Jul 6, 2021

Gujarati-Ramayan-Rahasya-07-ગુજરાતી-રામાયણ-રહસ્ય-07

ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરીને પોતાનામાં જ પરમાત્માનો અનુભવ કરે છે, અને “ હું જ કૃષ્ણ છું” એમ કહે છે.જ્ઞાની ઉદ્ધવ જયારે ગોપીઓને આશ્વાસન આપવા મથુરાથી ગોકુલ જાય છે,ત્યારે ગોપીઓ કહે છે કે-વિરહ છે જ ક્યાં ?કૃષ્ણ મથુરા ગયા જ નથી તે તો અમારા અંતરમાં જ કાયમ માટે વિરાજમાન છે. ગોપીઓને ઉઘાડી આંખે સમાધિ છે.સર્વ જગત તેમના માટે કૃષ્ણમય બન્યું છે.

ગોપીને જેમ જેને અંતરમાં પરમાત્મા દેખાય,તે ઈશ્વરને એક ક્ષણ પણ છોડી શકે નહિ.
ઘડામાંનું આકાશ (ઘટાકાશ) જેમ ઘડામાંથી બહાર નીકળી શકતું નથી.
તેમ તેવો મનુષ્ય પરમાત્માને ઘડી ભર પણ છોડી શકે નહિ.

ખાડામાં પડી ગયેલા સુરદાસને પ્રભુ હાથ આપી બહાર કાઢે છે ને પછી ત્યાંથી છટકી જાય છે ત્યારે સુરદાસ કહે છે-કે-'હાથ છુડાકે જાત હો નિર્બળ જાનકે મોહી' ભલે ને મારો હાથ છોડાવી અદશ્ય થાઓ,પણ મારી
અંદરથી તમે ક્યાં ભાગી શકવાના છો? ત્યાંથી ભાગી જાણો તો ખરા માનુ.!!!ત્યાં તમે મારા કબજે છો.

પ્રભુ સઘળે છે તેનો અર્થ એ જ છે કે-કોઈ પણ એવું સ્થળ નથી કે જ્યાં રહીને કે જ્યાં આગળ પ્રભુનાં
દર્શન ના થઇ શકે.પ્રભુ દર્શન માટે ઘર છોડવાની કે સંસાર છોડવાની જરૂર નથી,
ગોપીઓને ઘરમાં રહીને જ પરમાત્મા દર્શન થયાં હતાં.
ઘરમાં રહેવું પાપ નથી પણ ઘરને મનમાં રાખવું તે પાપ છે.

આખો વખત મનમાં ઘર રહે તો,સંસાર-વ્યવહારના,કામનાના,વાસનાના વિચારો આવ્યા કરે.
પછી,પ્રભુનો વિચાર કરવાની મનમાં ક્યાંય જગ્યા રહે જ નહિ.
સંતો કહે છે કે-સંસાર અને રામ બે એક આસને રહી શકે નહિ,માટે વ્યવહાર ભક્તિમય બનાવો.
ભક્તિ મંદિરમાં (સ્થળ) બેસીને જ થઇ શકે તેવું નથી,પણ જ્યાં પણ બેસો ત્યાં ભક્તિ થઇ શકે.
તેના માટે દેશ (સ્થળ) કે કાળ (સમય) ની રાહ જોવા ની જરૂર નથી.
ભક્તિ અમુક વખતે (કાળ) થાય ને અમુક વખતે ન થાય,તેવું પણ નથી.

વળી અમુક વ્યક્તિ કે અમુક ધંધાવાળો જ ભક્તિ કરી શકે તેવું પણ નથી.
મનમાં જો સતત પ્રભુ ને રાખવામાં આવે તો પ્રભુ જ વ્યવહાર કેવી રીતે કરવો તે જરૂર બતાવશે.
પછી વ્યવહાર ને ભક્તિનો ઝગડો રહેશે નહિ. આવું થાય એનું નામ બ્રહ્મ-સંબંધ.
બ્રહ્મ-સંબંધ એવી ચીજ નથી કે જયારે મન થાય ત્યારે અપનાવાય અને બાકીનો સમય પ્રભુને
અભરાઈ પર ચડાવી દેવાય. બ્રહ્મ-સંબંધ એ કાયમી સ્થિતિ છે.

ભગવાને ગીતામાં “બ્રાહ્મી-સ્થિતિ” જેને કહી છે તે આ બ્રહ્મ-સંબંધ છે.
વૈષ્ણવે (ભક્તે) બ્રહ્મ-સંબંધ દ્વારા આવી બ્રાહ્મી સ્થિતિને સિદ્ધ કરવાની છે.
વૈષ્ણવ એટલે જે વિષ્ણુનો થઇ ગયો છે તે.વિષ્ણુ જોડે જેમનો સંબંધ થયો છે તે.
“આ બધું વિષ્ણુ (પ્રભુ)નું છે અને હું પણ વિષ્ણુનો છું.” એવું જે માને તે વૈષ્ણવ (ભક્ત)
વૈષ્ણવ જે ક્રિયા કરે તે પ્રભુના માટે જ કરે છે,એટલે પ્રત્યેક ક્રિયા ભક્તિ બને છે.

ભક્તિનો ખાસ સંબંધ મન સાથે છે.મનથી કરવામાં આવતી ભક્તિ સર્વોત્કૃષ્ટ છે.
મનથી જે ભક્તિ (માનસી ભક્તિ) કરી ના શકે તે તનથી (શરીરથી) ભક્તિ કરી શકે છે.
પણ માનસી ભક્તિમાં મન સતત પ્રભુમાં લીન રહે,પ્રભુ સિવાય બીજો કોઈ વિચાર મનમાં પ્રવેશી ના શકે,
ખાવું,પીવું,બેસવું,સૂવું-એવી દરેક પ્રક્રિયા જયારે માત્ર પ્રભુની માટે જ થાય,અને પ્રભુનું નામ સતત
સ્મરણ-પૂર્વક થાય ત્યારે ભક્તિમાં જે આનંદ આવે છે તે શુદ્ધ સચ્ચિદાનંદ છે.
યોગી ને યોગ-માર્ગ માં જે આનંદ થાય તે ભક્તને ભક્તિથી પ્રાપ્ત થાય છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE