Jul 11, 2020

ભાગવત રહસ્ય -૩૨૯

ત્રીજી ગોપી કહે છે-કે-મા તમને હું શું કહું ? આજે દૂધ-દહીં ગોળીમાં ભરીને વેચવા જતી હતી.ત્યારે રસ્તામાં મને થયું કે મારી ગોળીમાં કનૈયો છે.મે ગોળી નીચે ઉતારીને જોયું તો ગોળીમાં મને લાલો દેખાણો.કનૈયો મને કહે -કે તારી ગોળીમાં રહેવું મને બહુ ગમે છે,ગોપી,તું મને વેચીશ નહિ.મને વિચાર થયો કે મારે કનૈયાને વેચવો નથી,એને હું મારે ઘેર લઇ જઈશ.હું તો તન્મયતામાં ઘેર આવી અને મારી ફજેતી થઇ.મા,જ્યાં જોઈ એ ત્યાં મને કનૈયો દેખાય છે.

Jul 10, 2020

ભાગવત રહસ્ય -૩૨૮

યશોદાજી ગોપીને પૂછે છે કે-અરી,સખી,કનૈયો તારે ત્યાં ચોરી કરવા આવે છે,તેની તને ખબર પડે છે કે નહિ? ત્યારે ગોપી કહે છે કે-મા,કનૈયો આવવાનો હોય તેની અમને ખબર પડે છે.જે દિવસે ઘેર આવવાનો હોય તેને આગલે દિવસે,સ્વપ્નમાં પણ દેખાય છે. મા,ઘરનું બધું કામ પૂરું કર્યા પછી,હું પથારીમાં પડું છું અને મને કનૈયો યાદ આવે છે,
શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં નિંદ્રા આવી અને મને સ્વપ્નમાં દેખાયું કે –કનૈયો મારા ઘેર આવ્યો છે,અને મિત્રોને માખણ લુંટાવે છે.

Jul 9, 2020

ભાગવત રહસ્ય -૩૨૭

જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે,અને ઈશ્વર તેના પર કૃપા કરે છે.નિઃસાધન બની જે ભક્તિ કરે તે શ્રેષ્ઠ છે.નિઃસાધન બનવું એટલે –સાધન બધાં કરવાના પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી-એમ માનવું તે.એવા નિરાભિમાની થવાનું છે.પણ ઘણી વખત એવું થાય છે કે –મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે –એટલે તે પડે છે.પડવાનું નહિ પણ દીન બનીને રડવાનું છે.