Jul 3, 2020

ભાગવત રહસ્ય -૩૨૩

એ દૃશ્યની કલ્પના કરવા જેવી છે,હમણાં સુધી વૈશ્યના છોકરા ના (કૃષ્ણના) ખીરને અડી જવાથી જે,ગર્ગાચાર્ય- નવી રસોઈ બનાવે છે, તે જ બ્રાહ્મણ અત્યારે લાલાના હાથ થી કોળિયો લઇ રહ્યા છે.બીજી બાજુ યશોદા મા જાગ્યાં,જોયું,તો -લાલો ગોદમાં ના મળે,એકદમ હાંફળા-થઇ ગયા ને વિચારે છે-કે-લાલો ગયો ક્યાં ? જુએ છે તો,કનૈયો ગર્ગાચાર્યની ગોદમાં બેઠેલો છે,મહારાજ હાથ જોડી ને બેઠા છે,અને કનૈયો મહારાજને ખીર ખવડાવે છે.

યશોદાજી આ કૌતુકને જોઈ રહ્યાં છે.વિચારે છે-કે-આ બ્રાહ્મણ પણ કેવા છે ?એક વખત જેના અડી જવાથી,
ખીર ખાધી નહિ,તે અત્યારે તેના હાથે જ ખીર ખાય છે.યશોદાજી કનૈયાને લેવા મહારાજની નજીક આવ્યા છે,ત્યાં બીજું કૌતુક થયું......ગર્ગાચાર્ય એકદમ ઉભા થયા અને યશોદાજીને વંદન કરે છે.
યશોદા જી કહે છે-કે- મહારાજ આ તમે શું કરો છે?હું તો એક સાધારણ ગોવાલણ છું,તમે પવિત્ર બ્રાહ્મણ છો,
આપ મને વંદન કરો તો મને પાપ લાગે,હું તમને વંદન કરું છું.

ગર્ગાચાર્ય કહે છે-કે- મા, તે બહુ પુણ્ય કર્યું છે,મા,તું બહુ ભાગ્યશાળી છે,પરમાત્મા તારી ગોદમાં રમે છે,મારા નારાયણ પુત્રરૂપે તારે ત્યાં આવ્યા છે.લાલાએ વિચાર કર્યો કે –“ગર્ગાચાર્ય આવી ગોટાળો કરી ગયા.”યશોદાનો વાત્સલ્યભાવ છે.
વાત્સલ્યભાવમાં ઐશ્વર્ય વિરોધી છે. વાત્સલ્ય અને ઐશ્વર્ય એક ઠેકાણે રહી શકે નહિ.
કનૈયો વિચારે છે-કે-“હું ઈશ્વર છું એવું જ્ઞાન મા ને થાય તો મારા માથે હાથ ફેરવે નહિ. મને પ્રેમથી જમાડે નહિ,મને લાડ કરશે નહિ.હું તો પ્રેમરસ આપવા અને પ્રેમરસ લેવા માટે બાળક બની વ્રજમાં આવ્યો છું. “ માટે કનૈયા એ વૈષ્ણવી માયાને હુકમ કર્યો કે –“મા ને મારા સ્વરૂપનું ભાન ન થાય”યશોદાને લાલાના ખરા સ્વ-રૂપ નું ભાન ન થાય તે માટે વૈષ્ણવી માયાએ આવરણ કર્યું છે,યશોદા બધું ભૂલી ગયાં છે.

મહાત્માઓ માયાના ત્રણ પ્રકારો બતાવે છે.સ્વમોહિકા,સ્વજનમોહિકા અને વિમુખજન મોહિકા.
જે આપણને સર્વ ને ફસાવે છે,જે ઈશ્વરના સ્વરૂપને ભુલાવે છે-તે વિમુખજન મોહિકા.
માયાને માનવી પડે છે,માયા વગર વ્યવહાર થઇ શકતો નથી, જ્ઞાની પુરુષો પણ માયાને માને છે,પણ તે માયા ને ખોટી માને છે.માયા અસત્ય છે,બ્રહ્મ સત્ય છે.માયાવાદનું કોઈ ખંડન કરી શક્યો નથી.
શ્રીકૃષ્ણ ઈશ્વર છે,પણ યશોદાના બાળક થયા છે,તે માયા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE