Sep 11, 2020

ભાગવત રહસ્ય -૩૮૮

ટેકો લેવો હોય,આધાર લેવો હોય તો માત્ર ઈશ્વરનો જ લેવો,બીજા કોઈનો નહિ.
કનૈયાએ માત્ર સાત વર્ષ ની ઉંમરે ટચલી આંગળી પર ગિરિરાજને ધારણ કરીને પોતાની અલૌકિક દિવ્ય શક્તિ બતાવી છે.કનૈયાએ બીજા હાથમાં વાંસળી લઇને તેનો સુર છેડ્યો છે.એવી સુંદર વાંસળી વગાડી છે કે-ગોવર્ધનનાથ ડોલવા લાગ્યા છે,
વાંસળીના નાદબ્રહ્મમાં બધા વ્રજવાસીઓ એવા તન્મય થયા છે કે-વ્રજવાસીઓ સાત દિવસ સુધી દેહધર્મને ભૂલી ગયા છે.નથી કોઈને ભૂખ લાગતી કે નથી કોઈને તરસ લાગતી.

પરંતુ નાના ગોપબાળકોને ભૂખ લાગી છે,બાળકો દુઃખી થાય તે લાલા ને ગમતું નથી.તે બાળકોને પૂછે છે કે તમારે શું ખાવું છે ? તમારે જે ખાવું હોય તે આ લાકડીથી ગોવર્ધનનાથને સહેજ આછો ધક્કો મારવાથી 
તે આપશે.ગિરિરાજમાં અન્નનો ભંડાર છે તેમાંથી જે માંગશો તે નીચે પડશે.
બાળકો એ અનેક જાતની મીઠાઈઓ માગી અને જમી ને તૃપ્ત થયા છે.
આખું જગત ઠાકોરજીના પેટમાં છે,તો તેમાં અન્ન કેમ ના હોય ? જેને જે જોઈએ તે ઠાકોરજી જ આપે છે.

આ પ્રમાણે સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત નીચે,સર્વ વ્રજવાસીઓનું અને ગાયોનું રક્ષણ શ્રીકૃષ્ણે કર્યું.
ઇન્દ્રને શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થયું,ઇન્દ્રને ખાતરી થઇ કે શ્રીકૃષ્ણ એ “દેવ” નથી પણ સાક્ષાત 
પરમાત્મા છે.તેનું અભિમાન ઓગળી ગયું. મેઘોને હુકમ કર્યો છે કે હવે તમે બંધ થાવ.
ઇન્દ્ર શ્રીકૃષ્ણ પાસે આવી ક્ષમા માગે છે, પ્રાર્થના કરે છે. ઇંદ્ર અને સુરભિ- શ્રીકૃષ્ણનો દૂધથી અભિષેક કરે છે. તે બધું દૂધ ભેગુ જે કુંડમાં થયું તે કુંડનું નામ પડ્યુ-સુરભિકુંડ.

વ્રજવાસીઓ બધાં ગોવર્ધનનાથની નીચેથી બહાર આવ્યા અને વ્રજમાં ઘેર આવ્યા છે.
ગોવર્ધનલીલા પછી ઘણાંને શંકા થવા લાગી કે –આ કનૈયો નંદજીનો છોકરો નથી.
સાત વર્ષનો બાળક ક્યાં અને આ ગોવર્ધન પહાડ ક્યાં? નંદબાબાના હાથ માં બશેરનો પથરો પણ ટકે નહિ અને આ કનૈયાએ આખો આવડો મોટો પહાડ ટચલી આંગળી પર ધારણ કર્યો,તે નજરે જોયું છે.
નંદજી જરૂર આ કોઈ બીજાનો છોકરો લઇ આવ્યા છે,લાલો નંદજી નો છોકરો હોઈ શકે નહિ.

એક વૃદ્ધ વ્રજવાસી કહે છે કે-અરે,તમને આજે શંકા થઇ?મને તો કનૈયાના જન્મથી જ શંકા જાય છે.
નંદ-યશોદા તો ગોરાં છે અને આ તો કાળો છે. બોલાવો નંદબાબાને,આપણે તેમને જ પૂછીએ.
નંદબાબા આવ્યા છે. બધા પૂછે છે કે-બોલો,આ છોકરો કોનો છે ?
નંદબાબા કહે છે કે-તમે શંકા ના કરો.હું ગાયોના સોગન કહીને કહું છું કે-કનૈયો મારો પુત્ર છે.
મેં જરાય કપટ કર્યું નથી.ગર્ગાચાર્યે પણ કહેલું કે-કનૈયામાં નારાયણ ના જેવા ગુણો છે.
આપણે નારાયણની પૂજા કરીએ છીએ તેથી નારાયણનો તેનામાં પ્રવેશ થયો છે.
યશોદા એ આ સાંભળ્યું-કે લોકો શંકા કરે છે કે લાલો મારો પુત્ર નથી.
એટલે લાલા ને પૂછે છે કે-લાલા,તું કોનો?


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE