Feb 22, 2020

ભાગવત રહસ્ય-૧૯૭

બલિરાજા શુક્રાચાર્યને કહે છે-હું પ્રહલાદના વંશનો છું,હું વૈષ્ણવ છું.અમે વૈષ્ણવોગળામાં કંઠી ધારણ કરીએ છીએ.વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.શરીર ભોગ માટે નથી ભગવાનના માટે છે,તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે.અને ભગવાનનો થઈશ.એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું પડશે.કદાચ હું નરકમાં જાઉં તો ઠાકોરજીએ ત્યાં આવવું પડશે.આજે હું સર્વસ્વનું દાન કરીશ.છો ને પછી –ભલે- મારે નરકમાં જવું પડે.

બ્રાહ્મણને જયારે દાન કરવામાં આવે છે –ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે.
ત્યારે આ તો સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે.ગુરુજી ,હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ.
જીવ દગો આપે છે-પણ અણીના સમયે પ્રભુ દોડતા આવે છે.
હું ભગવાનનો થઈશ-ભગવાન મારા થશે.હું જ્યાં જાઉં ત્યાં ભગવાન મારી સાથે આવશે.

તુકારામે કહ્યું છે- કે-ગર્ભવાસ થાય કે નર્કવાસ થાય,પરંતુ જો મારો વિઠ્ઠલ મારી સાથે હોય તો હું ત્યાં જવા પણ તૈયાર છું.તુકારામ ગર્ભવાસ-નર્કવાસ માગે છે- પણ તેમને ખાતરી છે કે-
હું જ્યાં જઈશ ત્યાં મારો વિઠ્ઠલનાથ મારી સાથે આવશે.

જો ખ્યાલ હોય તો -દરેક સત્કર્મના અંતે-(સત્યનારાયણ પૂજા-ગણપતિપુજન-વગેરે) –
ગોર મહારાજ બોલાવે છે- “અનેન કર્મણા ભગવાન પરમેશ્વરહ્ પ્રીયતામ ન મમઃ”
(અત્યારે આ જે સત્કર્મ કર્યું-તેનું જે પુણ્ય મળ્યું-તે મારું નથી- તે હું પરમેશ્વરને અર્પણ કરું છું)

બલિરાજા કહે છે-ગુરુજી તમે તો સર્વ સત્કર્મના અંતે-બધું ફળ કૃષ્ણાર્પણ કરાવો છો.
તો આજે તો ખુદ કૃષ્ણ-ખુદ નારાયણ આવ્યા છે-તો તેમને હું ના પાડું ?
આપ મને સંકલ્પ કરાવો. હું સઘળું ભગવાનને અર્પણ કરીશ.(હાથમાં પાણી રાખીને સંકલ્પ કરાય છે)
શુક્રાચાર્ય કહે છે-હું તને સંકલ્પ નહિ કરાવું.

વામનજી કહે છે-તમારા ગોરદાદા સંકલ્પ ન કરાવે તો હું સંકલ્પ કરાવું ,હું બ્રાહ્મણનો પુત્ર છું,
મને સંકલ્પ કરાવતા આવડે છે.
ત્યાર બાદ બલિરાજાના કહેવાથી વામનજી સંકલ્પ કરાવવા લાગ્યા. ”ઝારીમાંથી જળ હાથમાં લો”
શુક્રાચાર્યથી આ સહન થયું નહિ. યજમાનના -હિત -નો વિચાર કરે તેને –પુરોહિત- કહે છે.
સંકલ્પનું જળ ઝારીમાંથી બહાર ન આવે –તે માટે સૂક્ષ્મ રૂપે શુક્રાચાર્ય ઝારીના નાળચામાં
ભરાઈ ને બેસી ગયા,હવે ઝારીમાંથી સંકલ્પ માટે જળ બહાર આવતું નથી.

વામનજી સમજી ગયા કે શુક્રાચાર્ય ઝારીના નાળચામાં ભરાઈને બેસી ગયા છે.
તેમને દર્ભની સળી લઇ ઝારીના નાળચામાં નાંખી-તેથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ.
ન્યાયાધીશ સજા કરે છે-ત્યારે નિષ્ઠુર થઇ સજા કરે છે.પણ પરમાત્મા સજા કરે છે-ત્યારે દયા રાખે છે.
બે આંખ ફોડી નહિ.પણ માત્ર એક આંખ ફોડે છે.
રામાયણમાં પણ કથા છે-કે પ્રભુ રામચંદ્રજીએ જયંતની એક આંખ ફોડી છે.

ભગવાન કહે છે-કે-જગતને એક આંખથી જુઓ.
આ મારો અને આ પારકો એવી દૃષ્ટિથી ન જુઓ. આ સર્વ ભગવાનના અંશો-સ્વરૂપો છે-એમ માનો.
એક આંખથી જુએ –તે સમતા અને બે આંખથી જુએ તે વિષમતા.

ભગવાન પોતે માગવા આવ્યા છે-પણ શુક્રાચાર્યના મનમાંથી –આ મારો યજમાન અને આ માંગનાર –
એવો દ્વૈત ભાવ રાખ્યો. યોગીઓ એક આંખે –એટલે અદ્વૈત રૂપે આ જગતને જુએ છે.
ગીતાજી માં પણ લખ્યું છે-કે-“સમત્વં યોગ ઉચ્યતે” સર્વમાં સમતા રાખવી તેને જ યોગ કહેવાય છે.
શુક્રાચાર્યે વિચાર્યું-અને સમજી ગયા કે –વધારે વિઘ્ન કરીશ તો બીજી આંખ પણ જશે.
એટલે ત્યાંથી ખસી ગયા છે.
      PREVIOUS PAGE          
       NEXT PAGE               
    INDEX PAGE