Aug 2, 2019

ભાગવત રહસ્ય-૨૫

ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.

સતત પ્રભુના દર્શન કરવાં તે અઘરું છે.તેથી મહાપુરુષો સતત પ્રભુના નામમાં પ્રીતિ રાખે છે. નામમાં રત રહે છે.ભગવાનના નામ સાથે પ્રેમ કરો. જ્ઞાની પુરુષો નામમાં નિષ્ઠા રાખે છે. નામ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે.
રામજીએ થોડા જીવોનો ઉદ્ધાર કર્યો હશે, પણ ત્યાર પછી તેમના નામે અનેકોનો ઉદ્ધાર કર્યો છે.
શ્રીકૃષ્ણ પૃથ્વી પર વિરાજેલા, ત્યારે તેમને જે જીવોનો ઉદ્ધાર કર્યો તેના કરતાં તેમના નામે અનેકોને તાર્યા.
જે કાર્ય ભગવાનથી નથી થયું તે તેમના નામે કર્યું છે.

મહાભારતમાં કથા આવી છે કે- શ્રીકૃષ્ણ દુર્યોધનને સમજાવવા ગયા છે. તેઓએ દુર્યોધનને ઘણું સમજાવ્યું,કે—આ યુદ્ધથી ઘણાં લોકો દુઃખી થશે,મોટો સંહાર થશે. પણ દુર્યોધને માન્યું નહિ. દુર્યોધનને દ્વારકાનાથ સુધારી શક્યા નહિ.પણ દુર્યોધનના જેવો કોઈ મનુષ્ય ભગવાનના નામના જપ કરે તો ભગવત કૃપાથી સુધરે છે.જે કામ ભગવાન ના કરી શકે તે તે કામ ભગવાનનું નામ સ્વરૂપ કરે છે.

દુર્યોધન તો મરી ગયો પણ-દુર્યોધનનો વંશ –કળિયુગમાં બહુ વધી ગયો છે.પારકાનું ધન હરણ કરવાની ઈચ્છા રાખે તે દુર્યોધન. પરસ્ત્રીને કામ ભાવથી નિહાળે તે રાવણ.નામ સેવા આવા દુર્યોધનોને અને રાવણને સુધારી શકે છે.નામ સાધન સરળ છે. જે ભાગવત નામનો આશ્રય કરે તે ભગવાન જેવો બને છે. આત્મદેવ સતત દશમ સ્કંધની લીલામાં રત રહે છે.

સંસારને ભૂલવા કેટલાક મહાત્માઓ પ્રાણાયામ કરે છે,નાક બંધ કરે છે. પણ કૃષ્ણલીલામાં એવી શક્તિ છે કે-
નાક બંધ કરવાનું નહિ-આંખ બંધ કરવાની નહિ-અનાયાસે મનને સમાધિ લાગે છે.
મન શુદ્ધ થાય છે ત્યારે પ્રભુમિલનની ભાવના થાય છે. સત્કર્મ કરતાં મનનો મેલ ધોવાય છે.
પરમાત્માના દર્શનની આત્મદેવને ભાવના જાગી છે. એક દિવસ દશમ સ્કંધનો પાઠ પરિપૂર્ણ થયો અને તેઓ 
નારાયણમાં લીન થયાં છે. આત્મદેવ આજે સાચા દેવ થયા છે. દશમ સ્કંધના પાઠથી તેમને મુક્તિ મળી છે.

સંસ્કૃતનું જ્ઞાન હોય તો-રોજ દશમ સ્કન્ધનો,વિષ્ણુસહસ્ત્ર નામનો, શિવમહિમ્ન સ્તોત્ર નો પાઠ કરો.
પાઠ અર્થ જ્ઞાન સાથે કરો. અર્થ જ્ઞાન વગરનો પાઠ અધમ પાઠ છે.પ્રભુ જલ્દી કૃપા કરતા નથી.-કારણ તેમને માટે આપણે દુઃખ સહન કરતા નથી. સ્વેચ્છાથી દુઃખ સહન કરે તેને યમરાજ દુઃખ આપી શકતા નથી.

આત્મદેવ એક આસને દસ-બાર કલાક બેસતા. એક આસને બેસો. જ્ઞાનીઓને સમાધિમાં જે આનંદ મળે છે તેવો આનંદ તમને કથામાં મળશે. લીલાની કથા ચાલતી હોય ત્યારે,તે લીલા પ્રત્યક્ષ થઇ રહી છે તેમ વિચારો તો આનંદ આવશે.વિચાર કરો, મારું મન ઈશ્વરમાં તરબોળ થયું છે.દૃશ્ય(સંસાર)- માંથી દ્રષ્ટિ –હટી જાય-અને –દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર થાય –તો મન નો નિરોધ થાય અને આનંદ પ્રગટે.

ગોકર્ણ ને લાગ્યું કે ધન્ધુકારીનું વર્તન મને વિક્ષેપ કરશે.તેમના કુસંગથી મારું જીવન બગડશે. એટલે તેઓએયાત્રાનું નિમિત્ત કરી-ઘર છોડ્યું છે.ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહિ અને ઘરમાં કુસંગ હોય તો ઘરમાં રહેવું નહિ.-આ ભાગવતનો સિદ્ધાંત છે.કુસંગ એટલે નાસ્તિકનો સંગ-કામીનો સંગ.
આ બાજુ ધન્ધુકારી પાંચે વેશ્યાઓને ઘેર લઇ આવ્યો. વેશ્યાઓને રાજી કરવા ચોરીઓ કરવા લાગ્યો.

સૂતજી સાવધાન કરે છે-કે-એક એક ઇન્દ્રીઓનો ધણી જીવ છે. પરંતુ ઇન્દ્રિય જીવનો ધણી થાય –મનુષ્ય ઇન્દ્રિયોને આધીન થાય તો તેનું જીવન બગડે છે. મન ઈશ્વર સાથે મૈત્રી કરે ત્યારે સુખી થાય છે. અને વિખુટો પડે છે ત્યારે દુઃખી થાય છે.

ધન્ધુકારી અનર્થથી અર્થોપાર્જન કરે છે. ધર્મની મર્યાદા છોડી, પાપથી પૈસો કમાય તે ધન્ધુકારી બને છે.
તે રાજાને ઘરે ચોરી કરવા ગયો.દાગીનાઓ લાવી વેશ્યાઓને આપ્યા. વેશ્યાઓ વિચાર કરે છે-કે –આ જીવતો રહેશે તો જરૂર કોઈ દિવસ પકડાઈ જઈશું. ચોરીનો માલ પચશે નહિ. પકડાઈ જઈશું તો રાજા બધું ધન લઇ લેશે.આને સજા થશે અને આપણને પણ સજા થશે.—માટે આને મારી નાખીએ.

જે વેશ્યાઓને રાજી રાખવા માટે એ પાપ કરતો હતો,તે વેશ્યાઓ તેને મારવા તૈયાર થઇ છે.વેશ્યાઓએ –ધન્ધુકારીને દોરડા વતી બાંધ્યો-ગળે ફાંસો આપ્યો. ધન્ધુકારી બળવાન છે પણ બંધનમાં આવ્યો છે.
ધન્ધુકારી મરતો નથી.અતિ પાપીને જલ્દી મોત આવતું નથી. ડોસો માંડો પડે એટલે છોકરાં બાપને કહે છે કે-બાપા ભગવાનનું નામ લો.

છોકરાંઓ-શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે-બોલાવે-પણ ડોસાના હોઠે ભગવાનનું નામ આવતું નથી. અતિ પાપી –પાપનું દુઃખ પથારીમાં જ ભોગવે છે. અતિ પાપીને પથારીમાં જ નરક નું દુઃખ ભોગવવું પડે છે. અતિ પુણ્યશાળીને –મરતાં પહેલાં જ સ્વર્ગનું સુખ મળે છે.

પાંચ વેશ્યાઓ બળતા અંગારા –ધન્ધુકારીના મોમાં નાખે છે.અને તેને મારી નાખે છે.
પાંચ વિષયો જીવ ને બાંધે છે,અને અંતકાળે જીવને એવી રીતે મારે છે-કે-જીવ તરફડે છે.
વૈષ્ણવ એ છે કે –જે વિષયોને વિવેક થી ભોગવે છે.
વેશ્યાઓએ પછી તેના શરીરને ખાડામાં દાટી દીધું. શરીરને અગ્નિ સંસ્કાર પણ વેશ્યાઓએ કર્યો નહિ.

જેના ચરિત્રને જોતા ધૃણા આવે-તે ધન્ધુકારી છે.ધન્ધુકારી પોતાના કુકર્મોને કારણે-ભયંકર પ્રેત બન્યો. અતિ પાપી જ પ્રેત બને છે. પાપી યમપુરી માં પણ જતો નથી.પાપી અને પ્રેત સરખા છે. બંનેને જોતા ધૃણા આવે છે.


      PREVIOUS PAGE   
       NEXT PAGE               
    INDEX PAGE