Aug 29, 2020

ભાગવત રહસ્ય -૩૭૫

ગોપીઓના પ્રશ્નના જવાબમાં વાંસળી કહે છે કે-મેં બહુ તપશ્ચર્યા કરી છે,બહુ દુઃખ સહન કર્યું છે.મારા પર છ ઋતુઓના માર પડ્યા છે.મારું હૈયું પોલું છે.મારા હૈયામાં કશું નથી,છતાં લોકો એ મને કોતરી,મને સાત કાણાં પાડ્યાં તો પણ હું બોલી નહિ.હું મારી મેળે એકલી બોલતી નથી.ધણીની ઈચ્છા પ્રમાણે તેને જે બોલાવવું હોય તે બોલું છું.માલિકની ઈચ્છા પ્રમાણે સુર કાઢું છું.

વાંસળી જેમ પોલી છે તેમ વેરઝેર પેટમાં સંઘરવું ના જોઈએ.કોઈ ભલે કડવાં વેણ કહે,પણ ભૂલી જવું.
લોકો ભલે ગમે તેવો સિતમ કરે,(વાંસળી ની જેમ ભલે કાણાં પાડે) પણ ગમ ખાઈને જે સહન કરે છે,
તે ભગવાનને ગમે છે.ગમે તેવા દુખના પ્રસંગે ધીરજ ગુમાવવી ના જોઈએ.વાંસળી જેમ પોતાની ઈચ્છા અનુસાર બોલતી નથી તેમ પોતાની ઈચ્છા અનુસાર નહિ પણ ઈશ્વરની ઈચ્છા અનુસાર જ બોલવું જોઈએ.
બોલતાં પહેલાં માલિકનું સ્મરણ કરવું. સજ્જન હોય કે દુર્જન –બધાને આનંદ થાય તેવું બોલવું જોઈએ.કોઈનું દિલ દુભાય તેવું ના બોલવું. લાકડીનો માર ભુલાય છે પણ શબ્દનો માર ભૂલતો નથી.ઘરમાં વહુથી ભૂલ થાય- દૂધ ઢોળાઈ જાય,ને ટકોર કરવી જ હોય તો મધુર વાણીથી ટકોર કરો.“નંદ મહોત્સવ વખતે દૂધ-દહીનો કાદવ થયો હતો,વહુએ આજે નંદ મહોત્સવ કર્યો,તેથી આ વખતે ઘરમાં લાલો આવશે.”

બીજી એક ગોપી કહે છે-અરી સખી,તું જો તો ખરી,આ વાંસળીનો અવાજ સાંભળી વૃક્ષોમાંથી મધની 
ધારાઓ વહે છે.કનૈયો વાંસળી વગાડે છે ત્યારે વૃક્ષો આનંદ થી રડે છે. વાંસળી જડને ચેતન બનાવે છે.
કનૈયો વાંસળી વગાડે છે એટલે વૃક્ષોને આનંદ થાય છે.
ઘણા મનુષ્યો બહુ મોટા માણસો જોડે સંબંધ જોડે છે.તેમ આ વૃક્ષો પણ કનૈયા સાથે સંબંધ જોડે છે.
“વાંસ અમારી જાતનો,એટલે અમારો ભાઈ,અને તેની પુત્રી વાંસળીને કનૈયાએ અપનાવી છે,
એટલે કનૈયો અમારો જમાઈ થાય.”

વ્યવહારમાં પણ લોકો મોટા સાથે સંબંધ જોડે તો લાભ થાય છે.
આવા લોકો કહે છે-કે- આ કલેકટર આવ્યા છે તે અમારા સગા છે.
તેમને કોઈ પૂછે કે તે તમારા શું સગાં થાય ? તો તે કહે છે –કે-
મારી નણંદની જેઠાણી,એના ભાઈ,એના ભાણેજના,ઓરમાન ભાઈનો આ ભત્રીજો છે!!!!
આ કઈ જાતનો સંબંધ ?તેમ છતાં મોટા કલેકટર સાથે સહુ સંબંધ જોડે છે.
આપણે પણ પરમાત્મા જોડે સંબંધ જોડવાનો છે.

એક ગોપી બોલી-અરી સખી,જો,કનૈયો વાંસળી વગાડે છે ત્યારે હરણીઓ પાગલ થઇને દોડતી આવે છે,
આ હરણીઓ આંખથી લાલાના દર્શન કરે છે અને કાનથી મોરલીનો મધુર નાદ શ્રવણ કરે છે. અને 
એવી રીતે કનૈયાની ઝાંખી કરે છે કે-તેની પાંપણો પણ હાલતી નથી.(ગોપીઓ ની દૃષ્ટિ કેટલી સૂક્ષ્મ છે કે 
પાંપણો હાલતી નથી તે પણ ઘરમાં બેઠા નિરીક્ષણ કરે છે)
હરિણીઓ હરણને સાથે લઇ ને આવી છે.હરિણીઓને હરણો સાથ આપે છે એટલે તે કેટલી ભાગ્યશાળી છે.
મારા પતિ તો મને પ્રભુસેવા માં સાથ આપતા નથી.

હરિણીઓ લાલાની પૂજા કરવા માગે છે,પણ પાસે કશું નથી એટલે પોતાની આંખરૂપી કમળથી પૂજા કરે છે.
હરિણીઓ આપણને બોધ આપે છે કે-આંખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી,કોઈ પુરુષ નથી,પણ 
આંખ આપવા લાયક એક પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE