Jul 11, 2020

ભાગવત રહસ્ય -૩૨૯

ત્રીજી ગોપી કહે છે-કે-મા તમને હું શું કહું ? આજે દૂધ-દહીં ગોળીમાં ભરીને વેચવા જતી હતી.ત્યારે રસ્તામાં મને થયું કે મારી ગોળીમાં કનૈયો છે.મે ગોળી નીચે ઉતારીને જોયું તો ગોળીમાં મને લાલો દેખાણો.કનૈયો મને કહે -કે તારી ગોળીમાં રહેવું મને બહુ ગમે છે,ગોપી,તું મને વેચીશ નહિ.મને વિચાર થયો કે મારે કનૈયાને વેચવો નથી,એને હું મારે ઘેર લઇ જઈશ.હું તો તન્મયતામાં ઘેર આવી અને મારી ફજેતી થઇ.મા,જ્યાં જોઈ એ ત્યાં મને કનૈયો દેખાય છે.

આ બુદ્ધિ-રૂપી ગોળીમાં જો કનૈયો હશે તો તેને સર્વ જગ્યાએ કનૈયો દેખાશે.
બુદ્ધિમાં પરમાત્મા આવે તો તેને પરમાત્માનો અનુભવ થાય છે.ગોપીઓ બુદ્ધિમાં ઠાકોરજીને રાખે છે.
ગોપી ભલે ઘરમાં છે,પણ તેના મનમાં ઘર નથી,ગોપીના મનમાં શ્રીકૃષ્ણ છે.
ગોપીઓ ના છુટકે ઘરનું કામ કરે છે,પણ શ્રીકૃષ્ણને સદા યાદ કરે છે.અને શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે.
વ્યવહાર એટલો જ રાખવો જોઈએ કે જે કર્યા વગર છૂટકો ના હોય.વ્યવહાર અને ભક્તિને વિરોધ છે.
ગોપીઓના પ્રેમ સંન્યાસની આ કથા છે.ગોપીઓનાં કપડાં ભગવાં નથી પણ મન કૃષ્ણપ્રેમમાં રંગાયેલું છે. 

ગોપીઓ ઘરમાં રહે છે પણ તેમનું જીવન સન્યાસી જેવું છે.ગોપીઓનું મન કનૈયાની લીલાઓ જોઈ તન્મય,સ્થિર બની જતું.શ્રીકૃષ્ણ સાથે તન્મયતાને કારણે,વ્યવહારનાં કામ બરોબર કરી શકતી નહોતી.
શુકદેવજી સન્યાસી,પરમહંસ છે,અને ગોપીઓની કથા કરે છે. ગોપીઓ પણ પરમહંસ છે.
બધા કાર્યથી પરવારી,મળેલા સમયમાં ભક્તિ કરવી,તે મર્યાદા ભક્તિ.
મર્યાદા ભક્તિમાં વ્યવહાર અને ભક્તિ જુદાં હોય છે,પણ પુષ્ટિ ભક્તિમાં તેવું નથી.
તેમાં વ્યવહાર અને ભક્તિ બંને એક જ છે.દરેક કાર્ય માં ઈશ્વરનું અનુસંધાન તે પુષ્ટિ ભક્તિ.ગોપીઓનો દરેક કાર્યમાં ઈશ્વરનું અનુસંધાન રાખે છે,

આ સિદ્ધાંત આચાર્ય મહાપ્રભુજીએ આગળ ચલાવ્યો છે.મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં ગોપીઓને પ્રેમ સન્યાસીઓ કહી છે.ગોપીઓ પાસે હતો –કેવળ નિસ્વાર્થ પ્રેમ.વસ્ત્રસંન્યાસ કરતા પ્રેમસંન્યાસ ઉત્તમ છે.પ્રભુપ્રેમના રંગથી મન રંગાય એ સાચો સંન્યાસ.અંદરથીથી ભક્તિનો રંગ લાગવો જોઈએ.કૃષ્ણ-પ્રેમમાં હૃદય પીગળે અને અંદર સંન્યાસ આવે તો-સંન્યાસ દીપે. સર્વ કર્મનો ન્યાસ-ત્યાગ એટલે સંન્યાસ.ઈશ્વરને માટે જીવે તે સન્યાસી.ગોપીઓ માત્ર ઈશ્વર માટે જ જીવતી હતી.એટલે ગોપીઓ ને ઉપમા આપી છે-પ્રેમ સંન્યાસીનીઓની.જ્ઞાન અને યોગ પર ભક્તિનો આ વિજય બતાવ્યો છે.
આગળ આવશે કે ભક્તિ ભગવાનને બાંધે છે.એટલે કે ભગવાનને વશ કરે છે.

આ મન માખણ જેવું મૃદુ છે.મનની ચોરી એ જ માખણ ચોરી છે.
કનૈયો બધાનાં મન ચોરે છે,પણ પકડાતો નથી. ચોરી કરીને પકડાય તે સામાન્ય ચોર.
પણ આ તો અનોખો ચોર છે,અનોખો જાદુગર છે. તે ગોપીઓ ના મનનો તે નિરોધ કરે છે.(ચોરે છે)
જેથી કોઈ પણ ઇન્દ્રિયોના વિષયોમાં તેનું મન ના જાય.
બીજી રીતે જોઈએ તો,જો એક એક ગોપી તે ઇન્દ્રિય છે,=તો સર્વ ઇન્દ્રિયો (ગોપીઓ) ઈશ્વનું 
ચિંતન કરે ,તે ઉદ્દેશથી,આ બધી લીલાઓ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE