Feb 21, 2020

ભાગવત રહસ્ય-૧૯૬

વામનજી કહે છે-સંધ્યા-ગાયત્રી કરવા માટે જમીન માગું છું,તારી જગ્યામાં બેસી સત્કર્મ કરીશ તો તને પુણ્ય મળશે. હું બ્રહ્મચારી છું.મારે માત્ર ત્રણ પગલાંથી મપાય તેટલી પૃથ્વી જ જોઈએ –તેનું તું દાન કર.બલિરાજા દાનનો સંકલ્પ કરવા તૈયાર થયા છે.
યજ્ઞમંડપમાં શુક્રાચાર્ય બેઠેલા હતા.તે બ્રહ્મનિષ્ઠ છે. એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી,આ તો ખુદ નારાયણ આવ્યા છે.

તેમણે બલિરાજા ને કહ્યું-ઉતાવળ કરશો નહિ,દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ, કશ્યપઋષિને ત્યાં જન્મ લઈને તારા ઘેર દાન લેવા આવ્યા છે. રાજા એ દેખાય છે તેવા નથી.તારું બધું રાજ્ય આના બે પગમાં આવી જશે,ત્રીજું પગલું મુકવા જગા રહેશે નહિ,એટલે તને નરકમાં ફેંકી દેશે.માટે આપતા પહેલાં વિચાર કર.તારું સર્વસ્વ હરી લેશે.રાજા,દાન આપે તો વિવેકથી આપજે.આ બાળક નાં પગલાં કેવાં છે તે તું જાણતો નથી.હું જાણું છું.સાધુ,સન્યાસી,બ્રાહ્મણને આપવું તે ગૃહસ્થનો ધર્મ છે.પણ વિવેકથી વિચાર કરીને દાન આપવું,એવું દાન ના આપો કે જે દાન આપ્યા પછી તમે દરિદ્ર થાઓ કે ઘરનાં માણસો દુઃખી થાય.

બલિરાજા પૂછે છે-ત્યારે દાન ન આપું ?
શુક્રાચાર્ય કહે છે-આપજે પણ તારા પગથી માપી પૃથ્વી આપજે. આ તો વિરાટ સ્વરૂપ ધારણ કરશે.
ત્રીજો પગ મુકવાની જગ્યા નહિ રહે.દેવોનું કામ કરવા આ મહાવિષ્ણુ આવ્યા છે.
બલિરાજા કહે છે-સંકલ્પ પ્રમાણે દાન ના આપે તો મનુષ્ય નરકમાં જાય છે. 
મેં એકવાર વાણીથી દાન આપી દીધું છે,ફક્ત હવે પાણી છોડવાનું બાકી છે.
વચન આપ્યા પછી હવે ના પાડું તો અસત્ય બોલવાનું મને પાપ લાગે.

શુક્રાચાર્ય કહે છે-કે-આવા વિપત્તિના સમયે-અસત્ય બોલો તો તે ક્ષમ્ય છે.
સત્ય બોલવું એ ધર્મ છે,એમ કહ્યું છે. પણ અસત્ય બોલવું એ ધર્મ છે એમ નથી કહ્યું.
વિપત્તિ ના સમયે-અસત્ય ક્ષમ્ય છે-જોકે તે સ્તુત્ય (સારું ) નથી.

ચાર પ્રસંગો એ-અસત્ય કહો તે ક્ષમ્ય છે.(સ્તુત્ય નથી)
(૧) કોઈના વિવાહ પ્રસંગે-ભલે કોલસા જેવી કાળી હોય-છતાં પણ કહે –કે ખાસ કાળી નથી-ભીને વાન છે.
(૨) સ્ત્રીઓને વાત કહેવાના પ્રસંગે-સ્ત્રીઓને શ્રાપ છે-કે કોઈ વાત ખાનગી રાખી શકે નહિ.
(૩) પ્રાણ સંકટે-સત્ય બોલવાથી કોઈ જીવની હિંસા થતી હોય ત્યારે.
(૪) ગાય-બ્રાહ્મણના રક્ષણ માટે.

રાજા,આ તો તારા માટે પ્રાણ-સંકટ આવ્યું છે-તું ફરી જા, બ્રાહ્મણને ચોખ્ખી ના પાડી દે.
આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહિ.
બલિરાજા કહે છે-કે-ગુરુજી આપે સુંદર ઉપદેશ આપ્યો,પણ હું તો વૈષ્ણવ છું,હું તો એમ માનતો હતો કે આકોઈ બ્રાહ્મણનો છોકરો આવેલો છે.પરંતુ હવે જાણ્યું કે –પરમાત્મા સાક્ષાત મારી પાસે માગવા આવેલા છે-
તો મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ, હું મારા વચનનો ભંગ કરીશ નહિ.
મારા ઇષ્ટદેવ વિષ્ણુ છે. મારે ત્યાં બાળક બનીને પરમાત્મા ખુદ- આંગણે આવ્યા હોય ત્યારે –
હું તેમને ના પાડું –તો તેના જેવું અજ્ઞાન કયું?

દાન લેનારનો હાથ નીચે અને દાન આપનારનો હાથ ઉંચો (ઉપર) હોય છે.
દાન આપનારો મોટો ગણાય છે. જગતમાં મારી પ્રતિષ્ઠા વધશે કે-બલિરાજાએ સર્વસ્વનું દાન કર્યું હતું.
શુક્રાચાર્ય હજુએ સમજાવે છે-ત્રીજો પગ મુકવા જગ્યા રહેશે નહિ-એટલે તારે નરકમાં જવું પડશે.
બલિરાજા કહે છે-નરકની મને બીક નથી.પાપ કર્યા પછી નરકમાં જાય તે ખોટું છે-પણ 
પરમાત્માને સર્વસ્વ અર્પણ કર્યા પછી-નરકમાં જવું પડે તો શું વાંધો છે ?
      PREVIOUS PAGE        
       NEXT PAGE               
    INDEX PAGE