અધ્યાય-૨૭-સંજયનાં વાક્યો
IIसंजय उवाच II धर्मनित्या पांडव ते विचेष्टा लोके श्रुता द्रष्यते चापि पार्थ I
महाश्रवं जीवितं चाप्यनित्यं संपश्य त्वं पांडव मा व्यनीनशः II १ II
સંજય બોલ્યો-હે પાંડવ,તમારું કોઈ પણ આચરણ ધર્મને અનુસરીને જ હોય છે એવું લોકમાં સાંભળવામાં અને જોવામાં આવે છે.હે પાંડુપુત્ર,પણ,મહાકીર્તિવાળું જીવિત પણ અનિત્ય જ હોય છે તે તરફ તમે દ્રષ્ટિ કરો અને ક્રોધ વડે ધૃતરાષ્ટ્ર પુત્રોનો નાશ ન કરો.કૌરવો રાજ્યનો ભાગ આપે નહિ તો યુદ્ધ કરીને રાજ્ય મેળવવું એ કલ્યાણકારક નથી,પણ અંધક અને વૃષ્ણીઓના રાજ્યમાં ભિક્ષા માગીને નિર્વાહ કરવો એ કલ્યાણકારક છે એમ હું માનું છું.
કેમ કે મનુષ્યનું જીવિત અલ્પ,ક્ષય પામનારું,દુઃખથી ભરેલું અને ચંચળ છે.વળી,યુદ્ધ કરીને રાજ્ય મેળવવું તે તમારા જેવાની કીર્તિને પણ યોગ્ય નથી,માટે તમે યુદ્ધરૂપી પાપ કરશો નહિ.