Apr 1, 2020

ભાગવત રહસ્ય -૨૩૨

સીતાજીએ વરમાળા પહેરાવવા હાથ ઉંચા કર્યા છે-પણ રામજી માથું નીચું કરતા નથી.
વિશ્વામિત્ર દોડતા ત્યાં આવ્યા છે-રામજી કહે છે-કે લગ્ન થાય એવી મારી ઈચ્છા છે-પણ માતપિતાની આજ્ઞા વગર મારાથી લગ્ન ન થાય.
વિશ્વામિત્ર:-મને કૌશલ્યા માએ કહ્યું છે-કે –મારા રામજીના લગ્ન થાય.
રામજી--પણ આ કન્યા સાથે લગ્ન થાય તેવી ક્યાં આજ્ઞા છે ?

વિશ્વામિત્ર:-- કૌશલ્યા માએ સીતાજી ના ખુબ વખાણ સાંભળ્યા છે,તેઓની ઈચ્છા છે કે સીતા તેમની પુત્રવધૂ થાય. હું સત્ય કહું છું,તમારાં માતપિતાની ઈચ્છા છે કે સીતા જોડે તમારાં લગ્ન થાય.
રામજી : પણ મારો લક્ષ્મણ કુંવારો છે,તેનો વિવાહ પહેલાં કરો.
રામ નાનાભાઈને ભૂલતા નથી. જગત રામજીના જે વખાણ કરે તે ઓછાં છે.
જાહેર કરવામાં આવ્યું-કે-જનકરાજાને ત્યાં બીજી જે કન્યા છે-તેના લગ્ન લક્ષ્મણ સાથે થશે.
રામજીને આનંદ થયો છે,રામજીએ વરમાળા ધારણ કરી.

જનકરાજાના સેવકો ,કુમકુમ-પત્રિકા લઇને અયોધ્યા આવ્યા છે.
દશરથજીએ પત્રિકા હાથમાં લીધી, અને વાંચવા લાગ્યા.
“વૈદિક વિધિથી લગ્ન માટે આપ અયોધ્યાની પ્રજા સાથે જનકપુર આવો”
દશરથજીને અતિ આનંદ થયો છે,હૃદય ભરાયું છે,
કુમકુમ-પત્રિકા લઈને આવેલા - જનકરાજાના સેવકોને નવલખો હાર આપવા લાગ્યા છે.

સેવકો કહે છે-હાર,અમારાથી લેવાય નહિ,અમે કન્યા પક્ષના છીએ.
દશરથજી કહે છે-કે-કન્યા તો જનક-મહારાજની છે, તમે તો ઘરના નોકર છો,તમારે ભેટ લેવામાં શું વાંધો છે?
સેવકો કહે છે-હા, અમે નોકરો છીએ,પણ સીતાજી અમને નોકર માનતી નથી,અમને તે પિતાજી જેવા જ ગણે છે. સીતાજીના અમે જેટલા વખાણ કરીએ તેટલાં ઓછાં છે.

બીજા દિવસે સવારે જ વશિષ્ઠ વગેરે સાથે દશરથજીએ જનકપુરી જવા માટે પ્રયાણ કર્યું છે.
જાન જનકપુરી આવી છે, જનકપુરીમાં જાનનું સ્વાગત થયું છે, જનક અને દશરથ મળ્યા.
વિશ્વામિત્ર સાથે રામ-લક્ષ્મણ આવ્યા, રામ-લક્ષ્મણ પિતાને પ્રણામ કરે છે.
નારદજીએ લગ્નનુ મુહૂર્ત આપ્યું છે-માર્ગશીર્ષ માસ –સુદ-૫ અને ગોરજ સમય.

આ સાધારણ લગ્ન નથી-કે આજે આવ્યા અને કાલે ચાલ્યા જાઓ.
ધનતેરસે જાન આવી છે- લગ્ન થયું છે-માર્ગશીર્ષ માસમાં.
અને જાન પાછી ગઈ છે-ફાગણ મહિના ની રંગપંચમીએ. આ તો રઘુનાથજી નુ લગ્ન છે.

રઘુનાથજી લગ્ન કરવા જાય છે-ત્યારે કામદેવ ઘોડો બનીને આવ્યો છે.
કામ ની છાતી પર ચડીને રામ લગ્ન કરવા જાય છે.
(સાધારણ માનવ લગ્ન કરવા જાય છે-ત્યારે કામ તેની છાતી પર ચડી બેસે છે)

પરમાનંદ થયો છે. ભગવાન રામને સુવર્ણસિંહાસને પધરાવ્યા છે.
બ્રાહ્મણો મંગલાષ્ટક બોલે છે. ચારે ભાઈઓ સાથે લગ્ન કરવા બેઠા છે.
એક એક કુમાર ને એક એક કન્યાનુ દાન કરવામાં આવ્યું છે.
રાજા જનક કહે છે-કે હું કન્યાનું દાન કરું છું.
રામજી કહે છે-“પ્રતિ ગૃહણામી” હું તેનો સ્વીકાર કરું છું. રામજી દાન સ્વીકારે છે,રામજી અતિ સરળ છે.
વિધિપૂર્વક રામ-સીતાનું લગ્ન થયું છે.
રંગમહોત્સવ થયા પછી-ત્યાંથી (જનક્પુરીથી) પરત અયોધ્યા આવવા પ્રયાણ કર્યું છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE