Nov 22, 2020

ભાગવત રહસ્ય -૪૫૪

મહાપુરુષો કહે છે કે-જન્મ-મરણના ત્રાસમાંથી છુટવા માટે,
રોજ સાદું ભોજન લેવાનું રાખી,૨૧૦૦૦ (કોઈ પણ) નામ-જપ,નિયમ-પૂર્વક કરો.
જપ વિના પાપ અને વાસના છૂટતાં નથી.”મન સ્થિર થતું નથી એટલે જપ કરતો નથી” એવું બહાનું બતાવવું તે અજ્ઞાન છે.ભલે મન બીજે ભટકે પણ સતત જપ કરશો તો પછી મન જરૂર સ્થિર થશે.કાંઇક પણ સાધન (નિયમ) કરશો તો પ્રભુ સાથે પ્રેમ થશે અને બ્રહ્મ-સંબંધ થશે.

એક કલાક માં ૯૦૦ શ્વાસોચ્છવાસ થાય છે.૨૪ કલાક માં ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ થાય છે.પ્રતિ શ્વાસે 
ભગવાનનું નામ-જપ કરવાનું મહાપુરુષોએ કહ્યું છે-એટલે ૨૧૦૦૦ નામ-જપ કરવાના કહ્યા છે.
જરા વિચાર કરવાથી સમજાશે કે-કેટલા શ્વાસ નામ-જપ વગરના જતા હશે?
ભોજનમાં,સૂવામાં,ગપ્પાં મારવામાં કેટલો સમય પ્રભુના નામ સિવાય વ્યર્થ જાય છે?

કથા સાંભળવાથી,વાંચવાથી કંઈક માર્ગદર્શન લેવાનું છે.
(ખાલી-ખાલી મનોરંજન માટે કથા  સાંભળવાનો કે વાંચવાનો કોઈ અર્થ નથી)
જીવન માં ભગવદ-ભક્તિની જરૂર છે.ભગવદ-ભક્તિ માટેનો કોઈક નિયમ લેવાનો છે.કોઈ સાધન કરવાનું
અત્યંત જરૂરી છે.કોઈ પણ નિયમ –જેમ કે નામ-જપ,કે કશાનો ત્યાગ કરવો (વગેરે) તે ખૂબ મહત્વનું છે.

એક દૃષ્ટાંત છે. એક વાણિયાએ કથા સાંભળી.
મહારાજે કહ્યું કે- મારી કથા સાંભળ્યા પછી કાંઇક નિયમ તો તમારે લેવો જ પડશે. સત્ય બોલવાનો નિયમ લેજે. ત્યારે વાણિયાએ કહ્યું-કે-હું વેપાર કરું છું,વેપારમાં તો થોડું અસત્ય બોલવું જ પડે.
મહારાજ કહે છે કે-તો કોઈની નિંદા નહિ કરું તેવો નિયમ લેજે.
“ના,મહારાજ,રાત્રે બે કલાક ગપ્પાં માર્યા વગર મને ઊંઘ આવતી નથી,એટલે તે નિયમ નહિ લેવાય”
મહારાજ પૂછે છે-કે-“તો પછી શું નિયમ લઈશ?” ત્યારે વાણિયા એ કહ્યું-કે-
સવારે ઉઠતાંવેંત મારા ઘરની સામે રહેલા કુંભારનું મોઢું હું જોઇશ !!! તે પછી બીજાં કાર્યો કરીશ.

વાણિયાએ નિયમ લેવા ખાતર નિયમ લીધેલો.અને રોજ તેમ કરતો પણ ખરો.
એક દિવસ એવું થયું કે કુંભાર વહેલી સવારે માટી ખોદવા ચાલ્યો ગયેલો.વાણિયો ઉઠયો,પણ કુંભારનાં દર્શન થયા નહિ,એટલે દરરોજના નિયમ મુજબ તે કુંભારનાં દર્શન કરવા તેને ખોળવા નીકળ્યો.
તે દિવસે એવું બન્યું કે-કુંભાર જ્યાં માટી ખોદતો હતો,ત્યાંથી તેને સોના-મહોરો ભરેલો ચરુ મળ્યો.
તે ચરુ કાઢતો હતો,તે વખતે જ વાણિયો ત્યાં કુંભારના દર્શન કરવા આવ્યો,અને તેનું મોઢું જોઈને,
વાણિયો બોલવા લાગ્યો-કે “મેં (મોઢું) જોઈ લીધું”
કુંભાર સમજ્યો કે આ વાણીયાએ ચરુ જોઈ લીધો,હવે જો રાજાને વાત કરશે તો આ ચરુ રાજા લઇ લેશે.
એટલે વાણિયાને કહે છે કે-તેં જોઈ લીધું તો ભલે જોઈ લીધું,પણ કોઈ ને કહેતો નહિ,તારો અડધો ભાગ.
અને કુંભારે ચરુમાંથી વાણિયાને અડધો ભાગ આપ્યો.

વાણિયો વિચારે છે કે-સાધારણ કુંભારનાં દર્શન કરવાના,સાધારણ નિયમથી જો મને લક્ષ્મીજી મળ્યાં,
તો ભગવાનના દર્શન કરવાનો નિયમ લીધો હોત તો વધારે સુખી થાત,(વધારે લક્ષ્મી મળત!!!)

કોઈ સાધન કરવાનો,કોઈ સત્કર્મ કરવાનો,કોઈ પાપ છોડવાનો,કે પછી,ભગવદ-ભક્તિનો –
કોઈ પણ નિયમ લેવાથી જરાસંઘ(વૃદ્ધાવસ્થા)-અને-કાળયવન (કાળ=મૃત્યુ) ના ત્રાસમાંથી છૂટી શકાશે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE