Apr 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૧

આંખો દ્વારા દેખાતા આકારોમાં–જ્ઞેય (બ્રહ્મ) કેવી રીતે વ્યાપક છે ? તો કહે છે-કે-
જેવી રીતે પોલાણમાં આકાશ ભરેલું છે,અથવા તો-દોરાઓ,વસ્ત્રમાં વસ્ત્ર-રૂપે થઇને રહે છે-તેવી રીતે –બ્રહ્મ –આ વિશ્વમાં રહેલ છે.તેજ (પ્રકાશ) –જે પ્રમાણે –દીવામાં દીવા રૂપે રહે છે, સુગંધ –જે પ્રમાણે ફુલમાં ફુલ રૂપે રહે છે,તે પ્રમાણે જ્ઞેય બ્રહ્મ –આ સર્વ જગતનું આદિ કારણ હોઈ –સર્વમાં મૂર્તિમાન (આંખોથી) દેખાય છે.

બીજી રીતે કહીએ તો –આંખથી ફુલ રૂપે પરમાત્માની અદભૂત કારીગીરી દેખાય છે,
ફૂલમાં જુદા જુદા રંગ ભરીને મનોહર બનાવનાર કોઈક તો છે જ.
વળી,એમ પણ કહી શકાય કે- ફુલમાં જે સુગંધ છુપાયેલી છે-
અને જે સુગંધ આંખોથી જોઈ શકાતી નથી,તે સુગંધ રૂપે પરમાત્મા તેમાં છુપાયેલા છે.

હવે આ જ ઉદાહરણ ને સહેજ આગળ લઇ જઈએ તો-
ફૂલનો નાશ થતાં –પરમાત્માનો નાશ થાય છે-એમ કહી શકાય નહિ.

જેવી રીતે,ઘડાના આકારને કારણે ઘડામાંનું આકાશ (ઘટાકાશ) ગોળ દેખાય છે.
તે ઘડાની ઉપાધિ (માયા) ને લીધે છે,પણ જો ઘડો ફૂટી જાય તો તે ઘડામાંના આકાશનો નાશ થતો નથી.
આ જ પ્રમાણે બ્રહ્મ (પરમાત્મા) માયાની ઉપાધિ ને લીધે,વિશ્વમય થાય છે,એવું દેખાય છે,પણ
માયામાં તેનું અસ્તિત્વ હોતું નથી.

તે બ્રહ્મ,ઇન્દ્રિયો (મન વગેરે)ના જેવું,અને ગુણો (સત્વ,રજ,તમસ)ના જેવું બન્યું હોય તેવો ભાસ થાય છે.
પરંતુ જેમ ગોળની મીઠાશ ગોળના આકારમાં નથી, તેમ-
ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો (સત્વ,રજ,તમસ) –એ બ્રહ્મનો આકાર નથી.

જે પ્રમાણે દૂધની અવસ્થામાં ઘી,દૂધના આકારે હોય છે,પરંતુ ઘી –એ દૂધ નથી.
એ પ્રમાણે, બ્રહ્મ વિશ્વમાં ભરેલો છે.

સોનાના જુદા જુદા આકારને ભલે હાર,વીંટી વગેરે નામ આપીએ –બાકી તે છે તો સોનું જ....
તે જ રીતે બહુ સ્પષ્ટ રીતે સમજવાનું છે-કે-
બ્રહ્મ એ ઇન્દ્રિયો (મન વગેરે) અને ગુણો  (સત્વ,રજ,તમસ) થી જુદો છે.

નામ,રૂપ,જાતિ,ક્રિયા,ભેદ-આ બધી સંજ્ઞાઓ “આકાર” ને છે-બ્રહ્મ (નિરાકાર) ને નહિ.
તે બ્રહ્મ કદી ગુણ કે ઇન્દ્રિય થતો નથી કે તેમની સાથે તેને કોઈ સંબંધ નથી.
પણ ગુણો જ તેનામાં ભાસે છે,
આ કારણથી જ અજ્ઞાનીઓ એમ સમજે છે-કે-એ ગુણો બ્રહ્મમાં જ રહેલા છે,

પરંતુ જેમ ભિખારી,સ્વપ્ન ની અંદર રાજા બની રાજ્યનો ઉપભોગ લે છે,તે મિથ્યા છે –
તે જ રીતે –નિર્ગુણ બ્રહ્મનો-ગુણનો ઉપભોગ-તે ભ્રાંતિ-માત્ર છે.(મિથ્યા છે-ખોટું છે).

માટે જ બ્રહ્મ ગુણો (સત્વ,રજ,તમસ) નો સંગ કરે છે-કે-ગુણો નો ઉપભોગ કરે છે-
એમ કહેવું ઉચિત (યોગ્ય) નથી.(૧૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE