જવું તે જ ખરું જ્ઞાન છે બાકી જેમાં વૈરાગ્ય નથી,તે પાંડિત્ય તો મૂર્ખતા જ છે.
જ્ઞાન અને વૈરાગ્યની નિરતિશય સંપત્તિ એ જ મોક્ષ કહેવાય છે અને તેવા અનંત શાંત પદમાં સ્થિતિ રાખનાર
પુરુષને પછી શોક કરવાનો સમય આવતો નથી.જે કંઈ જાણવાનું હતું તે સર્વ જાણ્યું,જે છોડવાનું હતું તે છોડ્યું,
જે કરવાનું હતું તે કર્યું અને જે જોવાનું હતું તે સર્વ જોયું.જે આ કંઈ સર્વ છે તે પરબ્રહ્મરૂપ જ છે.