Jul 21, 2020

ભાગવત રહસ્ય -૩૩૮

શંકરાચાર્ય ગીતાના શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે-જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી.જીવ ઈશ્વરનો અંશ ના હોઈ શકે,કારણ ઈશ્વરના ટુકડા થઇ શકે નહિ.
આત્મા ને પરમાત્મા એક જ છે.ઈશ્વરમાંથી અંશ નીકળી શકે જ નહીં. જીવ અને ઈશ્વર એક જ છે.પણ આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી (અવિદ્યાથી) ભાસે છે.આ ભેદ એ ઔપાધિક ભેદ છે.ઉપાધિ થી (માયાથી) ભેદ ભાસે છે,પણ તત્વ-દૃષ્ટિથી ભેદ નથી.

ભેદના બે પ્રકારો છે,
(૧) સ્વતસિદ્ધ ભેદ-ઘોડા અને ગાયનો ભેદ.ઘોડો એ ગાય થઇ શકે નહિ અને ગાય એ ઘોડો થઇ શકે નહિ.
(૨) ઔપાધિક ભેદ-પાણી નું વાસ્તવિક સ્વરૂપ એ શીતળતા છે.ગરમ પાણીમાં જે ગરમી ભાસે છે,તે ઉપાધિથી ભાસે છે.તે ઉપાધિ દૂર થતા જળ પાછું શીતળ (ઠંડું) થાય છે.

ઘડામાંનું આકાશ (ઘડાકાશ) અને વ્યાપક આકાશ (મહાકાશ) એક જ છે.
પરંતુ ઘડાની ઉપાધિ છે તેથી ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય એટલે ઘડાકાશ,મહાકાશ ને મળે છે.
મળે છે શું ?તે તો ખરેખર એક જ છે,વાસ્તવિક રીતે તો તે મળેલું જ છે.
વ્યાપક ચૈતન્ય તે પરમાત્મા અને શરીરમાં સ્થિત ચૈતન્ય તે આત્મા.
અવિદ્યા (અજ્ઞાન-માયા) ના આવરણથી યુક્ત ચૈતન્ય તે જીવ છે.પણ જેવી અવિદ્યાની આવરણ દૂર થયું કે-જીવ અને શિવ (આત્મા અને પરમાત્મા) એક બને છે.જીવ અને શિવનો ભેદ ઉપાધિથી ભાસે છે.

આ વેદાંતનો સિદ્ધાંત છે.વેદાંત કહે છે કે-આ જીવ અંશ થઇ શકતો નથી.જો અંશી (પરમાત્મા) માંથી અંશ (આત્મા) જુદો પડે તો,અંશીના સ્વરૂપનો ભંગ થશે.એક મણ ખાંડમાંથી –જો એક તોલો પણ ખાંડ લઇ લો તો પછી એક મણ ખાંડ રહે નહિ.ગુલાબ ના ફૂલમાંથી એક પાંખડી લઇ લો તો તે અખંડ ફૂલ કહેવાય નહિ.
તે પ્રમાણે ઈશ્વર નિત્ય છે,તેના ટુકડા થઇ શકે નહિ.ઈશ્વર એવા નથી જેના ટુકડા થાય.
એ વ્યાપક ચૈતન્ય છે,સર્વત્ર છે,જેમ આકાશ સર્વત્ર છે તેમ.

શંકરાચાર્ય નો આ અદ્વૈત વાદ કહે છે-કે-ઉપાસના માટે અંશ-અંશીનો ભેદ છે,
વ્યવહારમાં અંશ-અંશીનો ભેદ છે, પણ તે છે તો એક જ.તત્વ દૃષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે-તે બરાબર નથી.
બિંદુઓનો સાગર છે,પણ બિંદુ એ સાગર નથી.
રામાનુજાચાર્ય કહે છે કે-આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે.
બીજા આચાર્યો કહે છેકે-જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે,મુક્ત દશામાં અંશી છે.
અંશ ને અંશીના ભેદમાં તેઓ માને છે પણ અંશ અને અંશી ને તે એક જ સમજે છે.
વલ્લભાચાર્યજી કહે છે-કે-જીવ અંશ છે નહિ પણ અંશ જ માનો.અંશીમાંથી અંશ છુટો પડે તો,અંશીના સ્વરૂપમાં ભંગ થતો નથી.સિંધુમાંથી એક બિંદુ બહાર કાઢો તો સિંધુના સ્વરૂપમાં ભંગ થશે નહિ.

ભક્તો પહેલાં દ્વૈત રાખે છે,પછી દ્વૈતનો નાશ કરી ને અદ્વૈત પ્રાપ્ત કરે છે,
પણ ત્યાર બાદ ઈશ્વરની સેવા કરવા કાલ્પનિક દ્વૈત રાખે છે.
આ દ્વૈત અને અદ્વૈત બંને સિદ્ધાંતો સત્ય (દિવ્ય) છે.જેની બુદ્ધિ સૂક્ષ્મ હશે તેને 
વેદાંતનો અદ્વૈતવાદ સમજાશે.જેની બુદ્ધિ લાગણીપ્રધાન છે તેને વૈષ્ણવાચાર્યોનો સિદ્ધાંત (દ્વૈત) ગમશે.
ખંડન-મંડનની ભાંજગડમાં સાધકે પડવું જોઈએ નહિ.
જીવ ને ઈશ્વરરૂપ માનો કે તેનો અંશ માનો-તો પણ આત્મા તો નિત્ય મુક્ત છે.મુક્તિ મનને મળે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE