Dec 1, 2012

રામાયણ-૪૩

      PREVIOUS PAGE
     NEXT PAGE


શબરી નું ચરિત્ર માનવમાત્ર માટે આશ્વાસન રૂપ છે.
આખું જીવન ભગવાન ને શોધનાર ને-ભગવાન ની રાહ જોનાર ને- ભગવાન જરૂર મળે જ છે.

તે પછી રામજી એ –શબરી ને પૂછ્યું-કે-તારી કોઈ ઈચ્છા છે ?તારે માગવું હોય તે માગ.
શબરીએ રામજી ને વિનંતી કરી કે-આ પંપા સરોવર નું જળ બગડી ગયું છે,તેને આપ સુધારો, આપ તેમાં
સ્નાન કરો તો તે જળ શુદ્ધ થાય.

બન્યું એવું હતું કે એક વખત શબરી બુહારી કરતાં હતા,તે વખતે પંપા સરોવરમાં નાહી ને પાછા આવતા એક ઋષિ ને શબરી નું ઝાડું અડી ગયું.એટલે ઋષિ ખૂબ ગુસ્સે થયા અને શબરીને લાત મારી ને પાછા
પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા. શબરીના અપમાન થી એક આશ્ચર્ય થયું.જ્યાં તે ઋષિ –સરોવરમાં
સ્નાન કરવા ગયા તો તે જ વખતે સરોવરનું પાણી લોહી ના રંગ નું બની ગયું.
પંપા સરોવરનું જળ બગડી ગયું. શબરી પોતાના થયેલા અપમાન થી વિલાપ કરે છે.
ઋષિઓ ને વાત સમજાતી નહોતી કે જળ કેમ બગડી ગયું? એ બધા તો એમ જ સમજતા હતા કે માતંગ ઋષિએ અછૂત કન્યા ને આશ્રમ માં રાખી તેથી જળ બગડી ગયું છે.

શબરી નો મહિમા વધારવા રામજી એ ત્યારે કહ્યું કે-
મારા સ્નાન થી કશું થવાનું  નથી,તે જળ ને સુધારવાની મારી શક્તિ નથી,પણ જો શબરીના ચરણ ધોઈ –તેનું ચરણજળ જો સરોવરમાં પધરાવવામાં આવશે તો જ તે જળ શુદ્ધ થશે.
શબરીએ પંપા સરોવરમાં જેવું સ્નાન કર્યું કે પાણી શુદ્ધ થઇ ગયું.

રામજી એ તે પછી પ્રભુમાં પ્રેમ જાગ્રત કરવાનાં નવ સાધનો બતાવ્યા છે.ઉપદેશ કર્યો છે.
--પ્રભુપ્રેમી મહાપુરુષો નો સત્સંગ કરો.
--અધિકારી મહાપુરુષો ને મુખેથી ભગવાન ની કથા સાંભળો
--પરમાત્મા ના ગુણો ના વખાણ કરો.સ્તુતિ કરો.
--કોઈની નિંદા ના કરો—
--સંત ની-સદગુરૂ ની સેવા કરો.
--યમ-નિયમોનું પાલન કરો-ઉપવાસ-વગેરે કરો
--ઘરમાં ભગવતસ્વરૂપ પધરાવી તેની સેવા કરો.
--કોઈ ગુરૂ પાસેથી મંત્ર ગ્રહણ કરી તેને પકડી રાખવો
--સર્વ માં મારા ઇષ્ટ દેવ વિરાજ્યા છે-તેવો ભાવ રાખવો.

રામે શબરી નો ઉદ્ધાર કર્યો.શબરી રામજી ના દર્શન કરતાં કરતાં યોગાગ્નિ માં સમાયા છે.

રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા છે.ઋષ્યમૂક પર્વત પાસે આવ્યા –કે જ્યાં સુગ્રીવ રહે છે.
ત્યાં પ્રથમ હનુમાનજી નું મિલન થાય છે. હનુમાનજી એ પૂછ્યું-“આપ કોણ છો ?”
ત્યારે રામજી ઓળખાણ આપે છે.હનુમાનજી એ સાષ્ટાંગ પ્રણામ કર્યા,સ્તુતિ કરી છે. પછી કહે છે-કે-
આ પર્વત પર સુગ્રીવ રહે છે-તે આપનો દાસ છે.તેની સાથે મિત્રતા કરો.

રામ-સુગ્રીવ ની મૈત્રી હનુમાનજી દ્વારા થાય છે, જીવ ની ઈશ્વર સાથે મૈત્રી ન થાય-ત્યાં સુધી જીવન સફળ થતું નથી,અને એ મૈત્રી હનુમાનજી વગર (બ્રહ્મચર્ય વગર) થતી નથી.
હનુમાનજી વકીલાત ના કરે ત્યાં સુધી રામચંદ્રજી અપનાવે નહિ.

      PREVIOUS PAGE
     NEXT PAGE