Sep 9, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨૪

(૩૨) રામનાં વચનોની પ્રશંસા

વાલ્મીકિ બોલ્યા-રાજકુમાર રામચંદ્રજી,એ પ્રમાણે,મનના મોહને ટાળી નાખનારાં વચનો બોલ્યા,
ત્યારે ત્યાં સભામાં બેઠેલા સર્વ લોકોનાં નેત્રો વિસ્મયથી પ્રફુલ્લિત થઇ ગયાં.
સર્વ નાં રૂવાંટા પણ જાણે સાંભળવા ઉત્કંઠિત થયા હોય તેમ ઉભાં થઈને વસ્ત્ર ની બહાર નીકળવાનું મન કરવા લાગ્યા.વશિષ્ઠ,વિશ્વામિત્ર,દશરથરાજા –વગેરે સર્વ ઘડીભર સ્તબ્ધ રહી ગયા.

અને જેવા શ્રીરામ ચુપ થયા કે ત્યાં જ આકાશમાંથી સિદ્ધ લોકોએ,પુષ્પવૃષ્ટિ કરવા માંડી.અનેજ્યાં પુષ્પવૃષ્ટિ બંધ થઇ ત્યારે સભાના સર્વ લોકોએ સિદ્ધ-લોકોને આકાશમાંથી બોલતા સાંભળ્યા –
“દેવ-લોકો માં આપણે સૃષ્ટિના આરંભથી સિદ્ધોના મંડળમાં ઘૂમ્યા કરીએ છીએ,પણ કાન ને અપૂર્વ તૃપ્તિ આપનાર વચન આજે જ સાંભળ્યું.શ્રીરામે આજે જે વચન કહ્યું છે તે બૃહસ્પતિ થી પણ બોલી શકાય તેમ નથી. અહો,બુદ્ધિને આનંદ આપનારું,શ્રીરામના મુખમાંથી નીકળેલું આ મહાપવિત્ર અને ઉત્તમ વચન
જે આપણે સાંભળ્યું,કે જેનાથી આપણે પણ તરત વૈરાગ્યવાન થયા છીએ.”

(૩૩) સિદ્ધ-લોકો નું સભામાં આવવું

સિદ્ધલોકો  બોલ્યા-હવે મહર્ષિઓ (વાલ્મીકિ-વશિષ્ઠ)
રામચંદ્રજી એ કહેલાં આ વચનોનો જે નિર્ણય કરે તે પણ આપણે સાંભળવો જોઈએ.
હે,નારદ,વ્યાસ તથા પુલહ-આદિ સર્વ મુનિઓ,તમે સર્વ તે સાંભળવા દશરથ ની સભામાં તરત આવો.

વાલ્મીકિ બોલ્યા-સિદ્ધલોકોએ આ પ્રમાણે કહ્યું એટલે-આકાશમાં વિમાનોમાં રહેનારા સઘળાં દિવ્ય મુનિઓનો સમાજ,દશરથ-રાજાની સભામાં,જ્યાં શ્રીરામ બેઠા હતા, ત્યાં આવ્યો.
મુનિશ્વર નારદ અને સર્વ દિવ્ય મુનિઓ નું સ્વાગત કરવામાં આવ્યું.અને સર્વ સિદ્ધો, વિનયથી મુખ ને નમાવીને બેઠેલા રામની પાસે બેઠા,ને વિધિ-પૂર્વક-રામના વચનો ના સંબંધમાં કહેવા લાગ્યા.કે-

રાજકુમાર શ્રીરામે ઉત્તમ-ગુણો થી શોભનારી,પરમ ઉદાર અને વૈરાગ્ય-રૂપ રસથી ભરેલી ઉત્તમ વાણી કહી છે.તેમનું કહેલું આ વચન “તત્વ” ના બોધવાળું,યોગ્ય,અત્યંત અર્થવાળું,ઉદાર અને પ્રિયકર અને
તેમના મહાત્મા-પણા ને જણાવનારું છે.
ચિત્તની ચંચળતા ને લીધે થતા દોષો-રહિત (દોષ-વગરનું) છે,સ્પષ્ટ અક્ષરોવાળું,ઉચ્ચારણ ના દોષ વગરનું,સંતોષથી ભરેલું છે.અને
જે વચનમાં બોલવાના વિષયો નિશ્ચયપૂર્વક,સ્થપાયેલા છે,તે સાંભળી કોને વિસ્મય ના થાય?

કરોડો મનુષ્યો ભેગાં થયાં હોય તેમાં કોઈ એક ની જ વાણી સર્વ અંશોમાં ચમત્કાર-વાળી હોય છે.અને
ધારેલા વિષયને પરાયા (બીજાના) મનમાં યથાર્થ રીતે ઉતારવામાં સમર્થ હોય છે.
શ્રીરામની પેઠે જેના હૃદયમાં અસાધારણ પ્રકાશ કરનારી,બુદ્ધિ-રૂપ દીવાની શિખા (જ્યોત) હોય-
તે જ “પુરુષ” કહેવાય છે.
બાકી,લોહી,માંસ અને હાડકાંથી બનેલા-યંત્ર-રૂપ-ઘણા માણસો ખાવા-પીવા-વગેરે થી જગતના પદાર્થો ને બગાડે છે-તેમનામાં સચેતન –પુરુષ-નથી.
જેઓ મોહને લીધે-જન્મ,મરણ તથા જરા (ઘડપણ)-સંબંધી દુઃખો-વાળા સંસારમાં વારંવાર પડ્યા કરે છે અને તેનો વિચાર જ કરતા નથી તેમણે તો પશુ જ સમજવા જોઈએ.

શ્રીરામ જેવો નિર્મળ-અંતઃકરણ વાળાઓ અને આગળ-પાછળના વિચાર કરવામાં પ્રૌઢતા ધરાવનારો પુરુષ ભાગ્યે જ કોઈ સ્થળે જોવામાં આવે છે.
આ અત્યંત તીવ્ર અને માન્ય બુદ્ધિ વાળા શ્રીરામમાં પરિપૂર્ણ રીતે,જગતની રીતભાતના “અવલોકન વાળી”,
અને સ્વાભાવિક વિવેક થી થયેલી-આ ચમત્કૃતિ –બાલ્યાવસ્થામાં જ જોવામાં આવે તે આશ્ચર્ય છે.

હે,દ્વિજેન્દ્રો,આ દુષ્ટ સંસાર અત્યંત દુષ્ટતા-વાળા દૈવ (પ્રારબ્ધ) થી બનેલો છે.તેમાં,
વિવેકથી આત્મ-પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે.
જેઓ પોતાની બુદ્ધિના સ્વાભાવિક વિચારથી આત્મ-લાભ લેવાનો યત્ન કરે છે તેઓ,
યશના ભંડાર-રૂપ અને ભાગ્યશાળી છે.અને,તેઓ જ સત્પુરુષો માં અગ્રગણ્ય,અને સર્વ પુરુષોમાં ઉત્તમ છે.

અમે ધારીએ છીએ કે-રામ જેવો વિવેકી અને ઉદાર મનવાળો બીજો કોઈ પુરુષ હમણાં (વર્તમાનમાં) ક્યાંય થયો નથી,આગળ (ભૂતકાળમાં) ક્યાંય જોવામાં આવ્યો નથી,અને હવે પછી (ભવિષ્યમાં) થવાનો પણ નથી.

હે,મુનિઓ,રામનું ચિત્ત સર્વ લોકોને અનેક પ્રકારના પ્રૌઢ વિચારોથી આનંદ આપનારું છે,
જો આપણાથી તેમનો મનોરથ સિદ્ધ ન થાય,તો પછી,સ્પષ્ટ રીતે આપણે જ મૂર્ખ છીએ એમ સમજવું જોઈએ.


વૈરાગ્ય-પ્રકરણ (યોગ-વાશિષ્ઠ)-સમાપ્ત 



    INDEX PAGE
     NEXT PAGE