May 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૯

ગુણો (સત્વ-રજસ-તમસ)ના આધારે (કારણથી) બુદ્ધિ અને ધૃતિ (ધૈર્ય)ના પણ ત્રણ પ્રકારો છે.(બુદ્ધિ જયારે કર્મ કરવાનો નિશ્ચય કરે ત્યારે તે બુદ્ધિ-એ ધૃતિ (ધૈર્ય)ના નામથી ઓળખાય છે)
(૧) સાત્વિક બુદ્ધિ-પ્રવૃત્તિ (કર્મ માર્ગ) અને નિવૃત્તિ (સંન્યાસ માર્ગ) કોને કહેવાય? શું કરવું? અને શું ના કરવું?ભય શાથી છે? કે નિર્ભયતા શાથી છે? બંધન કેમ થાય છે? 
કે મોક્ષ કેમ થાય છે?આનો જવાબ જે બુદ્ધિ જાણે છે-તે સાત્વિક બુદ્ધિ કહેવાય છે.(૩૦)

(૨) રાજસિક બુદ્ધિ-જે બુદ્ધિના યોગે જીવ- ધર્મ અને અધર્મ –કર્તવ્ય અને અકર્તવ્ય વિષે 
યથાર્થ (સાચી રીતે) જાણતો નથી તેને રાજસ બુદ્ધિ કહે છે (૩૧)
(૩) તામસિક બુદ્ધિ-જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે અને અર્થનો અનર્થ કરે છે-તેને તામસ બુદ્ધિ કહે છે (૩૨)

(૧) સાત્વિક ધૃતિ-જે એકનિષ્ઠ ધૃતિથી,યોગ દ્વારા,મન,પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને 
–મનુષ્ય ધારણ કરે છે-તે –(૩૩)
(૨) રાજસિક ધૃતિ-જે ધૃતિ વડે-ફળની આકાંક્ષા રાખનાર મનુષ્ય,ધર્મ,અર્થ અને કામ ને 
આસક્તિપૂર્વક ધારણ કરે છે-તે-(૩૪)
(૩) તામસિક ધૃતિ- જે ધૃતિ વડે દુર્બુદ્ધિ વાળો મનુષ્ય –નિંદ્રા,ભય,શોક,ખેદ,અભિમાન છોડતો નથી તે-(૩૫)

ઉપર પ્રમાણે-ત્રણે પ્રકારની બુદ્ધિ-જે જે કર્મનો નિશ્ચય કરે છે (ધૃતિ)-તે તે કર્મને ઇન્દ્રિયો વડે ઉત્પન્ન 
કરવામાં આવે છે, આમ તે કર્મની પૂર્ણતા થવા માટે  ધૃતિની અનુકુળતા આવશ્યક છે.

અને આ રીતે જે કર્મો ઉત્પન્ન થયા તે કર્મોને જે ફળ આવે છે તેને “સુખ” કહે છે.
આ “સુખ” પણ ગુણો(સત્વ,રજસ,તમસ) વડે ત્રણ પ્રકારનામાં વિભક્ત થયેલું છે.(૩૬)

(૧) સાત્વિક સુખ-જે આરંભમાં ઝેર જેવું પણ પરિણામે- અમૃત જેવું છે,
અને જે આત્મવિષયક બુદ્ધિના કારણે પોતાના પવિત્ર મનમાંથી જન્મેલું  છે-તે-(૩૭)
(૨) રાજસિક સુખ- જે વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જન્મેલું અને આરંભમાં અમૃત જેવું 
પણ પરિણામે ઝેર જેવું છે-તે. (૩૮)
(૩) તામસિક સુખ-જે આરંભથી અંત સુધી મનુષ્યને મોહ માં ડુબાડે છે,
અને જે સુખ-આળસ,નિંદ્રા અને પ્રમાદમાંથી જન્મેલું છે-તે-(૩૯)

પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણો (સત્વ,રજસ,તમસ)થી અલિપ્ત એવી કોઈ પણ વસ્તુ –
ત્રણે લોક (સ્વર્ગ,મૃત્યુ,પાતાળ)માં નથી.
આ ત્રણ ગુણોની શક્તિ એટલી બધી છે કે-તેણે એક લોકના ત્રણ લોક બનાવી દીધા છે,
અને એક દેવના ત્રણ દેવ (બ્રહ્મા,વિષ્ણુ,મહેશ) બનાવી દીધા છે. (૪૦)

તેમજ ચાર વર્ણો અને તેમનાં કર્મો પણ જુદા જુદા –આ પ્રકૃતિની લીધે  જ થયા છે.
બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્રનાં કર્મો,પ્રકૃતિજન્ય ગુણો વડે ભિન્ન ભિન્ન છે.
પોતપોતાનાં કર્મોમાં (સ્વ-કર્મ) જે તત્પર હોય છે-તેને જ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય છે. (૪૦-૪૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE