Aug 26, 2020

ભાગવત રહસ્ય -૩૭૨

એક વખત પ્રભુએ નિશ્ચય કર્યો કે કાલિયનાગનો હવે હું ઉદ્ધાર કરીશ.
બાળમિત્રોને લઇને તે કાલિયનાગ જે ધરામાં રહેતો હતો તે જગ્યાએ આવીને રમવા લાગ્યા.રમતાં રમતાં દડો તે ધરામાં પડ્યો.કનૈયો તે દડો લેવા જવા તૈયાર થયો.બાળમિત્રો કહે છે-કનૈયા,આ ધરા માં ઝેરી નાગ રહે છે,આ ધરાનું પાણી ઝેરી છે,તે પાણી કોઈ પીતું નથી.ઝેરી નાગ છે એટલે તું તેમાં દડો લેવા ના જા.
પણ શ્રીકૃષ્ણ કદંબ ના ઝાડ પર ચઢ્યા અને તે ધરામાં ભૂસકો માર્યો.

કાલિયનાગ તો ત્યાં હતો જ,તે શ્રીકૃષ્ણને ડંસ દેવા લાગ્યો.આજે ઝેર અમૃતને કરડે છે. જેમ જેમ તે કરડે છે તેમ તેમ તેનું ઝેર અમૃત બને છે.શ્રીકૃષ્ણે એક હાથમાં પૂંછડું અને એક હાથમાં કાલિયનાગની ફણાઓ પકડી.તેના પર આરૂઢ થયા છે.બાળકો એકદમ ગભરાવા લાગ્યા.કનૈયો બાળકોને કહે છે –તમે ગભરાશો નહિ,ડરશો નહિ.ભગવાન તો ફણા પર નૃત્ય કરવા લાગ્યા અને ધીરે ધીરે વજન વધાર્યું,એટલે કાલિયનાગ વ્યાકુળ થયો અને લોહી ઓકવા લાગ્યો. નાગ-પત્નીઓ ભગવાનને શરણે આવી અને સ્તુતિ કરવા લાગી.

આપે જે અમારા પતિને સજા કરી છે,તે યોગ્ય જ છે,કારણકે આપે કરેલી સજા દુર્જનોના પાપનો નાશ કરે છે.
આપ તો કર્મફળ પ્રમાણે બધાને શિક્ષા કરો છે.આપનો કોઈ દોષ નથી.ખરી રીતે જોઈએ તો અમારા પતિ આજે શ્રેષ્ઠ બન્યા છે.કારણ કે એમના મસ્તક પર આપે ચરણ પધરાવ્યાં છે.બલિરાજાના એક મસ્તક પર આપે એક ચરણ પધરાવેલું પણ આજે તો અમારા પતિના અનેક મસ્તક પર આપનાં અનેક ચરણ પધરાવ્યાં છે.

શ્રીકૃષ્ણ કાલિયનાગને કહે છે કે-તારા લીધે આ ધરાનું જળ વિષમય થયેલું છે,તું આ સ્થાન છોડીને ચાલ્યો જા. કાલિયનાગ કહે છે કે-નાથ,હું જવા તૈયાર છું પણ મને ગરુડનો બહુ ડર લાગે છે.
ભગવાન કહે છે-કે મારા ચરણનો હવે તને સ્પર્શ થયો છે,એટલે ગરુડજી તને મારશે નહિ.
કાલિયનાગ ગરુડના ભયથી આ ધરામાં રહેવા આવેલો.

કાલિયનાગને સો ફણાઓ હતી.મનુષ્યના મનને કેટલી વાસનાઓ (ફણાઓ) છે તેની કલ્પના પણ થતી નથી.
મનુષ્યનું મન સંકલ્પ-વિકલ્પ કરે છે તે બધી ફણાઓ છે.
પ્રભુ ને પ્રાર્થના કરવાની કે-નાથ મારા મનને નાથો,મારા મન પર તમારાં ચરણને પધરાવો.
કાલિયનાગની ફણાઓમાં ઝેર હતું તેમ આપણી એક એક ઇન્દ્રિયોમાં ઘણા ભાગે વાસનાઓનું ઝેર ભર્યું છે.
ઇન્દ્રિયોમાં આ વાસનાનું ઝેર હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી,સત્સંગથી આ ઝેર ઓછું કરવાનું છે.

આ કથાનું રહસ્ય એવું છે કે-જેમ ધેનકાસુર એ દેહાધ્યાસનું રૂપ હતો તેમ કાલિયનાગ એ ઇન્દ્રિયાધ્યાસનું 
રૂપ છે.ભક્તિ (યમુના)માં ઇન્દ્રિયાધ્યાસ (કાલિયનાગ) આવે તો તે શુદ્ધ ભક્તિ કરી શકતો નથી.
ભોગ ને ભક્તિને વેર છે,ભક્તિ ના બહાને ઇન્દ્રિયો ના લાડ કરે તે કાલિયનાગ.
જે ઇન્દ્રિયોનો દાસ છે –તે ભક્તિનું નિમિત્ત કરી સુખ ભોગવે છે.

કોઈ જગ્યાએ-મુખિયાજી માનભોગ અંદર રાખે અને બહાર ભક્તોને ચરણામૃત આપે છે.
અરે ભાઈ તું માનભોગ બહાર કાઢ ને ? પણ તે વિચાર કરે છે કે-મારા માટે શું રહેશે ?
સાચી રીતે –તો-બીજાને આપ્યા પછી જે કણિકા (થોડો ભાગ) વધે તે મહાપ્રસાદ છે.
વિષયોનો મનથી પણ ત્યાગ કરવામાં આવે તો જ ભક્તિ સિદ્ધ થાય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE