Oct 26, 2019

ભાગવત રહસ્ય-૯૧

કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિનાં ધર્મપત્ની છે.એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.
મનુષ્ય હૈયામાં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયામાં અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.

આગળ દશમ સ્કંધમાં લાલાની કથા આવશે.-
ગોપીઓ યશોદા આગળ –લાલાની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. 
યશોદા કહે છે-તમે અંધારામાં માખણ રાખો,જેથી કનૈયો દેખે નહિ. 
ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ રાખ્યું હતું-પણ-કનૈયો આવે ત્યારે અજવાળું થાય છે.
એનું શ્રીઅંગ દીવા જેવું છે.તેજોમય છે.
ઈશ્વર સ્વયં-પ્રકાશ છે.ઈશ્વરને દીવાની જરૂર નથી-દીવાની જરૂર મનુષ્યને છે.

સાયંકાળે –સૂર્ય અસ્તમાં જવાની તૈયારીમાં હોય છે.-તે દુર્બળ હોય છે. ચંદ્ર ઉદયની તૈયારીમાં છે-તેથી તે પણ દુર્બળ હોય છે.સૂર્ય –બુદ્ધિ- ના માલિક છે.અને ચંદ્ર –મન- ના માલિક છે. એટલે કે-
સાયંકાળે –મન-બુદ્ધિ-ના –બળ- ઓછાં હોય છે.ત્યારે -કામ –મન-બુદ્ધિમાં પ્રવેશ કરે છે.
બ્રાહ્મણો- સાયંકાળે-સંધ્યા કરે.વૈષ્ણવો-ઠાકોરજી પાસે દીવો કરી –પ્રભુના નામનું કિર્તન કરે.
શાસ્ત્રમાં કહ્યું છે-કે સૌભાગ્યવતી સ્ત્રીમાં લક્ષ્મીનો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ ઘેર આવે છે.
એટલે સૌભાગ્યવતી સ્ત્રી-કોઈ દિવસ સૂર્યના અસ્ત પછી બહાર ફરે નહિ. સાયંકાળે તુલસીની પૂજા કરો,દીવો કરો.ધુપદીપ કરો.

કશ્યપઋષિ દિતિને સમજાવે છે કે--દેવી, અત્યારે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળમાં શિવ પૂજન થાય છે. ભગવાન શંકર –આ સમયે-જીવમાત્રને નિહાળવા જગતમાં ભ્રમણ કરે છે. સાયંકાળે સ્ત્રીસંગથી શંકરનું અપમાન થાય –તેથી અનર્થ થાય.દિતિ કહે છે-કે મને તો ક્યાંય શંકર દેખાતા નથી. 
કશ્યપ કહે છે-દેવી તમે કામાંધ છો-એટલે તમને શંકર દેખાતા નથી.

એક ભક્તે શંકરદાદાને ને પૂછ્યું-તમે શરીર પર ભસ્મ કેમ ધારણ કરો છો?
શિવજીએ કહ્યું-હું સમજુ છું કે શરીર એ ભસ્મ છે.(ભસ્માન્તમ શરીરમ)
ભસ્મ ધરી શિવજી –જગતને વૈરાગ્યનો બોધ કરે છે. શરીર રાજાનું હોય કે રંકનું હોય-તેની ભસ્મ બનવાની છે.
સ્મશાનની ભસ્મ –શરીરની નશ્વરતાનો ખ્યાલ આપે છે.

ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી-પણ વિવેકથી કામસુખ ભોગવી –કામનો નાશ કરવા માટે છે, ગૃહસ્થાશ્રમ, નિયમથી કામનો વિનાશ કરવા માટે છે. કામ એવો દુષ્ટ છે-કે એક વાર હૃદયમાં ઘર કરી ગયો પછી તે જલ્દી નીકળતો નથી.કોઇ જ ડહાપણ પછી ચાલતું નથી.
કામ -દૂરથી જુએ છે-કે કોના હૃદયમાં શું છે ? જેના હૃદયમાં રામ હોય તો કામ ત્યાં આવી શકતો નથી.
માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે –કામને મન-બુદ્ધિમાં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે.

આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો-વિચારો ......તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે –વૈરાગ્ય આવે.આ શરીરમાં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે,તેને નસોથી બાંધ્યા છે,તેના પર માંસના લોચા મારીને ઉપર ચામડી મઢી દીધી છે.ઉપર ચામડી છે-એટલે અંદરનો મસાલો દેખાતો નથી,જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી.જોતાં જ ધૃણા થાય છે.
રસ્તામાં કોઈ હાડકાંનો ટુકડો જોવામાં આવે –તો તેને કોઈ અડકતું પણ નથી, પણ દેહમાં રહેલા હાડકાંને આપણે પ્રેમ કરીએ છીએ.આ આપણે સમજી શકતા નથી –એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?

શરીરનું સુખ એ આપણું સુખ નથી, આત્માથી શરીર જુદું છે. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી –તેને જોતાં બીક લાગે છે.શંકરાચાર્યે –ચર્પટ-પંજરીકા સ્તોત્ર (ભજગોવિંદ સ્તોત્ર) માં કહ્યું છે-
નારી-સ્તન ભર નાભિ-નિવેશમ, મિથ્યા માયા મોહાવેશમ,
એતાન્માંસ વસાદિ વિકારમ, મનસિ વિચારય વારંવારમ-
ભજ ગોવિન્દમ-ભજ ગોવિન્દમ મૂઢમતે....(નારીનાં સ્તનો અને નાભિ-નિવેશમાં મિથ્યા મોહ ના કર.એ તો માંસ મેદનો વિકાર જ છે. મનમાં આનો વારંવાર વિચાર કર.)
ભાગવતમાં તો એક જગ્યાએ કહ્યું છે-આ શરીર એ-શિયાળ-કુતરાંનું ભોજન છે. અગ્નિસંસ્કાર ના થાય તો-શિયાળ-કુતરાં તેને ખાય છે.એવા શરીર પર નો મોહ છોડો.

દિતિ- એટલે –ભેદ બુદ્ધિ- સર્વમાં નારાયણ છે-એવો અભેદ- ભાવ રાખે તો પાપ થાય નહિ.
દિતિએ કશ્યપનું માન્યું નહિ. દિતિ દુરાગ્રહી છે. (પિતા દક્ષની જેમ).
કશ્યપ દિતિના દુરાગ્રહ ને વશ થયા. દિતિ સગર્ભા થયા છે.
પાછળથી દિતિને પોતાની ભૂલ સમજાઈ,પસ્તાયાં છે,પશ્ચાતાપ થયો, શિવજીની પૂજા કરી ક્ષમા માગી છે.

કશ્યપે –દિતિને કહ્યું-અપવિત્ર સમયે તમારા પેટમાં ગર્ભ રહ્યો છે.તેથી તમારાં ગર્ભમાંથી બે રાક્ષસોનો જન્મ થશે.પોતાના પેટેથી રાક્ષસો અવતરશે –એવું જાણી દિતિ ગભરાઈ ગઈ છે.
કશ્યપ કહે છે-તારાં બાળકો જગતને રડાવશે. તે વખતે પરમાત્મા અવતાર ધારણ કરી તેને મારશે.
દિતિ કહે છે-તો તો મારા પુત્રો ભાગ્યશાળી થશે-પ્રભુ ભલે મારા બાળકોને મારશે-પણ તેમને પ્રભુના દર્શન તો થશે ને !! 
કશ્યપે આશ્વાસન આપતા કહ્યું-તારા બે બાળકો ભલે જગતને રડાવશે-પણ તારા પુત્રનો પુત્ર –મહાન ભગવદભક્ત થશે.મહાન વૈષ્ણવ થશે અને પ્રહલાદના નામ થી ઓળખાશે.......દિતિને સંતોષ થયો છે.

એકલો-માત્ર- ઠાકોરજીની સેવા-સ્મરણ કરે-તે સાધારણ વૈષ્ણવ. પરંતુ-જેના સંગમાં આવ્યા પછી-સંગમાં આવેલાનો સ્વભાવ સુધરે-ઈશ્વરની સેવા-સ્મરણ કરવવાની ઈચ્છા થાય, સત્કર્મની ઈચ્છા થાય-
ભક્તિનો રંગ લાગે તે –મહાન વૈષ્ણવ.પ્રહલાદ મહાન વૈષ્ણવ છે.     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE