May 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૧૨

શ્રીકૃષ્ણ કહે છે-કે-તારા સર્વ કર્મો,મન પૂર્વક મને અર્પણ કરી,મારામાં તત્પર (પરાયણ) થઇ,
મારામાં બુદ્ધિને પરોવી,સતત મારામાં ચિત્ત વાળો થા. (૫૭)
આવી રીતે મારામાં ચિત્ત ને સ્થિર કરીને,મારી કૃપાથી તુ બધી મુશ્કેલીઓમાંથી તરી જઈશ. પરંતુ જો-“અહંકાર” (અભિમાન) ને લીધે તુ મારું કહ્યું સાંભળીશ નહિ તો નાશ પામીશ. (૫૮)

જો મનમાં અહંકાર રાખી ને –જો તુ એમ માને કે-“હું નહિ લડું” –તો તારો આ નિશ્ચય મિથ્યા (ખોટો) છે.કારણ કે-તારો ક્ષત્રિય સ્વ-ભાવ,તને બળાત્કારે પણ યુદ્ધ માં પ્રવૃત કરશે.(૫૯)

તારો જન્મ  ક્ષત્રિય પ્રકૃતિમાં થયેલો છે,પ્રકૃતિએ જે ગુણો શૌર્ય,તેજ –વગેરે આપેલા છે,તે ગુણો ને અનુરૂપ કર્મ કરવાનું ત્યજીને –યુદ્ધ ન કરી ને –ખાલી સ્વસ્થ થઇ બેસી રહેવાનું તારાથી બનવાનું નથી.એટલે પછીથી પણ અનિચ્છાએ પણ યુદ્ધ તો તુ કરીશ જ, એટલું “હું યુદ્ધ નહિ કરું” એમ તારું બોલવાનું વ્યર્થ છે. (૬૦)

હે અર્જુન,ઈશ્વર (પરમાત્મા) પ્રાણીમાત્રના હૃદયમાં વસેલો છે,અને પોતાની માયાથી,
બધાં પ્રાણીઓને યંત્રની જેમ ફેરવ્યા કરે છે. (૬૧)

માટે સર્વ ભાવથી,તેને જ શરણે જા.જેની કૃપા થી તું પરમ શાંતિ અને શાશ્વત પદ પ્રાપ્ત કરી શકીશ.(૬૨)

આ રીતે મેં તને ગુહ્યથી પણ ગુહ્ય જ્ઞાન કહ્યું,તેના પર નિઃશેષપણે વિચાર કરીને –
તને જે યોગ્ય લાગે (ઈચ્છે) તે કર.(૬૩)

સર્વ રહસ્યોમાં ગુહ્યત્તમ રહસ્ય-એવું મારું વચન તુ ફરીથી સાંભળ. કારણકે તુ મને અતિશય પ્રિય છે-
તેથી હું તને તારા હિત ની વાત (ફરીથી) કહું છું.(૬૪)

મારામાં પરાયણ થા,મારો ભક્ત થા,મારે અર્થે યજ્ઞ (કર્મ) કર,અને મને નમસ્કાર કર,
એમ કરવાથી તુ મને જ પ્રાપ્ત થઈશ,એમ હું પ્રતિજ્ઞા કરી ને સત્ય કહું છું.કારણ તુ મને પ્રિય છે (૬૫)

સર્વ ધર્મો છોડી ને –એક મારે જ શરણે આવ,હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ,તું શોક ન કર (૬૬)

આ જ્ઞાન (ગીતા જ્ઞાન) તારે- તેને કદી પણ કહેવું નહિ –કે-
જે ભક્ત કે તપસ્વી નથી,જે સેવા કરતો નથી, જે મારી નિંદા કરે છે,અને
જે આ જ્ઞાન સાંભળવા ઈચ્છતો નથી-(૬૭)

મારા ભક્તોને ,મારા તરફથી (વતીથી) –જે કોઈ આ ગુહ્ય જ્ઞાન કહેશે-તે નિઃસંદેહ મને જ પામશે (૬૮)
મનુષ્યોમાં તેના કરતાં મારી વધુ સારી સેવા કરનાર બીજો કોઈ નથી, અને-
આ પૃથ્વી પર તેના કરતાં બીજો કોઈ –મને વધુ પ્રિય થવાનો નથી.(૬૯)

જે –તારા અને મારા આ ધર્મયુક્ત સંવાદનું પઠન કરશે-તેણે –
મને જ્ઞાનયજ્ઞથી પૂજ્યો છે-એમ હું સમજીશ.(૭૦)
વળી જે મનુષ્ય દ્વેષ વગરનો થઇ –શ્રદ્ધા વાળો થઇને –આ ગીતા સાંભળશે-
તે પણ મુક્ત થઇને પુણ્યવાનોના લોક ને પામશે.(૭૧)

હે પાર્થ,શું તેં આ બધું એકાગ્ર ચિત્તથી સાંભળ્યું?
અજ્ઞાનને લીધે તારામાં જે મોહ ઉત્પન્ન થયો હતો તે નષ્ટ પામ્યો ? (૭૨)
ત્યારે અર્જુન કહે છે-કે-
તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો,અને મારા સત્ય સ્વ-રૂપનું મને જ્ઞાન થયું છે જેથી મારો
મોહ નાશ પામ્યો છે.હું સ્થિર થયો છું,મારા સંશયો નાશ પામ્યા છે,હું તમારું કહ્યું કરીશ (૭૩)

જ્યાં જયાં –યોગેશ્વર શ્રીકૃષ્ણ છે,જ્યાં જ્યાં ધનુર્ધારી અર્જુન છે-
ત્યાં ત્યાં –સમૃદ્ધિ,વિજય,સુખ અને અવિચળ નીતિ છે.(૭૪)


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
           END          
          INDEX PAGE