Oct 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1286

(૨૧૪) ઉપદેશનાં વખાણ
વાલ્મીકિ કહે છે કે-વસિષ્ઠજી ઉપર પ્રમાણે કહેતા હતા તેવામાં,આકાશમાં દેવતાઓનો દુંદુભિનાદ થવા લાગ્યો
અને પૃથ્વી પર પુષ્પ-વૃષ્ટિ થવા લાગી.પછી પોતાના સ્થાનને અનુસરી ક્રમવાર યોગ્યતા પ્રમાણે સભાના સર્વ સભ્યોએ
તે દિવ્ય પુષ્પો લીધાં અને વસિષ્ઠના ચરણમાં પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.

દશરથ રાજા કહે છે કે-અહો! અમે લાંબા કાળ સુધી આ સંસાર-રૂપી જંગલમાં ભમવાથી બહુ થાકી ગયા હતા,
પરંતુ આપના ઉપદેશથી અમે સુખથી આત્માવગાહનમાં અધિકારી થયા છીએ,ને વિશ્રાંતિ પામ્યા છીએ.
અનેક દૃષ્ટાંતો વડે,આપે અમારી દૃશ્યની ભ્રાંતિ દુર કરી છે.

Oct 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1285

જે સત્ય એવું ચિદાકાશ છે,તે જ સૃષ્ટિ-પ્રલય-રૂપ છે,તેનું વાસ્તવિક સ્વરૂપ ન ઓળખાય,ત્યાં સુધી
તે દુઃખ આપે છે પણ જયારે તેનું વાસ્તવિક સ્વરૂપ ઓળખવામાં આવે છે ત્યારે પરમ શાંતિનો લાભ થાય છે.
એ ચિદાકાશ જ દેવઘટરૂપ છે,પટરૂપ છે,શૈલરૂપ છે,સ્ફોટરૂપ છે,તટરૂપ છે ને વટરૂપ પણ છે,
તૃણ,અગ્નિ,સ્થાવર અને જંગમ એ સર્વરૂપ તે પોતે જ છે.ચિદાકાશરૂપ ના હોય એવું કશું પણ અહીં નથી.
એ એક જ વસ્તુ નિત્ય છે,ને બહાર પણ તે જ છે.આદિ-મધ્ય-અંત-રૂપ પણ તે છે અને ત્રિકાળ-રૂપ પણ તે જ છે.
એ ચિદાકાશમાં સર્વ વસ્તુ 'બ્રહ્મ-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે છે અને 'દૃશ્ય-રૂપે' જોતાં તે સર્વ પ્રકારે સદૈવ નથી જ.

Oct 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1284

શિષ્ય : હે મહારાજ,જો દૃશ્ય(જગત) નથી તો પછી દૃશ્યના આકારે શી વસ્તુ ભાસે છે?
અને પાછો બોધ થઇ ગયા પછી તે દૃશ્ય કેમ ભાસતું નથી?કઈ વસ્તુનું એ રૂપ છે? ચિદાકાશનું કે કોઈ બીજાનું?

ગુરૂ : જેમ,છીપ,પોતાના ચકચકિતપણાથી રૂપાના આકારે સ્ફુરે છે,તેમ પોતાની સત્તાના બળથી,
આ સ્વચ્છ ચિદાકાશ જ જે કંઈ વિવર્ત (આભાસ કે વિલાસ) ના આકારે સ્ફુરે છે-તે જ જગતના નામે ભાસે છે,
બાકી જગત એ કોઈ બીજી વસ્તુ નથી,પણ ચિદાકાશ-રૂપ-વસ્તુનું (આભાસથી ભાસતું) એક સ્વરૂપ જ છે.
જેમ એક જ અવયવીનું સ્વરૂપ,શ્વેત (સફેદ) અને કૃષ્ણ(કાળાશ) એ બંને વડે યુક્ત હોય છે,
તેમ,પરમાત્માનું પોતાનું ચિદાકાશ-રૂપી-શરીર જ સૃષ્ટિ અને પ્રલય-એ બંને-રૂપે રહેલું છે.
વસ્તુતઃ તો તેના વિવર્તનું પ્રસરવું (સૃષ્ટિ) અને તેનું સમેટાઈ જવું (પ્રલય) એવી જ 'કલ્પના' કરવામાં આવી છે.