Aug 25, 2020

ભાગવત રહસ્ય -૩૭૧

મહાત્માઓ કહે છે-કે-ગોકુળમાં હતા ત્યાં સુધી શ્રીકૃષ્ણે ચાર પ્રતિજ્ઞાઓ પાળી છે.
(૧) સીવેલાં કપડાં પહેર્યા નથી.ગોપ-બાળકો ગરીબ હતાં. મિત્રો સારાં કપડાં પહેરે નહિ એટલે શ્રીકૃષ્ણ પણ વિચારે છે કે -”મારા મિત્રોને સારાં કપડાં પહેરાવી હું સીવેલાં કપડાં પહેરીશ.(૨) ગોકુળ માં હતા ત્યાં સુધી હાથમાં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.એક હાથમાં બંસી અને બીજા હાથમાં માખણ.કનૈયો ગોકુળમાં વાંસળીથી ઘાયલ કરે છે.(૩) અગિયાર વર્ષ સુધી માથાના વાળ ઉતરાવ્યા નથી.વ્રજના બાલકૃષ્ણ અલૌકિક છે.પ્રેમની મૂર્તિ છે.(૪) ગોકુળમાં પગમાં પગરખા પહેર્યા નથી.


શ્રીકૃષ્ણ કહે છે કે-હું ગાયોનો નોકર છું.ગાયોની એવી સેવા કરી છે કે એવી સેવા કોઈ કરી શકે નહિ અને કરશે નહિ.ગાયોને ખવડાવ્યા વગર કનૈયાએ ખાધું નથી,ગાયોને પાણી પીવડાવ્યા વગર પાણી પીધું નથી.
તો પછી શ્રીકૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય ત્યારે રડે તેમાં શું આશ્ચર્ય ? આ ગાયો પશુ હોવા છતાં શ્રીકૃષ્ણને મળવા આતુર છે.કનૈયો પોતાના પીતાંબરથી ગાયોને સાફ કરે છે.મા બરફી ખાવા આપે તો તે ગંગી ગાયને ખવડાવી દે છે. મા પૂછે તો કહે છે-કે-મા,ગાયો મને બહુ વહાલી છે,તે ખાય તો મને આનંદ મળે છે.

વૃંદાવનમાં શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે અનેક પ્રકારની રમતો રમે છે.એક દિવસ મિત્રોએ લાલાને ફરિયાદ કરી કે-તાલવનમાં પુષ્કળ ફળો છે પણ ધેનકાસુર નામનો રાક્ષસ તે ફળો કોઈને લેવા દેતો નથી.
તાલવનમાં ધેનકાસુર નામનો રાક્ષસ ગધેડા રૂપે રહેતો હતો.ભગવાને પ્રહલાદને વચન આપેલું કે-તારા વંશમાંના કોઈ રાક્ષસને હું નહિ મારું.,તેથી શ્રીકૃષ્ણ તેને મારતા નથી.બલભદ્ર (બળરામ) તેને મારે છે.

વનમાંના ફળો સડે જાય પણ કોઈ ને તે લેવા દે નહિ તે ધેનકાસુર.
પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહિ તે ધેનકાસુર.દેહને સર્વસ્વ માને,
અને શરીરનું સુખ એ મારું સુખ –એવું જે માને તે ધેનકાસુર.
ધેનકાસુર તે વનનો માલિક નહોતો,પણ ઘણા વર્ષથી ત્યાં રહેતો હતો,અને તાલવનને પચાવી પાડેલું.
ધેનકાસુર એ દેહાધ્યાસ (હું એટલે મારું શરીર) છે.દેહાધ્યાસ અવિદ્યા (અજ્ઞાનના)ને લીધે આવે છે.
અવિદ્યા જીવને સંસારના બંધનમાં નાખે છે.તેના લીધે જીવમાં સંસારિક પદાર્થોમાં મમતા અથવા રાગ-દ્વેષ થાય છે.અવિદ્યા જ્યાં સુધી નાશ ના પામે ત્યાં સુધી સંસાર છૂટતો નથી.

અવિદ્યા જીવને પાંચ રીતે બાંધે છે.
દેહાધ્યાસ,ઇન્દ્રિયાધ્યાસ,પ્રાણાધ્યાસ,અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપવિસ્મૃતિ.
દેહાધ્યાસનો ભાવ એવો છે કે-જીવ માને છે કે હું મોટો છું,હું સ્વરૂપવાન છું,હું વિદ્યાવાન છું,સંપત્તિવાન છું.
અને તેને દેહનું અભિમાન થાય છે.અને અભિમાનમાં તે બીજા જીવોનું અપમાન કરે છે,પીડા કરે છે.
આવા દેહાધ્યાસને બલભદ્ર મારે છે.બલભદ્ર એ શબ્દ-બ્રહ્મ (વેદ)નું સ્વરૂપ છે.
વેદનાં વચનો ને વિચાર કરવાથી,ધીરે ધીરે દેહાધ્યાસ દૂર થાય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE