Oct 27, 2019

ભાગવત રહસ્ય-૯૨

દિતિને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવોને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિએ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું.દેવો ગભરાયા. દેવોને શંકા ગઈ-કે આ દિતિના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ? દેવો બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભમાં વિરાજેલા –એ છે કોણ ? 
બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.

“એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મના આચાર્ય થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોકના દર્શન કર્યા ? તો- તે કહે છે-ના –વૈકુંઠલોકના દર્શન અમે કર્યા નથી. મેં તેમને કહ્યું-પરમાત્માનું ધામ આનંદમય છે. જોવાલાયક તો તે પરમાત્માનું –વૈકુંઠધામ છે. વૈકુંઠલોકના દર્શન –ના કરે તેનું જીવન વૃથા છે.
તેથી તેઓ વૈકુંઠલોકના દર્શન કરવા જાય છે. (ઈશ્વરના દર્શન કરવા જાય છે)

અંતઃકરણ –ચતુષ્ટ્ય- શુદ્ધ થાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.
એક જ અંતઃકરણ ચાર કામ કરે છે. તેથી તેના ચાર ભેદ માન્યા છે.

અંતઃકરણ –જયારે -સંકલ્પ-વિકલ્પ કરે છે-ત્યારે –તેને –મન -કહે છે.
જયારે-તે-કોઈ વિષય નો નિર્ણય કરે છે-ત્યારે તેને –બુદ્ધિ-કહે છે.
જયારે-તે-સત્ય પરમાત્મા નું ચિંતન કરે છે-ત્યારે –તેને –ચિત્ત- કહે છે.
અને જયારે તેનામાં ક્રિયાનું અભિમાન જાગે છે-ત્યારે-તેને-અહંકાર કહે છે.

મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર –આ ચારેને શુદ્ધ કરો-તો પરમાત્મા ના દર્શન થાય છે.આ ચારેની શુદ્ધિ-બ્રહ્મચર્ય -વગર થતી નથી.સનતકુમારો બ્રહ્મચર્યનો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય જયારે –બ્રહ્મનિષ્ઠા-સિદ્ધ થાય.સનતકુમારો-મહાજ્ઞાની છે-છતાં પોતાને બાળક જેવા અજ્ઞાની માને છે. જ્ઞાનમાં અભિમાન ના આવે તેના માટે આવો ભાવ જરૂરી છે.

સનતકુમારો આદિનારાયણના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. એ પછી તો વૈકુંઠનું વર્ણન કરેલું છે.
રામાનુજાચાર્યની આજ્ઞા પ્રમાણે-દક્ષિણમાં કાવેરી નદીના કાંઠે –રંગનાથનું મંદિર –આ વૈકુંઠના વર્ણન ને અનુસરીને બનાવ્યું છે.બાકી તો ભૂ-વૈકુંઠ (જમીન પરના વૈકુંઠ)માં બદ્રીનારાયણનું મંદિર-બાલાજીનું મંદિર-શ્રીરંગમનું મંદિર અને પંઢરપુરને પણ- વૈકુંઠ ગણવામાં આવે છે.

આદિનારાયણનું સ્મરણ કરતાં કરતાં સનતકુમારો વૈકુંઠલોકના છ દરવાજાઓ ઓળંગીને સાતમા દરવાજે આવ્યા. સનતકુમારોને પ્રભુના દર્શનની તીવ્ર આતુરતા છે. સાતમે દરવાજે ભગવાનના દ્વારપાળો જય-વિજય ઉભા હતા –તેમણે અટકાવ્યા.સનતકુમારોએ કહ્યું-લક્ષ્મી-મા અને નારાયણ-પિતાને મળવા જઈએ છીએ.અમને કોઈને પૂછવાની શી જરૂર ? જય-વિજયને પૂછ્યા વગર જ સનતકુમારો અંદર જવા લાગ્યા. 
જય-વિજયને આ ઠીક લાગ્યું નહિ,તેમણે લાકડી આડી ધરી. કહ્યું-મહારાજ,ઉભા રહો,અંદરથી હુકમ 
આવશે –તે પછી જવા દઈશું.

સનતકુમારોને દર્શનની આતુરતા છે-અને જય-વિજય વિઘ્ન કરે છે.
કામાનુજ (કામનો અનુજ-નાનો ભાઈ)-ક્રોધ-સનતકુમારોને ક્રોધ આવ્યો છે. સનતકુમારો જ્ઞાની છે,જ્ઞાનીઓને બહુ માન મળે-એટલે કોઈનું અપમાન સહન કરી શકતા નથી. એમને ક્રોધ આવી જાય છે. કામ પર વિજય મેળવ્યો પણ ક્રોધને આધીન થયા છે.અતિ સાવધ રહે તે કામને મારી શકે-પણ કામના નાના ભાઈ ક્રોધને મારવો મુશ્કેલ છે.

છ દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે-પણ સાતમે દરવાજે જય-વિજય તેમને અટકાવે છે.
સાત પ્રકારનાં યોગનાં અંગો એ વૈકુંઠના સાત દરવાજા છે.
યોગ ના સાત અંગો-યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર---ધ્યાન અને ધારણા.(છેલ્લું-અંગ- સમાધિ)
પ્રથમ પાંચ ને –બહિરંગ યોગ કહે છે-અને પછીના ત્રણ ને અંતરંગ યોગ કહે છે.
આ સાત દરવાજા વટાવ્યા પછી-બ્રહ્મ-સાક્ષાત્કાર થાય છે.પરમાત્માના દર્શન થાય છે.
(સમાધિ-યોગનું છેલ્લું અંગ)

ધારણામાં સર્વાંગ નું ચિંતન હોય છે.જયારે ધ્યાનમાં એક અંગનું ચિંતન હોય છે.
જય-વિજય એ કીર્તિ-પ્રતિષ્ઠા(સિદ્ધિ-પ્રસિદ્ધિ) નું સ્વરૂપ છે. 
એક-કે-સર્વાંગનું ચિંતન કરવા જતાં સિદ્ધી-પ્રસિદ્ધિ અટકાવે છે.
બદ્રીનારાયણ જતાં-વિષ્ણુપ્રયાગ આવે છે,ત્યાંથી આગળ ચાલો એટલે જય-વિજય નામના પહાડો આવે છે. તે ઓળંગો એટલે-બદ્રીનાથ ભગવાન ના દર્શન થાય છે. જય-વિજયના પહાડો ઓળંગવા કઠણ છે. સાંકડી કેડી પર ચાલવાનું હોય છે.જરા પગ લપસે તો છેલ્લો વરઘોડો જ નીકળે છે.   
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE