Apr 2, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૦

જ્ઞેય એટલે પરમાત્મ-વસ્તુ (જે જાણવા યોગ્ય છે તે).તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-તે જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાયથી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ (મોક્ષ ઇચ્છનાર મનુષ્ય)ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્ય (કર્મ)કરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન(બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતા(એકતા)માં લઇ જાય છે.અને તે પરમાનંદમાં નિમગ્ન (એક) થાય છે.

આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને કોઈ આદિ (પ્રારંભ) નથી.
તે “બ્રહ્મ” ને-“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વ(જગત)રૂપે દ્રષ્ટિગોચર થયા કરે છે.
(વિશ્વરૂપે આંખથી દેખાય છે)
“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ (જગત)એ તો “માયા” છે.

તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી,
તે આંખથી કોઈને દેખાતું નથી,તો પછી વિશ્વ-કે જે આંખથી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.

આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી”  (અસત્) –એમ શબ્દોથી-કહી શકાતું નથી.
અને એ કારણથી જ તેના વિષે -વેદોની વાણી મૂક (મૂંગી) થઇ છે.

હવે પછીના શ્લોકમાં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ હાથ તથા પગ છે,
સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે સર્વત્ર વ્યાપક છે”.(૧૪)

પરમાત્માના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)
બતાવ્યો છે.પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા) નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.
આ રીતે બ્રહ્મનો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મનું આવું અવયવ વાળું –બતાવવું  શા માટે હશે?
આવો કોઈને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-

જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય બતાવવા માટે વર્તુળ આકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છે
એટલે કે આંકડાનો કોઈ આકાર લખીને બતાવવો પડે છે-
તે પ્રમાણે-અદ્વૈત (એટલે કે એક) કે જે નિરાકાર છે-તેનું સ્પષ્ટીકરણ કરવા માટે
દ્વૈત (એટલે કે બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.

સદગુરુઓ,શિષ્યને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્માના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈતના વિષે સમજાવે છે.

જો સર્વ મનુષ્યો-અદ્વૈતને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્યના સંપ્રદાયો બંધ પડી જાય.
દ્વૈત અને અદ્વૈતના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા માટે જ,
શ્રુતિએ પણ દ્વૈત (પરમાત્માના સાકાર) વિષયનું સ્પષ્ટીકરણ કરી ને જ –
અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા)નું પ્રતિપાદન કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE