Oct 25, 2019

ભાગવત રહસ્ય-૯૦

મૈત્રેયજીએ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવતમાં વારંવાર આવે છે.
તત્વ દૃષ્ટિથી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગતનો બહુ વિચાર આપણા ઋષિઓએ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ) જેણે બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્માનો વારંવાર –બહુ વિચાર કર્યો છે.

નિરાકાર –પરમાત્માને રમવાની “ઈચ્છા” થઇ. પરમાત્માને “માયા” નો સ્પર્શ થયો. 
એટલે “સંકલ્પ” થયો. કે-હું એકમાંથી અનેક થાઉં-ત્યારે-'પ્રકૃતિ અને પુરુષ'નું જોડું ઉત્પન્ન થયું.
'પ્રકૃતિ-પુરુષ' માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને 'મહત્ તત્વ' માંથી 'અહંકાર' ઉત્પન્ન થયો.
અહંકારના ત્રણ પ્રકાર છે-વૈકારીક (સાત્વિક)—ભૂતાદિ (તામસિક)—તેજસ (રાજસિક).
પાંચ તન્માત્રાઓમાંથી પંચમહાભૂતોની ઉત્પત્તિ થઇ.પણ આ બધાં તત્વો કંઈ –ક્રિયા- કરી શક્યાં નહિ. 
એટલે તે એક એક તત્વમાં પ્રભુ એ પ્રવેશ કર્યો.
(પાંચ તન્માત્રાઓ=રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ---પંચમહાભૂત=આકાશ-વાયુ-પૃથ્વી-તેજ-જળ)
(આ જ વસ્તુને વધુ સરળતાથી –ઉદાહરણથી સમજાવવા ભાગવતમાં કહે છે!!!?) 
ભગવાનની- નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું. તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજી એ કમળનું મૂળ(મુખ) શોધવા પ્રયત્ન કર્યો.ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયાં. ભગવાને –બ્રહ્માજીને કહ્યું-તમે સૃષ્ટિની રચના કરો.
બ્રહ્માજીએ કહ્યું-હું રચના કરું-પણ રચના થયા બાદ –મેં આ રચના કરી છે-એવું મને અભિમાન –ના આવે તેવું વરદાન આપો.પ્રભુએ વરદાન આપ્યું.

બ્રહ્માજીએ સર્વ પ્રથમ ઋષિઓને (સનત્કુમારો?) ઉત્પન્ન કર્યા ને તે -ઋષિઓ ને-કહ્યું-તમે પ્રજા ઉત્પન્ન કરો. 
પણ ઋષિઓ કહે છે-અમને તો ધ્યાનમાં આનંદ આવે છે.
બ્રહ્માજી વિચારે છે-આ સંસાર કેવી રીતે આગળ વધે ? મારે જગતમાં કંઈ આકર્ષણ રાખવું જોઈશે.
આથી તેમણે –કામ-ની રચના કરી.(કામને ઉત્પન્ન કર્યો).
કામ –આમ તેમ જોવા લાગ્યો-અને ઋષિઓના હાથમાંથી માળા પડી ગઈ.
બ્રહ્માજી હસવા લાગ્યા-હવે કોઈને કહેવું પડશે નહિ કે પ્રજા ઉત્પન્ન કરો.
આ –કામ- ને લીધે- મોહ ઉત્પન્ન થયો.
બ્રહ્માજીના જમણા અંગમાંથી –સ્વયંભુ મનુ (મન?) ને ડાબા અંગમાંથી –શતરૂપા(માયા?) રાણી-પ્રગટ થયા.
(ભાગવતમાં જે-જે-નામ આપવામાં આવ્યા છે-તે તે ઘણું બધું કહી જાય છે-જરા વિચાર કરવો પડે)
બ્રહ્માજીએ તેમને કહ્યું-તમે મૈથુન ધર્મ(કામ) થી પ્રજા ઉત્પન્ન કરો.

ધરતી(પૃથ્વી) –તે વખતે પાણીની અંદર ડૂબેલી હતી. (દૈત્યો પૃથ્વીને રસાતાળ લોકમાં લઇ ગયા હતા).
મનુ મહારાજ બોલ્યા-હું પ્રજા ઉત્પન્ન કરું,પણ તે પ્રજાને રાખું ક્યાં ?
એટલે બ્રહ્માજીએ પરમાત્માનું ધ્યાન કર્યું.
બ્રહ્માજીને તે વખતે –છીંક- આવી. અને નાસિકામાંથી –વરાહ ભગવાન (પહેલો અવતાર) પ્રગટ થાય છે.
વરાહ ભગવાન પાતાળમાં ગયા છે અને ધરતી (પૃથ્વી) ને બહાર લઇ આવ્યા છે.
રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો-તેને વરાહ ભગવાને માર્યો છે.અને પૃથ્વીનું રાજ્ય-મનુ મહારાજ ને અર્પણ કર્યું. અને કહ્યું-કે-તમે- ધર્મ-થી ધરતીનું પાલન કરો.
વરાહ નારાયણ –વૈકુંઠ લોકમાં પધાર્યા છે.

વિદુરજી કહે છે-આપે બહુ સંક્ષેપમાં કથા સંભળાવી. આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. આ કથાનું રહસ્ય કહો.આ હિરણ્યાક્ષ કોણ હતો ?ધરતી રસાતાળમાં કેમ ડૂબી હતી ? વરાહ નારાયણનું ચરિત્ર મને સંભળાવો.મૈત્રેયજી-વિદુરજીને અને શુકદેવજી –પરીક્ષિત ને –આ દિવ્ય કથા સંભળાવે છે.
એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા છે. 
તે પછી ચાર અધ્યાયમાં વરાહ નારાયણના ચરિત્રનું વર્ણન કર્યું છે.


      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE