More Labels

Dec 18, 2012

ભાગવત રહસ્ય-૧૯૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE           
       NEXT PAGE               
    INDEX PAGE                     
સ્કંધ-૮-(આઠમો)-૧૪
જેને ત્યાં માગવા જાય તેના વડવાઓ ના વખાણ કરે તો દાન આપનાર જરા રંગ માં આવે છે.
વામનજી બલિરાજા ના વખાણ કરે છે.

રાજન,તને ધન્ય છે.પ્રહલાદજી ના વંશ માં તમારો જન્મ થયો છે,
તમારા દાદા પ્રહલાદ મહાન ભગવદ ભક્ત હતા. 
પરમાત્મા ને તેમને માટે સ્તંભ માંથી પ્રગટ થવું પડ્યું હતું.
તમારા પિતા વિરોચન અતિ ઉદાર હતા.એક બ્રાહ્મણ ને તેમણે આયુષ્ય નું દાન કર્યું હતું.
ઇન્દ્ર, વિરોચન પાસે બ્રાહ્મણ બની ને આવ્યો હતો. ને  કહ્યું-મારું થોડું જ આયુષ્ય બાકી છે.
બ્રાહ્મણી વિધવા થશે. મને આયુષ્ય નું દાન કરો. વિરોચન રાજાએ આયુષ્ય નું દાન કર્યું.
તમારાં પરદાદા (હિરણ્યકશિપુ) મહાન વીર હતા. તેમણે ઇન્દ્રાદિક દેવો નો પરાભવ કર્યો હતો.

રાજન,તારામાં તારા પરદાદા જેવી વીરતા છે, દાદા પ્રહલાદ જેવી ભક્તિ છે,અને પિતા જેવી ઉદારતા છે.
બલિરાજા કહે છે-કે મહારાજ માગો- આપ માંગશો તે હું આપીશ.

રાજાને પહેલાં વચન થી બાંધી લીધા-પછી વામનજી બોલ્યા છે-
રાજન, હું લોભી બ્રાહ્મણ નથી.હું સંતોષી છું.મારા પગથી માપી ને ત્રણ પગલાં ભૂમિ લેવા આવ્યો છું.
તેટલી ભૂમિ મને આપ. મારે બીજું કશું જોઈતું નથી.

બલિરાજા વિચારે છે-કે બાળક છે તેથી માગતા આવડતું નથી. એટલે કહે છે-
મહારાજ તમને માગતાં આવડતું નથી.મોટા થયા પછી લગ્ન થશે. કુટુંબ ના ભરણપોષણ ની જવાબદારી
માથે આવશે.-ત્યારે સંધ્યા ,ગાયત્રી છોડી પ્રવૃત્તિ કરવી પડશે-જે તમને ગમશે નહિ.
તમે આજે એવું માગી લો –કે તમારા કુટુંબ નું ભરણ પોષણ થાય. કહો-તો ત્રણ પગલા નહિ 
પણ ત્રણ ગામ દાનમાં આપું.મારે મારો આત્મપરિચય આપવો ન જોઈએ,કેમ કે તેથી પુણ્ય નો ક્ષય થાય છે.
પણ આજે છુટકો નથી-તેથી પરિચય આપવો પડે છે.
જગત માં મારી એવી પ્રસિદ્ધિ છે-કે જે બ્રાહ્મણ નું પૂજન કરી હું દાન આપું છું-તે બ્રાહ્મણ ને પછી-
બીજા કોઈને ત્યાં દાન લેવા જવું પડતું નથી. મારી  પાસે દાન લીધા પછી-તમે બીજા કોઈ પાસે દાન લેવા જાઓ 
તેમાં મારું અપમાન થાય. (બલિરાજા ને થોડી ઠસક હતી કે –તેમના જેવો કોઈ દાન આપનાર નથી)

તમારાં મુખ ના દર્શન કરી હું સમજી ગયો છું કે તમે સંતોષી બ્રાહ્મણ છો.
પણ આ ત્રણ પગલા પૃથ્વીનું દાન આપતા મને બહુ સંકોચ થાય છે. દાન લેનાર ને સંતોષ થાય એ ઠીક છે-
પણ દાન આપનારને પણ સંતોષ થવો જોઈએ. માટે કંઈક વધુ માગો.

વામનજી કહે છે-રાજન,તને ધન્ય છે.તમે આવું બોલો તેમાં આશ્ચર્ય નથી. રાજા તમે ઉદાર છો-પણ દાન લેતાં
મારે પણ વિવેક રાખવો જોઈએ ને ? રાજા લાભ થી લોભ વધે છે. સંતોષ થી તૃપ્તિ છે.
આ સંસારના સર્વ ભોગ પદાર્થો આપવામાં આવે તો પણ સંતોષ-વૈરાગ્ય વગર શાંતિ મળતી નથી.
લોભ એ જ પાપનું મૂળ છે. બ્રાહ્મણ માટે લોભ ક્ષમ્ય નથી. અતિ સંગ્રહ કરવાની વૃત્તિ થી બ્રાહ્મણ દાન લે તો,
તેના માથે યજમાન નું પાપ આવે છે. મને વધારે જરૂર નથી. અતિસંગ્રહ થી વિગ્રહ થાય છે.
વધારે માગું તો મારા બ્રહ્મતેજ નો નાશ થશે.

ભાગવત માં લખ્યું છે કે-તમારી આવક નો પાંચમો ભાગ દાન કરો.પછી પરિસ્થિતિ બદલાતાં મનુ મહારાજે
થોડી છૂટ આપી ને કહ્યું-કે આવક નો દસમો ભાગ દાન માં આપજો.
(અત્યારના જમાનામાં તો ૧% આપે તો પણ ઘણું)
ગૃહસ્થ નો દાન આપવાનો ધર્મ છે-સાધુ-સન્યાસીઓ ધન નો સંગ્રહ ન કરે અને દાન આપવાનો આગ્રહ ના રાખે.
ગૃહસ્થ દાન આપે પણ અતિદાન ન આપે-વિવેકથી દાન આપે.
ઘરમાં આવેલું સઘળું ધન શુદ્ધ નથી હોતું.દાનથી ધન ની શુદ્ધિ થાય છે.

ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે-કે-
ગયા જન્મ માં મેં દાન આપ્યું  નહિ તેથી મારી આ દશા થઇ છે.
તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.

વૃદ્ધાવસ્થામાં છોકરાઓ પાસે માગવાનો પ્રસંગ ન આવે તે માટે એકથી પાંચ ભાગનો સંગ્રહ કરવાની
સંસારીઓ માટે છૂટ છે. કલિયુગનાં છોકરાં પૈસાની સેવા કરે છે-માતપિતાની સેવા કરતાં નથી.
થોડું કે ધન હશે તો –ધન ના લોભે સેવા કરશે.ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      
      PREVIOUS PAGE     
       NEXT PAGE               
    INDEX PAGE