Sep 8, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨૩

(૩૧) ટૂંકા જીવનમાં સુખરૂપ પદ-નો પ્રશ્ન
રામ બોલ્યા-મનુષ્ય નું આયુષ્ય (જીવન) ક્ષણભંગુર,કોમળ અને ચપળ છે.
અને તે ટૂંકા જીવનમાં મનુષ્ય મોહ,આશા,વાસના-વગેરે થી પીડાયા કરે છે.ત્યારે
કાળ-રૂપી ક્રૂર બિલાડો,પ્રાણી-માત્ર રૂપી ઉંદરો નો સંહાર કર્યા કરે છે. એક ક્ષણ પણ અટકયા વિના
તે દોડ્યા કરે છે અને ક્યાંય થી યે આવી ને પ્રાણી-માત્ર ને ઝડપી લે છે,
તો હવે આનો ઉપાય શો?વિચાર શો?અને આશરો શો?મનુષ્યોની ગતિ કઈ છે?

--સંસારના અનર્થો નો વિચાર કરીને જેઓ વૈરાગ્ય અને દૃઢતાથી આ લોક અને પરલોક ના ભોગોને છોડીને બેઠા છે તેવા કયા મહાપુરુષ ની પેઠે,અમારે આ સંસારરૂપી વનના માર્ગોમાં વ્યવહાર કરવો?
--ભોગો-રૂપી વિભૂતિઓ રાગ-દ્વેષ-રૂપી મોટા રોગોથી ભરેલી છે,
  ત્યારે સંસાર-રૂપી સમુદ્રમાં ફરનારા પુરુષને તે 
કઈ રીતે-શું કરવાથી - બાધ ના કરે?
--હે મુનિ,જેમ પારો અગ્નિમાં પડવા છતાં બળતો નથી,તેમ પ્રીતિથી જ્ઞાન-રૂપી અમૃત ને સેવનારો પુરુષ, સંસારમાં પડવા (રહેવા) છતાં પણ સંસારના પરિતાપ ને કેમ પામતો નથી?

જેમ,પાણીમાં ઉત્પન્ન થયેલાં માછલાંની સ્થિતિ (જીવન) પાણી વિના સંભવિત નથી,
તેમ,સંસારમાં જન્મેલા પુરુષની સ્થિતિ પણ,સંસારના વ્યવહાર કર્યા વિના સંભવતી નથી.

જેમ અગ્નિ ની જવાળા દાહ વગરની હોતી નથી,
તેમ,આ સંસારમાં કોઈ સારી ક્રિયા પણ,રાગ-દ્વેષ કે સુખ-દુઃખ વગરની હોતી જ નથી.

ત્રણે લોકમાં મન નું અસ્તિત્વ એ વિષયોના અવલંબન (આધાર) રૂપ જ છે,અને
એ સર્વ વિષયો નો,તત્વ (સત્ય) ના બોધની યુક્તિ વિના ક્ષય (નાશ) થતો નથી.
એટલા માટે તમે મને એ “તત્વ ના બોધ-ની યુક્તિ” વિષે કહો.

વ્યવહાર કરવા છતાં પણ જે યુક્તિથી મને દુઃખ કે શોક પ્રાપ્ત થાય નહિ,અને
મારા વ્યવહારમાં પણ અડચણ આવે નહિ-એવી ઉત્તમ યુક્તિ મને કહો.
જે કામથી (કાર્યથી) મન પરમ પાવન થઇ વિશ્રાંતિ પામે છે,તે કામ શું  છે? અને
તે કામ પહેલાં કયા મહાપુરુષે,કયા પ્રકારથી કર્યું છે?
હે,મહામુનિ, જો (અને જેવું) આપના જાણવામાં હોય,અને જે કરવાથી સાધુ-પુરુષો,દુઃખ-રહિત-પણું
પામ્યા હોય,તે મને (મારા) “મોહ”ની નિવૃત્તિ માટે કહો.

હે મુનિશ્વર,જો તેવી યુક્તિ કોઈ ના જ હોય,અથવા તેવી યુક્તિ હોવાં છતાં,જો કોઈ મને સ્પષ્ટ રીતે
કહેશે નહિ તો,હું પોતે તેવી યુંક્તિઓનો વિચાર કરીશ.
અને એમ કરવા છતાં પણ જો મને મહા-વિશ્રાંતિ-રૂપ સર્વોત્તમ યુક્તિ મળશે નહિ,તો,
પછી હું સઘળા વ્યવહારો છોડી દઈશ,અહંકાર રહિત થઈ જઈશ,અન્ન ખાઈશ નહિ,પાણી પીશ નહિ,
વસ્ત્રો પહેરીશ નહિ,ને સ્નાન,દાન કે ભક્ષણ-આદિ કોઈ કામ કરીશ નહિ.

હે,મુનિ, ત્યારે હું સંપત્તિના કે આપત્તિના કોઈ કામમાં ઉભો રહીશ નહિ,અને
દેહનો ત્યાગ કર્યા સિવાય કશું ઈચ્છીશ નહિ.
આશંકા,મત્સર(ઈર્ષા),મમતા-વગેરે છોડી દઈને હું,ચિત્રમાં ચીતરેલા પુરુષની જેમ મૂંગો થઇ બેસી રહીશ.

આમ,આવા અનુક્રમથી,શ્વાસ-ઉચ્છવાસ તથા ભાન ને પણ છોડી દઈને –હું અંતે-
આ “દેહ” નામના અનર્થ-રૂપ ઓઠા ને પણ છોડી દઈશ.
હું કોઈનો નથી,અને કોઈ મારો નથી,એમ નિશ્ચય કરીને,હું તેલ વગરના દીવાની પેઠે બુઝાઈ જઈશ.
અને સઘળું છોડી દઈને અંતે આ ખોળિયાનો પણ ત્યાગ કરી દઈશ.

શ્રી વાલ્મીકિ બોલ્યા-નિર્મળ ચંદ્રની પેઠે પ્રિય લાગતા,અને અતિ મહાન વિચારમાં,ઉઘડેલા ચિત્ત-વાળા,
શ્રીરામચન્દ્રજી,આવા વચનો બોલ્યા અને પછી-મોર જેમ મહામેઘોની આગળ,ટહુકા કરીને છેવટે બંધ પડે-તેમ –બોલવાના થાક લાગવાથી બોલતા બંધ થયા.



    INDEX PAGE
     NEXT PAGE