Feb 19, 2020

ભાગવત રહસ્ય-૧૯૪

બિલકુલ પરિચય ન હોય –અને માથું નમે તો માનજો કે એ કોઈ ઈશ્વરનો અંશ છે.
વામનજીનો કોઈને ય પરિચય નથી પણ રસ્તામાં સહુ વામન મહારાજને નમસ્કાર કરે છે.વામનજીનું પ્રાગટ્ય થયું છે-સિદ્ધાશ્રમમાં(જનકપુરી જતાં આ સિદ્ધાશ્રમ આવે છે.)
સિદ્ધાશ્રમથી વામન મહારાજ નર્મદાકિનારે ભૃગુકચ્છ નામના તીર્થમાં આવ્યા છે.
મોટો મંડપ બાંધેલો છે-વામનજી મંડપ નજીક આવ્યા છે.ભાર્ગવ બ્રાહ્મણો વેદ મંત્રો બોલી યજ્ઞમાં આહુતિ આપે છે.ત્યારે જ ચારે બાજુ પ્રકાશ પડે છે.

મોટા મોટા ઋષિઓ વિચારે છે-આવો બ્રહ્મ તેજસ્વી જોયો નથી. બ્રહ્મતેજને કોઈ છુપાવી શકે નહિ.
આ સૂર્ય નારાયણ તો ઉપરથી નીચે નથી ઉતર્યા ને ? કે પછી સનતકુમારો તો નહિ હોય ને ?
ના,ના, લંગોટી પહેરી છે-તેથી કોઈ આ બ્રહ્મચારી આવ્યો લાગે છે. કોઈ બ્રાહ્મણ કુમાર લાગે છે.

એક વખત -શંકરસ્વામીને પૂછવામાં આવ્યું-કે સહુથી ભાગ્યશાળી કોણ ? 
શંકરસ્વામીએ જવાબ આપ્યો-જે લંગોટી પહેરે છે-જે જીતેન્દ્રિય છે-જે સદાસર્વદા પ્રભુ સાથે વાતો કરે છે-
પ્રભુ સાથે જે રમે છે-તે-સહુથી મોટો ભાગ્યશાળી છે.

ઋષિઓ વિચાર કરતા હતા-તે સમયે યજ્ઞ મંડપમાં વામનજી એ પ્રવેશ કર્યો છે.
શુક્રાચાર્ય,વયોવૃદ્ધ, યજ્ઞના મુખ્ય આચાર્ય છે-છતાં ઉઠીને ઉભા થયા છે.આ કોઈ મહાન તપસ્વી ,બ્રહ્મ-તેજસ્વી બ્રાહ્મણ લાગે છે. મોટા મોટા ઋષિઓ પણ વામનજીને માન આપે છે.
બ્રહ્મચારીનું સ્વાગત કર્યું છે.પધારો,પધારો.બધા બ્રાહ્મણો ઉભા થયા છે.

બલિરાજાની નજર ત્યાં પડે છે- વિચારે છે-આ કોણ આવ્યું છે?મેં ઘણા બ્રાહ્મણોની સેવા કરી છે-પણ આવો આજ સુધી કોઈ દિવસ જોયો નથી.બલિરાજા દોડતા ગયા છે-વામનજીનું સ્વાગત કરે છે.
વામનજીનું બટુક સ્વરૂપ જોઈ તે આનંદિત થયા છે. વામનજીને ઘરની અંદર લઇ જઈ સુંદર સિંહાસન 
પર બેસાડ્યા છે. રાણીને કહ્યું-કે મારે આમની પૂજા કરવી છે.

બલિરાજાની રાણી નું નામ વિન્ધ્યાવલી.અને તેમની પુત્રીનું નામ રત્નમાલા.વામનજીને જોઈ રત્નમાલા વિચારે છે-કે કેવો સુંદર છે !આ છોકરાને જે મા ધવડાવતી હશે તેને કેટલું સુખ થતું હશે ?
બટુક વામનજીનું સ્વરૂપ જોઈ તેને પહેલાં વાત્સલ્ય ભાવ થયો.
પણ જયારે વામનજીએ પોતાનું અસલી રૂપ બતાવી પરાક્રમ કર્યું ત્યારે –તેમને મારવાનો ઈરાદો થયો.
રત્નમાલાને બંને ભાવ થયા – વાસના ને લીધે- તે બીજા જન્મમાં થઇ પૂતના.

સોનાની ઝારીમાં પવિત્ર નર્મદાજીનું જળ છે. વિન્ધ્યાવલી ચરણ પર જળ રેડે છે-અને બલિરાજા –
ધીરે ધીરે પગ પખાળે છે.વામનજી મહારાજના રત્ન જેવા નખ છે.બલિરાજાને નખમાં પોતાનું પ્રતિબિંબ 
દેખાય છે. બ્રાહ્મણો પુરુષ-સુક્તનો પાઠ કરે છે.

બલિરાજા પ્રાર્થના કરે છે- આજે હું કૃતાર્થ થયો-મારા પિતૃઓ ને સદગતિ મળી.જે માત-પિતાએ બહુ પુણ્ય કર્યા હોય ત્યારે આવો દીકરો થાય છે. તમારાં માત-પિતાને હું ધન્યવાદ આપું છું.
મહારાજ તમને કાંઇક માગવાની ઈચ્છા હોય એમ લાગે છે-માટે સંકોચ છોડી જે જોઈએ તે માગો.
રાજ્ય,ગાયો,કન્યા-જે જોઈએ તે માગો. આપ જે માંગશો તે હું આપીશ.
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE