May 12, 2020

ભાગવત રહસ્ય -૨૭૨

રામાયણનું એક એક પાત્ર –આદર્શ છે.રામ-જેવો પુત્ર થયો નથી,દશરથ જેવો પિતા થયો નથી,કૌશલ્યા જેવી માતા થઇ નથી.રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,કે-ભરત જેવો ભાઈ થયો નથી.વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ,પતિપ્રેમ,
પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-તે રામાયણમાં બતાવ્યું છે.

રામાયણ એ શ્રીરામજીનું નામસ્વરૂપ છે.રામાયણનો એક એક કાંડ-એ એક એક રામજીનું અંગ છે.
બાલકાંડ એ ચરણ છે,અયોધ્યાકાંડ એ ઉદર (પેટ) છે,અરણ્યકાંડ એ સાથળ છે,
કિષ્કિંધાકાંડ એ હૃદય છે,સુંદરકાંડ એ કંઠ છે.લંકાકાંડ એ મુખ છે,ઉત્તરકાંડ એ રામજી નું મસ્તક છે.
રામાયણ –કે જે-રામજીનું નામ સ્વરૂપ છે,તે જીવમાત્રનો ઉદ્ધાર કરે છે.

રામજી જયારે પ્રત્યક્ષ પૃથ્વી પર વિરાજતા હોય –ત્યારે અમુક જીવોનો ઉદ્ધાર કરે છે,પણ જયારે તેઓ પ્રત્યક્ષ વિરાજતા ના હોય ત્યારે,રામાયણ (નામ સ્વરૂપ) અનેક જીવોનો ઉદ્ધાર કરે છે.
તેથી રામ કરતાં પણ રામાયણ શ્રેષ્ઠ છે –એમ મહાત્માઓ કહે છે.

રામચરિત્ર માર્ગદર્શક છે. રામાયણમાંથી પ્રત્યેક મનુષ્યને બોધ મળે છે.
પોતાનું મન કેવું છે? તે જાણવું હોય તો રામાયણ વાંચવું જોઈએ.
જેનો ઘણો સમય નિંદ્રા ને આળસમાં જાય તો-તે કુંભકર્ણ છે,પરસ્ત્રીનું કામ-ભાવથી ચિંતન કરે તે-રાવણ છે,
રાવણ કામ છે,કામ રડાવે છે,દુઃખ આપનાર છે,રડાવે તે રાવણ અને પરમાનંદમાં રમાડે તે રામ.
રામાયણની સાત કાંડની કથા –આમ સંક્ષેપમાં કહી.હવે તેનું આધ્યાત્મિક રહસ્ય જોઈએ.
રામાયણના સાત કાંડ એ મનુષ્યની ઉન્નતિનાં સાત પગથિયા છે.
એકનાથ મહારાજ કહે છે-કે-એક પછી એક કાંડનાં નામ મુકવામાં રહસ્ય છે.
પહેલો કાંડ-બાલ કાંડ છે.બાળક જેવા નિર્દોષ થાઓ તો રામને ગમો.બાળક પ્રભુને પ્રિય લાગે છે-કારણ કે બાળક નિરાભિમાન હોય છે. બાળકની-મન ,વાણી અને ક્રિયા –એક હોય છે. બાળકમાં છળકપટ હોતું નથી.
વિદ્યા વધે,પૈસો વધે,પ્રતિષ્ઠા વધે-તો પણ બાળક જેવું હૃદય રાખવાનું.
બાલકાંડ એ નિર્દોષ કાંડ છે. બાલકાંડ આપણ ને નિર્દોષ થવાનો બોધ આપે છે.
બાળક જેવા નિર્દોષ અને નિર્વિકાર –જે થાય તેને રામ મળે.

દોષ મનુષ્યની આંખમાંથી આવે છે. તેથી દૃષ્ટિ પર અંકુશ રાખવાથી જીવન નિર્દોષ બને છે.
દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. સૃષ્ટિમાં સુખ-દુઃખ નથી,સુખ દુઃખ દૃષ્ટિમાં છે.
તેથી જ શંકરાચાર્ય-સંસાર ને અનિર્વચનીય (જેનું વર્ણન ના થઇ શકે તેવો) માને છે.
જીવનમાં બાળક જેવી સરળતા આવે છે,સંયમથી.
જીવ માન-અપમાન ભૂલી જાય તો સરળતા આવે છે.
જેનું મન બાળક જેવું થાય તો તન અયોધ્યા જેવું થાય છે. કે જ્યાં-યુદ્ધ નથી,કલહ નથી,વેર નથી.
તેવી કલહ વગર કાયા (તન) તે અયોધ્યા છે-એટલે બાલકાંડ –પછી આવે છે અયોધ્યા કાંડ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE