Jul 10, 2019

ભાગવત રહસ્ય-૨


પ્રભુ-દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં દર્શાવ્યા છે.
૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન 
૨.મંદિર અને મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.

વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે.
૧.પરોક્ષ સાક્ષાત્કાર--ઈશ્વર કોઈક એક ઠેકાણે છે-તેમ માને તે
૨.અપરોક્ષ સાક્ષાત્કાર—ઈશ્વર વિના બીજું કંઈ નથી,ઈશ્વર જ બધું છે,અને હું પણ ઈશ્વરથી અલગ નથી.-તેમ માને તે. 
જેને --હું પોતે બ્રહ્મ છું—એવું—જ્ઞાન-- થાય તેને –સાક્ષાત્કાર-- થયો તેમ કહેવાય.
જોનારો ઈશ્વરને જોતાં ઈશ્વરમય બને ,ઈશ્વરનો સર્વમાં અનુભવ કરતાં કરતાં જે ઈશ્વર સાથે એકરૂપ બને છે,તે જ ઈશ્વરના પરિપૂર્ણ સ્વરૂપને જાણી શકે છે,અને વેદાંતમાં તેને અપરોક્ષ સાક્ષાત્કાર કહે છે.

ઈશ્વર જગતમાં કોઈ એક ઠેકાણે છે-તે જ્ઞાન અપૂર્ણ છે.ઈશ્વર સર્વ વ્યાપક છે,તે એક મૂર્તિ કે મંદિરમાં રહી શકે નહિ.મૂર્તિમાં પ્રત્યક્ષ પરમાત્મા ક્યાં દેખાય છે? પણ વૈષ્ણવો ભાવના રાખે છે કે પ્રભુ સર્વ પદાર્થમાં છે તો –આ મૂર્તિમાં પણ છે.મૂર્તિ એ ભગવાન નથી,પણ મૂર્તિમાં ભગવાનનું આવાહન કરવામાં આવે છે,પછી તે ભગવદરૂપ બને છે.મૂર્તિની જેમ જ દરેક મનુષ્યમાં પરમાત્માના દર્શન કરવાના છે.

કોઈના (સ્ત્રી-પુરુષના) શરીરને કે રૂપને જોવા નહિ.જ્યાં સુધી દેહના દર્શન થાય છે ત્યાં સુધી દેવના દર્શન થતા નથી.કોઈના શરીરને જોવાથી દેહભાન જાગૃત થાય છે. એટલે દેહથી દ્રષ્ટિ જાય ત્યારે જ દેવના દર્શન થાય છે.કોઈ પણ સ્ત્રીને –આ સ્ત્રી છે-ભોગનું સાધન છે-એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો મન બગડે છે.
પણ આ ગોપી છે,આ લક્ષ્મી છે-એવી ભાવના કરવામાં આવે તો કુભાવ થાય નહિ.

અત્યારે જમાનો એવો આવ્યો છે કે લોકોનું મન બગડતાં વાર લાગતી નથી.જ્ઞાનીનું-અજ્ઞાનીનું –બધાનું મન બગડે છે.એટલે જ લોકોના હાથે પાપ થાય છે અને શાંતિ મળતી નથી.
પ્રત્યેક મનુષ્યમાં પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી ખુબ શાંતિ મળે છે.
જેવી રીતે લાકડામાં સૂક્ષ્મ રીતે અગ્નિ વિરાજેલો છે,તેવી રીતે પ્રત્યેકમાં સૂક્ષ્મ રીતે નારાયણ વિરાજેલા છે.
આથી નિશ્ચય કરવો કે –“આ જગતમાં મારો કોઈ શત્રુ નથી,મારું કોઈએ બગાડ્યું નથી,બધાં મારા મિત્ર છે.બધાં મારા ભગવાનના સ્વરૂપો છે.મને જે દુઃખ મળ્યું છે તે મારા પાપનું ફળ છે.”

નર અને નારાયણ—જીવ અને શિવ—એમાં તત્વ દ્રષ્ટિથી વિચાર કરતાં ----જીવ પણ ઈશ્વરનું સ્વ-રૂપ છે.
કેટલાક કહે છે કે જીવમાં ઈશ્વર જેટલી શક્તિ ક્યાં છે?
એક મહાત્મા છે.તે ગંગાજીમાંથી કમંડળ ભરી લાવ્યા છે.આ કમંડળમાંના ગંગાજીના પાણીમાં નાવડી-મગર –વગેરે ક્યાં છે?પણ તેથી તે ગંગાજી –ગંગાજી નથી –તેમ કેમ કહેવાય?
તે પણ ગંગાજી જ છે.કમંડળની ઉપાધિ હોવાથી પ્રત્યક્ષ તેમાં નાવડી-મગર વગેરે દેખાતા નથી,પણ કમંડળ ની ઉપાધિ જાય અને તે પાણીને ગંગામાં પધરાવો એટલે ગંગાજી જ છે.

આમ, શરીરમાં જે ચૈતન્ય છે –તે ઈશ્વર છે. પણ શરીરના આવરણને લીધે તે ચૈતન્ય (શક્તિ) ગુપ્ત છે.
પ્રત્યેક જીવમાં તો શું?પ્રત્યેક જડ વસ્તુમાં પણ પરમાત્મા છે.
આપણો સનાતન ધર્મ તો માત્ર ચેતનમાં જ નહિ પણ -જડ-માંય—પરમાત્માનું દર્શન કરવાનું કહે છે.
પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ –માં પરમાત્માની સત્તા વિલસે છે.
પૃથ્વીમાં ગંધ રૂપે, જળમાં રસ રૂપે પરમાત્મા જ વિલસે છે.
જડ અને ચેતન સર્વમાં જેને પરમાત્મા દેખાય છે—તેને એક દિવસ પોતાનામાં પણ પરમાત્માનાં દર્શન થાય છે.
જે સર્વમાં પરમાત્માના દર્શન કરી શકતો નથી એને કદી એ પરમાત્માનાં દર્શન થવાના નથી.               


      PREVIOUS PAGE
       NEXT PAGE               
      INDEX PAGE