Sep 13, 2012

ભાગવત રહસ્ય-૧૧૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૪(ચોથો)-૫
દક્ષપ્રજાપતિ નિંદા માં બોલ્યા છે-શિવ સ્મશાન માં રહેનાર છે. પરંતુ તે તો સ્તુતિરૂપ છે.
આખું જગત (સંસાર) એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે. ઘર એ પણ સ્મશાન છે.
મનુષ્ય ને બાળવાનું  સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડા નું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.
સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજો માં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે. જગત ના
અણુ-પરમાણુ માં શિવતત્વ ભર્યું છે.
ભગવાન શંકર વાણી ના પિતા છે.તે વાણી શિવજી ની નિંદા કરે નહિ.
દક્ષે નિંદા માં કહ્યું-એમની આંખો વાનર જેવી છે. એનો સવળો અર્થ કાઢ્યો છે-
વાનર જેવા ચંચળ જીવ પર જેની કૃપાદૃષ્ટિ છે-એવા મર્કટલોચન. (જીવ વાનર જેવો ચંચળ છે.)

આ જીવ નો એવો સ્વભાવ છે,કે જેનું ખાય તેની જ નિંદા કરે.

શિવજી ને થોડું આપો તો પણ ઘણું માને છે. બીલીપત્ર અને લોટો ભરી ગંગાજળ લઈને –હર હર મહાદેવ-બોલતાં અભિષેક કરો-
તો પણ શિવજી પ્રસન્ન થાય છે. રાજભોગ તો કદી કરતા જ નથી.

ભગવાન શંકર આશુતોષ છે, વિશ્વનાથ છે. તેમના ભક્તગણ માં આખું વિશ્વ આવે છે.
રામજી અને શ્રીકૃષ્ણ ના દરબાર માં સર્વે ને પ્રવેશ નથી. પણ-
શિવજીના દરબારમાં સર્વ ને પ્રવેશ મળે છે. ઋષિઓ,દેવો,દાનવો,રાક્ષસો,ભૂત-પિશાચ –સર્વ શિવ પાસે  આવે છે.
શિવજી બધાને અપનાવે છે. જગત જેનો ત્યાગ કરે તેને શિવ અપનાવે છે. શિવ-સ્વરૂપ મંગળમય છે.
જગત શુભ અને અશુભ બંને નું મિશ્રણ છે. આ બંને ના સ્વામી શિવજી છે. જીવમાત્ર પર તેમની કૃપા દૃષ્ટિ છે.

મથુરા માં ભૂતનાથ મહાદેવ છે. ત્યાં -દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે-અને રાતે ભૂતો પૂજા સેવા કરે છે.

શિવજી નો દરબાર બધા માટે ખુલ્લો ના હોત તો –બિચારા ભૂત-પિશાચ –જાત ક્યાં ?
રામજી ના દરબાર ના દરવાજે હનુમાનજી ગદા લઈને ઉભા છે. “રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બીનું પેસારે”
રામજી ના દરબાર માં પ્રવેશવા માગતા ને હનુમાનજી પૂછે છે-કે-રામજી ની મર્યાદા નું પાલન કર્યું છે ?એ પ્રમાણે
વર્તન ના કર્યું હોય તો હનુમાનજી ગદા મારી ને પાછા કાઢે છે.
રાતે બાર વાગે રામજી કે દ્વારકાનાથ ના દર્શન કરવા જાઓ  તો તે દર્શન આપશે ?
પણ શિવજી ના દર્શન ગમે ત્યારે થઇ શકે. બધા દેવો ના દરવાજા બંધ થાય છે,પણ શંકર ભગવાન નો દરવાજો બંધ થતો નથી.

જ્યાં માયા નું આવરણ છે-ત્યાં દરવાજો બંધ રાખવો પડે છે. શિવજી શુદ્ધ બ્રહ્મ નું સ્વરૂપ છે. શિવજી કોઈ દિવસ શયન કરતા નથી.
શિવજી કહે છે-કે- તને વખત મળે ત્યારે આવ. હું ધ્યાન કરતો બેઠો છું. શંકર ભગવાન ઉદાર છે. જેણે અપેક્ષા બહુ ઓછી હોય છે-
તે ઉદાર થઇ શકે છે. શિવજી ને કોઈ વસ્તુ ની જરૂર નથી, એટલે તે બધું આપી દે છે.
કનૈયો કહે છે- મારે તો બધાની જરૂર છે. શ્રીકૃષ્ણ વિચાર કરીને આપે છે. માગનાર માં અક્કલ ઓછી હોય છે, એટલે
તેનું કલ્યાણ છે –કે નહિ-તે વિચારીને આપે છે.

કુબેર ભંડારી (જગત ને દ્રવ્ય આપનારનો ભંડાર જેની પાસે છે તે) રોજ શિવજી નું પૂજન કરવા આવે.
એક વખત કુબેર ભંડારી શિવજી ને પૂછે છે-કે –હું તમારી શી સેવા કરું ?
શિવજી કહે છે-બીજાની સેવા લે તે વૈષ્ણવ નહિ. સેવા આપે તે વૈષ્ણવ. મારા જેમ નારાયણ નારાયણ કર.

પણ પાર્વતીજી ને ઈચ્છા થઇ. વિચારતાં હતાં કે –આ ઝાડ નીચે રહીએ છીએ-તેના કરતાં એક બંગલો હોય તો સારું.
માતાજીએ કુબેર ભંડારી ને કહ્યું-મારા માટે એક સોના નો બંગલો બાંધજે. જેથી કુબેરે સોના નો મહેલ બનાવી આપ્યો છે.

માતાજીએ શિવજી ને કહ્યું-કે આ બંગલો બહુ સુંદર થયો છે-ચાલો આપણે તેમાં રહેવા જઈએ.
વાસ્તુ પૂજા કર્યા સિવાય તો રહેવા જવાય નહિ-તેથી રાવણ ને વાસ્તુ પૂજા કરવા બોલાવ્યો છે.(રાવણ બ્રાહ્મણ હતો)
રાવણ થયો ગોર અને શિવજી થયા યજમાન.વાસ્તુ-પૂજા કરાવી એટલે દક્ષિણા તો આપવી પડે,
શિવજી એ કહ્યું-જે માગવું હોય તે માગ. રાવણ કહે છે-હવે તમારો સોના નો મહેલ મને આપી દો.
પાર્વતી જી કહે છે-કે- હું જાણતી હતી કે-આ કાંઇ રહેવા દેશે નહિ.

માગવું એ મરવા જેવું છે-અને માંગનાર ને ના પાડવી –એ પણ મરવા જેવું છે.
શિવજી એ સોના ની લંકા દાન માં આપી દીધી છે. શિવજી જેવો કોઈ ઉદાર નથી અને રાવણ જેવો કોઈ મૂર્ખ નથી.
રાવણ ને સોના ની લંકા મળી એટલે બુદ્ધિ બગડી છે. રાવણ ફરીથી કહે છે-મહારાજ બંગલો તો સુંદર આપ્યો-હવે આ પાર્વતી ને
આપી દો. શિવજી કહે છે-તને જરૂર હોય તો તું લઇ જા.

રાવણ માતાજી ને ખભે બેસાડી ને લઇ જાય છે.પાર્વતી જી શ્રીકૃષ્ણ નું સ્મરણ કરે છે. મારો કનૈયો ભોળો છે, પણ કપટી જોડે કપટી છે.
શ્રીકૃષ્ણ ગોવાળ થઇ રસ્તામાં આવ્યા છે.રાવણ ને પૂછે છે-આ કોને લઇ જાય છે? રાવણ કહે છે-શંકર ભગવાને મને સોનાની લંકા
આપી અને સાથે આ પાર્વતી પણ આપી છે.
શ્રી કૃષ્ણ કહે છે-તું કેવો ભોળો છે? પાર્વતી આપતા હશે ?અસલ પાર્વતી તો તે પાતાળ માં સંતાડી રાખે છે. આ પાર્વતી નથી.
અસલ પાર્વતી ની અંગ માંથી કમળ ની સુગંધ નીકળે છે. આના શરીર માંથી એવી સુગંધ ક્યાં નીકળે છે ?
રાવણ શંકા માં પડ્યો. માતાજી આ સાંભળતાં હતાં-તેમણે શરીર માંથી સુર્ગંધ કાઢી. રાવણ પાર્વતી ને ત્યાં મૂકી ને ચાલ્યો ગયો.

પ્રભુ એ ત્યાં માતાજી ની સ્થાપના કરી.-તે દ્વૈપાયિની દેવી.
ભાગવત ના દશમ સ્કંધ માં આવે છે-કે-બળદેવજી આ  દ્વૈપાયિની દેવી ની પૂજા કરવા ગયા છે.

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE