Sep 14, 2021

Gujarati-Ramayan-Rahasya-73-ગુજરાતી-રામાયણ-રહસ્ય-73

એક દિવસ દશરથરાજા સભામાં જવા માટે તૈયાર થતા હતા ,તે વખતે નોકરોએ નિયમ મુજબ દર્પણ લાવી રાજાની સામે ધર્યું.રાજાએ દર્પણમાં જોયું,મુગટ જરા વાંકો હતો તે સરખો કર્યો,પણ આજે એક નવી વાત બની.રાજાની નજર કાનના એક સફેદ વાળ તરફ પડી.અને તેમને એકાએક પોતાની ઉંમર નું ભાન થયું ને વિચારવા માંડ્યા કે-આ ધોળો વાળ મને કહે છે કે-હવે તમે વૃદ્ધ થયા,ક્યાં સુધી ગાદી પર ચીટકી રહેશો?હવે તમે ત્યાં શોભતા નથી, માટે ઉઠો, ને રામને ત્યાં રાજગાદીએ બેસાડો.

કહે છે કે કાનનો વાળ ધોળો થાય ત્યારે માનવું કે વૃદ્ધાવસ્થા આવી છે.આકાશમાં અરુંધતિનો તારો નરી આંખે ના દેખાય તો માનવું કે હવે દુરની યાત્રા કરવાની તૈયારીનો સમય આવી ગયો છે.
સ્વપ્નમાં કાદવમાં શરીર ડૂબતું દેખાય કે સ્વપ્નમાં કુંભારના હાથી (ગધેડા) પર સવારી કરવાનું મળે તો માનવું કે હવે થોડા સમયમાં જ ડેરા-તંબુ ઉઠાવવા પડશે.મૃત્યુ આવવાના આવા લક્ષણો ભય પ્રેરાવવા માટે નહિ પણ સાવધાન થવા માટે કહેલા છે.

મનુષ્ય વિચારે છે કે ઘડપણમાં ગોવિંદ ગાશું.ઘડપણમાં લક્ષ્મી પતિને યાદ કરીશું,અત્યારે તો લક્ષ્મીજીને ભજી લઈએ.પણ એ ભૂલી જાય છે કે-લક્ષ્મીજી જયારે આવે છે ત્યારે પીઠ પર લાત મારે છે અને જાય છે ત્યારે છાતી પર લાત મારીને જાય છે.પીઠ પર લાત પડે એટલે-કે મનુષ્ય ટટ્ટાર થઇને અક્કડ થઇ જાય છે ને ઘમંડમાં માથું ઊંચું કરીને ફરે છે,અને ઘમંડી બનેલા મનુષ્યને જોઈ લક્ષ્મીજી વિચારે છે કે હવે છાતી પર લાત મારવાનો સમય થયો છે,છાતી પર લાત મારે એટલે હાર્ટએટેક આવે છે ને ધૂળ ભેગો થઇ જાય છે.

લક્ષ્મીજીની આ રીત છે,કારણ કે-જો સામાન્ય મનુષ્યનું અપમાન કરવામાં આવે તો પણ તે અપમાનનો સામો જવાબ આપ્યા વગર રહેતો નથી,તે આ તો લક્ષ્મીજી છે,લક્ષ્મી-પતિને ટીકો દેખાડી લક્ષ્મીજીને તિજોરીમાં કેદ કરવાનું અપમાન જો મનુષ્ય કરે તો લક્ષ્મીજી કંઈ મનુષ્યની બાંદી નથી,એ તો જગદંબા છે,અધિશ્વરી દેવી છે.

ઘડપણમાં ગોવિંદ ગાવાની વાતમાં કંઈ દમ નથી.જગતમાં મોટી ઉંમરે (ઘડપણ)માં કોઈ સંત થયો હોય તેવું બન્યું નથી.ચડતી જવાનીમાં જે કરવાની હિંમત ના ચાલી તે ઘડપણમાં કે જયારે મન નબળું પડી જાય છે,
શરીર કહ્યું ના કરતુ હોય ત્યારે કેવી રીતે હિંમત ચાલવાની છે??માટે આમ માનવું તે ભૂલ છે,આત્મવંચના છે.
કોઈ એમ કહેતું નથી કે ઘરડો થઈશ ત્યારે ખાઈશ,કે-ઘરડો થઈશ એટલે કમાઈશ.
મનુષ્યને કમાવું આજે છે,ખાવું આજે છે,તો પછી તેની જેમ જ ભગવાનને ભજવાનું આજે કેમ નહિ?

એક ભાઈ દરિયા કિનારે સ્નાન કરવા જાય છે પણ કિનારે બેસી રહ્યા છે,બીજા કોઈએ આવી ને પૂછ્યું કે-
કેમ ભાઈ શું વિચારમાં છો? ત્યારે પેલા ભાઈએ કહ્યું કે-સમુદ્રમાં નહાવા ઉતરવું છે પણ મોજાં બંધ થાય
ત્યારે ઉતરું ને? સમુદ્રમાં મોજા કદી બંધ થવાના નથી.અને નહાવાનું બનવાનું નથી.
તેમ સંસાર સમુદ્રમાં વિઘ્નોરૂપી મોજાં આવ્યા જ કરવાનાં,વિઘ્નો વગરનું જીવન શક્ય નથી.
એટલે કોઈ કહે કે અનુકુળતા ત્યારે ભગવાનનું ભજન કરીશું –તો તેવી અનુકૂળતા કદી આવતી જ નથી.
જેમ પેલા ભાઈ નાહ્યા વગર રહી ગયા તેમ મનુષ્ય પણ ભજન વગરનો રહી જાય છે.

સાચું એ છે કે-અડચણો આવે તો યે લક્ષ્યને ભૂલવું જોઈએ નહિ,લોભી જેમ ધનનું લક્ષ્ય રાખે છે,
તેમ પરમાત્માનું લક્ષ્ય રાખવું અત્યંત જરૂરી બને છે.
ભગવાન ગીતામાં કહે છે કે- અંતકાળમાં જે મારું સ્મરણ કરતાં દેહ છોડે છે તે મને પામે છે.
અંત ક્યારે આવે તેની કોઈને ય ખબર નથી,અંત કોઈ પણ ક્ષણે આવી શકે છે,એટલે જિંદગીની પ્રત્યેક ક્ષણ તે અંતકાળ છે એમ સમજીને જે જીવ પ્રભુનું ચિંતન કરે- તો ક્ષણ સુધરે છે,ઘડપણ સુધરે છે.

દશરથ રાજાએ યૌવન ગુમાવ્યું હતું પણ શાન ગુમાવી નહોતી.તેમને કાન પરનો ધોળો વાળ જોયો ને તે પાકા વાળમાં થી કોઈ બોધ સ્ફૂર્યો.“કાન કાચા ખોટા ને કાનના વાળ પાકા ખોટા.”
રાજાએ ત્વરિત નિર્ણય લીધો કે- હવે બસ બહુ થયું,હવે હું સીતા-રામનો રાજ્યાભિષેક કરીશ.ને તેમને
રાજગાદીએ બેસાડીશ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE