May 10, 2020

ભાગવત રહસ્ય -૨૭૦

ખરેખર જોઈએ તો-રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજીનો ત્યાગ કરી શકે જ નહિ.પણ રાજાએ,પ્રજાને રાજી રાખવા પોતાની રાણીનો ત્યાગ કર્યો છે,એનો તે પુરાવો છે.સીતાજીનો ત્યાગ કર્યો તે ઘણા લોકોને ગમ્યું નહિ,પણ સીતારામજીના દુઃખનો કોઈએ વિચાર કર્યો નથી.રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમમાં એકલાં વિરાજે છે.કોઈએ એમ કહ્યું નથી કે સીતાજીને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજીએ કહ્યું-કે મને આ બાબતેમાં કંઈ કહેશો નહિ.

May 9, 2020

ભાગવત રહસ્ય -૨૬૯

રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાનથી આપ્યો નથી,
વર્તનથી આપ્યો છે.રામજીએ લક્ષ્મણને આજ્ઞા કરી છે-સીતાજીને કોઈ ઘોર જંગલ માં મૂકી આવ.લક્ષ્મણજીએ ના પાડી છે.તેમનો સીતાજીમાં માતૃ ભાવ છે.
રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.સેવા ધર્મ અતિ કઠણ છે.
સેવા કરી માલિકને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. 

May 8, 2020

ભાગવત રહસ્ય -૨૬૮

સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત.અપમાનનો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતોનું ભૂષણ છે.શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.