Feb 20, 2020

ભાગવત રહસ્ય-૧૯૫

જેને ત્યાં દાન માગવા જાય તેના વડવાઓના વખાણ કરે તો દાન આપનાર જરા રંગમાં આવે છે.વામનજી બલિરાજાના વખાણ કરે છે.
રાજન,તને ધન્ય છે.પ્રહલાદજીના વંશમાં તમારો જન્મ થયો છે,તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા.પરમાત્માને તેમને માટે સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણને તેમણે આયુષ્યનું દાન કર્યું હતું.

ઇન્દ્ર, વિરોચન પાસે બ્રાહ્મણ બનીને આવ્યો હતો.ને કહ્યું-મારું થોડું જ આયુષ્ય બાકી છે.
બ્રાહ્મણી વિધવા થશે. મને આયુષ્યનું દાન કરો. વિરોચન રાજાએ આયુષ્યનું દાન કર્યું.
તમારાં પરદાદા (હિરણ્યકશિપુ) મહાન વીર હતા. તેમણે ઇન્દ્રાદિક દેવોનો પરાભવ કર્યો હતો.
રાજન,તારામાં તારા પરદાદા જેવી વીરતા છે, દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે,અને પિતા જેવી ઉદારતા છે.
બલિરાજા કહે છે-કે મહારાજ માગો- આપ માંગશો તે હું આપીશ.

રાજાને પહેલાં વચનથી બાંધી લીધા-પછી વામનજી બોલ્યા છે-રાજન,હું લોભી બ્રાહ્મણ નથી.હું સંતોષી છું.મારા પગથી માપીને ત્રણ પગલાં ભૂમિ લેવા આવ્યો છું.તેટલી ભૂમિ મને આપ.મારે બીજું કશું જોઈતું નથી.
બલિરાજા વિચારે છે-કે બાળક છે તેથી માગતા આવડતું નથી. એટલે કહે છે-મહારાજ તમને માગતાં આવડતું નથી.મોટા થયા પછી લગ્ન થશે. કુટુંબના ભરણપોષણની જવાબદારી માથે આવશે.-ત્યારે સંધ્યા ,ગાયત્રી છોડી પ્રવૃત્તિ કરવી પડશે-જે તમને ગમશે નહિ.

તમે આજે એવું માગી લો –કે તમારા કુટુંબનું ભરણ પોષણ થાય. કહો-તો ત્રણ પગલા નહિ પણ ત્રણ ગામ દાનમાં આપું.મારે મારો આત્મપરિચય આપવો ન જોઈએ,કેમ કે તેથી પુણ્યનો ક્ષય થાય છે.પણ આજે છુટકો નથી-તેથી પરિચય આપવો પડે છે.જગતમાં મારી એવી પ્રસિદ્ધિ છે-કે જે બ્રાહ્મણનું પૂજન કરી હું દાન આપું છું-તે બ્રાહ્મણને પછી-બીજા કોઈને ત્યાં દાન લેવા જવું પડતું નથી. મારી પાસે દાન લીધા પછી-તમે બીજા કોઈ પાસે દાન લેવા જાઓ તેમાં મારું અપમાન થાય. 
(બલિરાજા ને થોડી ઠસક હતી કે –તેમના જેવો કોઈ દાન આપનાર નથી)
તમારાં મુખના દર્શન કરી હું સમજી ગયો છું કે તમે સંતોષી બ્રાહ્મણ છો.પણ 
આ ત્રણ પગલા પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે. દાન લેનારને સંતોષ થાય એ ઠીક છે-
પણ દાન આપનારને પણ સંતોષ થવો જોઈએ. માટે કંઈક વધુ માગો.

વામનજી કહે છે-રાજન,તને ધન્ય છે.તમે આવું બોલો તેમાં આશ્ચર્ય નથી.રાજા તમે ઉદાર છો-પણ દાન લેતાંમારે પણ વિવેક રાખવો જોઈએ ને ? રાજા લાભથી લોભ વધે છે. સંતોષથી તૃપ્તિ છે.
આ સંસારના સર્વ ભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ-વૈરાગ્ય વગર શાંતિ મળતી નથી.
લોભ એ જ પાપનું મૂળ છે.બ્રાહ્મણ માટે લોભ ક્ષમ્ય નથી.અતિ સંગ્રહ કરવાની વૃત્તિથી બ્રાહ્મણ દાન લે તો,
તેના માથે યજમાનનું પાપ આવે છે. મને વધારે જરૂર નથી.અતિસંગ્રહથી વિગ્રહ થાય છે.
વધારે માગું તો મારા બ્રહ્મતેજનો નાશ થશે.

ભાગવત માં લખ્યું છે કે-તમારી આવકનો પાંચમો ભાગ દાન કરો.પછી પરિસ્થિતિ બદલાતાં 
મનુ મહારાજે થોડી છૂટ આપી ને કહ્યું-કે આવકનો દસમો ભાગ દાનમાં આપજો.
(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું)
ગૃહસ્થ નો દાન આપવાનો ધર્મ છે-સાધુ-સન્યાસીઓ ધનનો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે-વિવેકથી દાન આપે.
ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધનની શુદ્ધિ થાય છે.

ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે-કે-ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઇ છે.તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.
વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની 
સંસારીઓ માટે છૂટ છે. કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે-માતપિતાની સેવા કરતાં નથી.
થોડું કે ધન હશે તો –ધનના લોભે સેવા કરશે.
      PREVIOUS PAGE     
       NEXT PAGE               
    INDEX PAGE