Apr 24, 2020

ભાગવત રહસ્ય -૨૫૫

શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી, અને રાણી હોવાને નાતે તે –સંતોની ધનથી સેવા કરી શકતી,પણ તનથી સેવા કરી શકતી નહોતી.
સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે,પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે.
વિચારે છે- કે –“મને મહારાણી બનાવી તે ખોટું થયું છે,મારું જીવન બગડે છે,હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી “મહારાણી એક વખત પ્રયાગરાજ ગયાં,ત્યાં અનેક મહાત્માઓનાં દર્શન કર્યાં,અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે –બીજા જન્મમાં મને સાચા સંતોનો સત્સંગ થાય-સેવા થાય.બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો.

શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે. નાનાં હતાં ત્યારથી પ્રભુમાં પ્રેમ છે.
શબરીના લગ્ન નું નક્કી થયું,પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે,શબરીએ વિચાર્યું-કે-
“મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી”
મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતંગઋષિના આશ્રમ પાસે આવ્યાં.

“હું ભીલ-કન્યા છું,એટલે કદાચ ઋષિઓ મારી સેવા નો સ્વીકાર,કરે કે ના કરે, તેથી મારે ગુપ્ત રહીને 
સેવા કરવી છે” એમ વિચારી ને શબરી,દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સુઈ જાય એટલે,
છુપી રીતે મહાત્માઓની સેવા કરે.આશ્રમની બુહારી (સાફસુફી) કરે અને તાજાં ફળફૂલ –સેવાપૂજા માટે મૂકી આવે, ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તાની બુહારીની સેવા અંધારામાં ઉઠીને કરતાં.
કોઈ ને ખબર પડતી નથી,પરંતુ એક દિવસે તે પકડાઈ ગઈ.

માતંગ ઋષિએ પૂછ્યું કે-તુ કઈ જાતની છે ? શબરીએ કહ્યું-કે-હું કિરાતની કન્યા છું,ભીલડી છું.
વારંવાર વંદન કરે છે-કહે છે- કે- “હું અપરાધી છું.મને માફ કરો”
માતંગ ઋષિએ વિચાર્યું-કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી.આ કોઈ મહાન જીવ હીનયોનિમાં આવ્યો છે.
માતંગ ઋષિએ પૂછ્યું-કે બેટા તુ ક્યાં રહે છે ? શબરી એ કહ્યું કે -હું ઝાડ ઉપર રહું છે.
માતંગ ઋષિ એ કહ્યું-કે-હવેથી તુ મારા આશ્રમમાં રહેજે.

માતંગ ઋષિએ તેને આશ્રમમાં રહેવા ઝૂંપડી આપી છે. શબરી શુદ્ધ હતી,છતાં બીજા ઋષિઓ માતંગ ઋષિ ની નિંદા કરે છે-કે “ભીલ કન્યા આશ્રમમાં રાખી છે”
માતંગ ઋષિએ વિચાર્યું કે –આ ભીલડી બધી મર્યાદા પાળે છે,તેનો તિરસ્કાર યોગ્ય નથી.
તેમણે શબરી ને રામ મંત્રની દીક્ષા આપી છે.

ॐકારનો ભાવાર્થ રામનામમાં ભર્યો છે.
ॐકારના જેવી જ મંત્ર શક્તિ રામ નામમાં રહેલી છે. રામ શબ્દમાં ર,આ અને મ એમ ત્રણ અક્ષરો છે,
ર- થી પાપ નો નાશ થાય છે,-આ -થી બુદ્ધિ શુદ્ધ થાય છે,અને -મ -ચંદ્ર જેવી શીતળતા આપે છે.

સમય જતાં માતંગ ઋષિ બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા,તે વખતે શબરી રડી પડી છે.કહે છે-કે-
“પિતાજી તમે ના જાવ,તમે જશો તો મારું શું થશે ?”
માતંગ ઋષિએ આશ્વાસન આપ્યું છે-કે- મેં તને રામ-મંત્રની દીક્ષા આપી છે,બેટા તુ ભાગ્યશાળી છે,
કે શ્રી રામ તને એક દિવસ મળવા આવશે,મારા તને હૃદયથી આશીર્વાદ છે.
તારા ઘરે રામચંદ્રજી જરૂર આવશે,ક્યારે આવશે તે મને ખબર નથી,પણ આવશે જરૂર.
હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે.

શબરી,રામની આશા માં જીવે છે,”એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે.”
કોઈ મનુષ્યની આશા રાખવી તે મહાદુઃખ છે, ભગવાનની આશા રાખવી તે મહા સુખ છે.
મીરાંબાઈના મહેલ માંથી રોજ વાતચીતનો અવાજ આવે.એક દિવસ દાસી વીણાએ મીરાબાઈને પૂછ્યું-કેઆપ રોજ કોની સાથે વાતચીત કરો છો? ત્યારે મીરાંબાઈ એ કહ્યું કે –હું મારા ગોપાલ જોડે વાત કરું છું.
દાસી કહે કે -ગોપાલ તમારી સાથે બોલે છે ? મીરાબાઈ કહે છે-કે-એતો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે.
કોઈ મનુષ્યની આશા રાખવી નહિ અને પરમાત્માની આશા છોડવી નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE