Jun 16, 2020

ભાગવત રહસ્ય -૩૦૬

જેના હૈયામાં ઝેર છે (મન મેલું છે) અને શરીર (તન) સુંદર છે-તે પૂતના.
પૂતના બહારથી સુંદર લાગે છે-પણ અંદરથી મેલી છે.
પૂતના નું રૂપ-શણગાર જોઈ સર્વ લોકો ભાન ભૂલ્યા છે, તેને કોઈ અટકાવતું નથી.
સૌન્દર્ય મોહ થયા પછી વિવેક વહી જાય છે.શંકરાચાર્ય-“શત-શ્લોકીમાં કહે છે-કે-
“લોકો ચામડીની મીમાંસા કરે છે-પણ કોઈ આત્માની મીમાંસા કરતુ નથી.” 
બહારની આંખોને ચર્મચક્ષુ કહે છે અને અંદરની આંખ ને જ્ઞાનચક્ષુ કહે છે.જ્ઞાનચક્ષુ ખુલે અને તે વડે જોવાય તો- વિવેકની જાગૃતિ થાય છે.પછી સૌન્દર્ય મોહ થતો નથી.

આ પૂતના ઝેર ચોપડીને આવી હતી.તેમ-આ જીવ નો સ્વભાવ છે-કે-
જીવ આત્માના સ્વ-રૂપ પર -(જ્ઞાન ઉપર) ઝેરનું (અજ્ઞાન નું) આવરણ કરી,વિષયાનંદ ભોગવે છે.
વાસના (અજ્ઞાન) આવે એટલે સ્વ-રૂપ વિસ્મૃતિ થાય છે,વિવેકનું ભાન જાય છે.
વાસના (અજ્ઞાન)નો વિનાશ થાય પછી જ –કૃષ્ણ મિલન થાય છે.
તેથી પહેલા જ શુકનમાં બાલકૃષ્ણલાલ વાસના (અજ્ઞાન) રૂપી પૂતનાને મારે છે.

પૂતના ઘરમાં આવે છે-ત્યારે પ્રભુએ આંખો બંધ કરી છે.
મોટે ભાગે પૂતના (વાસના-અજ્ઞાન) આંખમાંથી અંદર આવે છે,આંખ બગડે છે- એટલે મન બગડે છે.
પૂતના જેવું મેલું મન લઇ મનુષ્ય-પ્રભુ નાં દર્શન કરવા જાય ત્યારે પ્રભુ કહે છે-કે-
હું તને આંખ આપતો નથી,હું આંખ બંધ કરું છું.જેનું મન મેલું છે-તેની સામે ભગવાન જોતા નથી.પ્રભુ બહારનો (સ્થૂળ શરીર નો) શૃંગાર જોતાં નથી,પણ અંદરનો-સૂક્ષ્મ શરીર નો-મન નો શૃંગાર જુએ છે.

શાસ્ત્ર માં ૩-પ્રકારનાં શરીર કહ્યાં છે.(જેને ઉપાધિ-પણ કહે છે)અને આ ત્રણે શરીરથી પર (જુદો) આત્મા છે.
(૧) સ્થૂળ શરીર-આંખ ને દેખાય છે –તે.
(૨) સૂક્ષ્મ શરીર-૧૭-તત્વ નું બનેલું છે.૫-કર્મેન્દ્રિયો-૫-જ્ઞાનેન્દ્રિયો-૫-પ્રાણ-અને મન ,બુદ્ધિ.(મન-મુખ્ય છે)
(૩) કારણ શરીર-મનમાં જે વાસના નો સમુદાય રહે છે-તે-(કે જે શરીરનું કારણ છે)

પૂતના તનને શણગારીને આવી છે,મનને નહિ.તો પ્રભુએ તેની સામે જોયું નથી.
સુદામા ફાટેલી પોતડી પહેરી ને દ્વારકાનાથને મળવા ગયા તો પ્રભુએ કપડાં સામે જોયું નથી,
પણ ઉભા થઇ સુદામાને આલિંગન આપ્યું છે.
કેટલાક મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે કપડાં બદલીને જાય છે,પણ મનને (કાળજાને) બદલીને જતા નથી.તો પ્રભુ તેમની સામે જોતા નથી. પ્રભુને લાયક થઇ દર્શન કરવા જાય તો પ્રભુ સામું જુએ.
દશમા સ્કંધમાં મહાત્માઓ પ્રેમ થી પાગલ સરીખા બન્યા છે.
પૂતનાને જોઈ ને લાલાજીએ આંખો બંધ કેમ કરી?-તો તેના અનેક કારણો આ મહાત્માઓ આપે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE