Mar 11, 2020

ભાગવત રહસ્ય-૨૧૧

દુર્વાસા, અંબરીશ રાજાને કહે છે-કે-“રાજા મારી ભૂલ થઇ છે” દુર્વાસા,વંદન કરવા જાય છે.ત્યાં અંબરીશ કહે છે-કે-ના,ના,મહારાજ આપ બ્રાહ્મણ અને હું ક્ષત્રિય,તમે મને વંદન કરો તે શોભે નહિ.અંબરીશ રાજા ,દુર્વાસાને વંદન કરે છે.ભગવાનના લાડીલા ભક્તો ગમે તે થાય પણ મર્યાદા છોડતા નથી.દુર્વાસા કહે છે-રાજન તું વાતો કરે છે,પણ સુદર્શન ચક્રને કંઈ કહેતો નથી,તે મને બાળે છે.અંબરીશ,સુદર્શન ચક્રને કહે છે,-કે-શાંત થઇ જાવ.આજ દિન સુધી મેં જે કોઈ દાન કર્યું હોય,યજ્ઞ કર્યો હોય,સર્વની સેવા કરી હોય,તે પુણ્યપ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે.

અંબરીશની કથા પાછળ થોડું રહસ્ય છે.
અંબરીશ એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે. તેથી ચરિત્રના આરંભમાં એક એક ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે.
સદવાસનાથી ભક્તિ પુષ્ટ થાય છે,અને દુર્વાસનાથી ભક્તિ નષ્ટ થાય છે.
ભક્તિ માં દુર્વાસના=દુર્વાસા –વિઘ્ન કરવા આવે છે.
“હું મોટો અને બીજા નાના અને હલકા-હું જ સુખ ભોગવીશ” એ જ દુર્વાસના છે.
“હું બીજાને સુખ આપીશ” એ સદવાસના છે.

સદવાસનાથી ભક્તિ વધે છે. દુર્વાસનાથી ભક્તિનો નાશ થાય છે.
મન લેવાની ઈચ્છા એ દુર્વાસના અને મન આપવાની ઈચ્છા તે સદવાસના.
ભક્તિ માં અહમ-ભાવ આવે –તો સમજવું-કે દુર્વાસના આવી છે.
અભિમાનમાંથી ક્રોધ જાગે છે,અને ક્રોધમાંથી,કૃત્યા=કર્કશ વાણી- ઉત્પન્ન થાય છે.
કર્કશ વાણી=કૃત્યા ભક્તિને મારવા જાય છે,ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર –ભક્તની મદદે આવે છે.
જ્ઞાન કૃત્યાને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તો કર્કશ વાણી કંઈ કરી શકતી નથી.

સર્વમાં શ્રીકૃષ્ણનું દર્શન તે સુદર્શન .
ભક્તિ શુદ્ધ હશે તો જ્ઞાન-વૈરાગ્ય દોડતા આવશે.ભક્તિ એ મા છે,જ્ઞાન અને વૈરાગ્ય એ બાળકો છે.
જ્યાં મા=શુદ્ધ ભક્તિ ,હોય ત્યાં તેના દીકરા=જ્ઞાન ને વૈરાગ્ય-દોડતા આવે છે.

બધામાં સમતા-સમભાવ રાખે તે-જ્ઞાની.બધામાં ઈશ્વર છે-એવું જ્ઞાન તે ખરું જ્ઞાન.
ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી,દૃઢ ભક્તિ થતી નથી.
એટલે-જ-ભક્તિમાં જ્ઞાન જરૂરી છે.
વિષયમાં વૈરાગ્ય વગર ભક્તિ થતી નથી,ભક્તિ આવે એટલે જ્ઞાન-વૈરાગ્ય આવે છે.
ભક્તિ સિદ્ધ થઇ ગઈ-એટલે –તેને-સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થઇ ગયું.

જરા વિચાર કરો-શુકદેવજી સન્યાસી મહાત્મા છે –પણ કથા કહે છે-રાજા –રાણીની.
સાધુ-સન્યાસીઓ ગૃહસ્થના ઘરની વાતો પણ સાંભળતા નથી,તો શુકદેવજીને રાજાની કથા કરવાથી 
શો લાભ ?શુકદેવજીને રાજાની કથા કરવાની શું જરૂર હતી ?
પણ અંબરીશ જેવા રાજા શુકદેવજીને ગમે છે.

“ધન્ય છે-અંબરીશને.તે રાજમહેલમાં રહીને સન્યાસી જેવું જીવન ગાળે છે. હું તો વનમાં જઈને 
સન્યાસી જેવું જીવન ગાળું છું. હું તો લંગોટી છોડીને સન્યાસી થયો છું,પણ આ અંબરીશ તો 
રાણીઓ સાથે રાજમહેલમાં રહીને સન્યાસી જેવો રહ્યો છે. હું તો સર્વ છોડીને પ્રભુ પાછળ પડ્યો છું,
જયારે અંબરીશ ઘરમાં રહી દ્વારકાધીશ પાછળ પડ્યો છે. વસ્ત્ર-સંન્યાસ કરતા પણ પ્રેમ-સંન્યાસ શ્રેષ્ઠ છે.
અંબરીશ અંદરથી રંગાયેલો છે.એટલે મારા કરતા પણ અંબરીશ શ્રેષ્ઠ છે.તેથી હું તેની કથા કરું છું”

જ્ઞાનથી ભગવાન પરતંત્ર થતા નથી, બંધાતા નથી, પણ,ભક્તિથી ભગવાન પરતંત્ર થાય છે,બંધાય છે.
જ્ઞાની મહાત્માઓ “બ્રહ્મનો અનુભવ “ કરી શકે છે-પણ ભગવાનને પરતંત્ર બનાવી શકતા નથી.
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE