Jul 20, 2021

Gujarati-Ramayan-Rahasya-19-ગુજરાતી-રામાયણ-રહસ્ય-19

શિવજી કહે છે -જેના હૃદયનું દર્પણ મેલું છે,જેના પર વાસનાના પડળ જામી ગયા છે,
તે રામના સ્વરૂપને જોઈ શકતો નથી.તે અંધ,મૂર્ખ અને અભાગી છે.જે માયાને વશ થઇ જન્મ-મરણના ફેરામાં ભટક્યા કરે છે,એ રામના સગુણ-નિર્ગુણ સ્વરૂપને કેવી રીતે સમજી શકવાનો છે? પણ જે વિચારશીલ છે,જેના ચિત્તમાં ભ્રમ રૂપી અંધકાર નથી,જેણે મોહ રૂપી મદિરાનું પાન કરેલું નથી,જેના મન-દર્પણ પર વાસનાનો મેલ ચડ્યો નથી તે જ સમજી શકશે કે નિર્ગુણ અને સગુણમાં કંઈ ભેદ નથી.ઋષિ-મુનિઓ કહે છે અને વેદ-પુરાણો સાક્ષી પૂરે છે,કે જે નિર્ગુણ નિરાકાર છે,અવ્યક્ત છે,અનાદિ છે,તે જ ભક્તોના પ્રેમને વશ થઇ સગુણ થાય છે.

જેમ પાણી અને પાણીનો બરફ –એ બે જુદા નથી,તેમ નિર્ગુણ અને સગુણ જુદા નથી.
જેનું નામ-માત્ર મોહનો નાશ કરી દે છે,તેને પોતાનો મોહ કેવો? (રામને વિરહ કેવો?)
શ્રીરામ તો સચ્ચિદાનંદ સૂર્ય છે તેમાં મોહ રૂપી રાત્રિનો લવલેશ પણ અંશ નથી.
હર્ષ-શોક વગેરે તો જીવના ધર્મો છે,સચ્ચિદાનંદ રૂપ પરમાત્માના નહિ.
શ્રીરામ તો પોતે જ માયાના અધિશ્વર છે,અને પોતે જ માયાના પ્રકાશક છે,

જેમ છીપમાં ચાંદી દેખાય છે,રણમાં ઝાંઝવાનું જળ દેખાય છે,તેવી આ માયા છે.
માયા અસત્ય છે છતાં તે દુઃખ આપે છે.સ્વપ્નમાં કોઈ માથું કાપી નાખે તો દુઃખ થાય છે પણ પછી
સ્વપ્નમાંથી જાગી ગયા કે દુઃખ ઉડી જાય છે,તેમ હરિનો આશ્રય લેતાં જ માયાનું દુઃખ હટી જાય છે.
જેમની કૃપાથી માયાનો આ ભ્રમ હટી જાય છે,તે શ્રીરામ છે,શ્રીરામ જ સ્વયં બ્રહ્મ અને પરમાત્મા છે.
માયાના અધિશ્વર એવા તેમને માયા શું કરી શકે? પણ, આ તો બધી તેમની લીલા છે.

શિવજીના આવાં વચન સાંભળી પાર્વતીજીની શંકા નિર્મૂળ થઇ.
રામ-રક્ષા સ્તોત્રમાં શિવ-પાર્વતીના સંવાદ રૂપે શ્રીરામનું સ્તવન કરેલું છે.
જેમાં ભક્ત મસ્તકથી લઇ પોતાના પગ સુધીના સમસ્ત દેહની રક્ષા પ્રભુની પાસે માગે છે.
રામની રક્ષા જેણે માગી અને જેણે પોતાનું સર્વસ્વ રામના રક્ષણ હેઠળ ધરી દીધું,
એને પછી જીવનમાં પરાજય,ભય,ચિંતા કે કોઈ દુઃખ રહેતું નથી.

કથા શ્રવણ એ સત્કર્મ છે,સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો તે દિવ્ય બને છે.
સત્કર્મને કાળ (સમય)નો નિયમ લાગુ પડતો નથી.સત્કર્મને કાળના હવાલે છોડાય નહિ.
તેને મુલતવી રાખવું નહિ,પણ તત્કાળ (તરત) કરવું જોઈએ.
એક વાર ધર્મરાજા પાસે એક યાચક દાન લેવા આવ્યો,તેને તેમણે બીજે દિવસે આવવાનું કહ્યું.
ભીમે આ વાત સાંભળી અને વિજય-દુંદુભિ (ઢોલ) વગાડવા માંડ્યો.બધાએ તેનું કારણ પૂછ્યું તો-
ભીમ કહે છે કે આજે મોટાભાઈએ કાળ પર વિજય મેળવ્યો છે, જ્ઞાનીઓ કહે છે કે –
આ પળે જ મૃત્યુ આવાનું છે તેમ સમજી ને સત્કર્મ કરવું,પરંતુ મોટાભાઈ ને ખાતરી છે કે તે કાલ
સુધી જીવવાના છે.ધર્મરાજા સમજી ગયા અને યાચક ને પાછો બોલાવી દાન આપ્યું.

કાળને કોઈ જીતી શક્યું નથી,વાઘ ઘેટાંના બચ્ચાને ગળામાંથી પકડે છે તેમ કાળ સહુને આવીને પકડે છે.
આમ કાળ સહુને ડરાવે છે પણ ભગવાનના ભક્તને તે ડરાવી શકતો નથી.
જે ભક્ત કાળથી ડરતો નથી તેનાથી કાળ ડરે છે.
મનુષ્ય કેટલા ય ને માંદા પડતા,વૃદ્ધ થતા ને મરી જતા જુએ છે,તોયે તેને મોહ રહ્યા કરે છે,

અને માને છે કે પોતે મરવાનો જ નથી. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે.(યુધિષ્ઠિર-યક્ષ સંવાદ)
(અહ્ન્યાની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ,શેષામ સ્થિરત્વમ મીચ્છ્ન્તી કિં આશ્ચર્યમતિ પરમ)

અજગર દેડકાને ગળી રહ્યો હોય અને દેડકાના મુખ આગળ માખી આવે તો તે માખી પકડવાનો પ્રયત્ન 
કરે છે.તેમ માણસ મોતના મોં માં પડ્યો છે તો યે –આમ કરું અને આમ લઉં-તેમ કર્યા કરે છે.

PREVIOUS PAGE         INDEX PAGE         NEXT PAGE