Mar 29, 2014

Gujarati-Ramayan-Rahasya-87-ગુજરાતી-રામાયણ-રહસ્ય-87

સવારે અયોધ્યાના પ્રજાજનો જાગીને જુએ તો રામજી ના મળે.સર્વે ને હાયકારો થયો,અને ચારે બાજુ  દોડાદોડી કરી મૂકી.પણ રામજી ના કોઈ સગડ ના મળ્યા.તેમના પસ્તાવા નો પાર રહ્યો નહિ.
“અરેરે અમે ઊંઘ્યા કેમ?અમારી ઊંઘે અમને રામ ખોવડાવ્યા.અમે રામ વગર જીવી ને કરીશું શું?

અયોધ્યાના લોકો પ્રભુ વગર કલ્પાંત કરે છે.તેમને નગરમાં પાછા જતાં બીક લાગે છે.
દાવાનળ માં સપડાયેલું પંખી જેમ ફફડે છે,તેમ લોકો પણ ફફડે છે.
મહા કષ્ટ અનુભવતા અયોધ્યાના લોકો જયારે પોતાના ઘેર પાછા આવ્યા ત્યારે માથાં કુટીને કહે છે કે-
શ્રી રામ વગર આ ઘરમાં,આ નગરમાં કોણ રહે? આ અયોધ્યામાં રામ વગર કેવી રીતે રહેવાશે?

બીજી તરફ,રામચંદ્રજી નો રથ શૃંગવેરપુર તરફ પહોંચ્યો.ત્યાં ગંગાજી વહેતાં હતાં.
રામજી એ રથમાંથી નીચે ઉતરી ગંગાજી ને દંડવત પ્રણામ કર્યા.
ભારત ની સંસ્કૃતિ કહે છે કે નદી માત્ર એ માતા છે.ભારત ની સંસ્કૃતિ નદી તટે જન્મી અને વિકસી છે.
એમાં વળી ગંગાજી તો ત્રિપથગા છે,ત્રણે ભુવન ને પવિત્ર કરનારી છે.ગંગાજીમાં સ્નાન કરતાં પહેલાં તેમને વંદન કરવા જોઈએ,તેમના આશીર્વાદ ની પ્રાર્થના કરવી જોઈએ અને આચમન લેવું જોઈએ.
રામજી એ લક્ષ્મણજી આગળ ગંગાજી નો મહિમા વર્ણવ્યો છે.

શૃંગવેરપુરમાં નિષાદ જાતિ નો ગુહ નામનો રાજા રાજ્ય કરતો હતો.
મહારાજા દશરથ નો એ માંડલિક હતો અને રામચંદ્રજી સાથે એણે ગાઢ મૈત્રી પણ હતી,
રામચંદ્રજી ને આવેલા જાણી ને તે દોડતો આવ્યો.રામજીના વલ્કલ પહેરેલા તપસ્વી વેશ જોઈને
ગુહની આંખમાં આંસુ આવી ગયાં.રામજી નું સ્વાગત કરતાં તેણે કહ્યું કે-
આજે આપ અહીં પધાર્યા તેથી મારી ગણતરી ભાગ્યશાળીઓમાં થઇ.તમે અમારા સ્વામી છો ને અમે તમારા સેવક છીએ.આ નગર આપનું જ છે આપ નગરમાં પધારો અને અમારા આતિથ્ય નો સ્વીકાર કરો.

રામજી એ ગુહ નો ભાવ જોઈ ને ગદગદ થઇ કહ્યું કે-પિતાજી ની આજ્ઞા થી હું ચૌદ વર્ષ નો વનવાસ ભોગવવા નીકળ્યો છું,એટલે હું ગામ માં આવી શકું તેમ નથી,અને આહારમાં પણ હું કંદ-મૂળ સિવાય કશું લઇ શકું તેમ નથી.

રામજી ના દર્શન કરવા ગામનાં સ્ત્રી-પુરુષો નું ટોળું જમા થઇ ગયું.રામ,સીતા ને લક્ષ્મણ ને જોઈ ને સ્ત્રીઓ વાતો કરવા લાગી કે-એ માત-પિતા કેવાં હશે જેમણે આવાં કુમળાં બાળકો ને વનમાં કાઢ્યાં?
તે પિતુ માતુ કહહુ સખી કૈસે,જીન્હ પઠએ બન બાલક ઐસે.

રાત પડી,અને એક ઝાડ નીચે ગુહે ઘાસ-પાંદડાં ની પથારી કરી,પડિયામાં પાણી અને પાંદડામાં કંદમૂળ મૂક્યાં.રાતે રામજી સૂઈ ગયા ત્યારે લક્ષ્મણજી ધનુષ્ય-બાણ થી સજ્જ થઇ,એમની ચોકી પર ખડા થઇ ગયા.ગુહ પણ હથિયાર સજ્જ થઇ ને લક્ષ્મણજી ની પાસે આવી ને ઉભો.

રામજી ને ભોંય પર સૂતેલા જોઈ તેનો જીવ કપાઈ જતો હતો.તેણે લક્ષ્મણ જી ને કહ્યું કે-
હું મારા સત્યના સોગંદપૂર્વક કહું છે કે-આ પૃથ્વીમાં મને રામચંદ્રજી સિવાય બીજું કંઇ પણ અધિક પ્રિય નથી.પણ તેમની આ હાલત જોઈ ને મારા દુઃખ નો પાર નથી.ક્યાં અયોધ્યા નો વૈભવ અને ક્યાં આ ઘાસ-પાંદડાં ની પથારી? અરે,રામજી જેવા સમર્થ જેના પતિ છે તે સીતા-માતા પણ જમીન પર સૂતા છે!!
આ જોઈ મને વિચાર આવે છે કે-ભાગ્ય આગળ કોઈનું કશું ચાલતું નથી.કર્મ ના લેખ કોઈ ટાળી શકતું નથી.કર્મ એ જ દુઃખ છે એમ લોકો કહે છે તે ખોટું નથી.

લક્ષ્મણજી એ ગુહ ને તેની ભાવ-ભક્તિ માટે ધન્યવાદ આપ્યા,ને પછી ખૂબ સુંદર ઉપદેશ આપ્યો.
કે જે “લક્ષ્મણ-ગીતા “તરીકે પ્રસિદ્ધ છે. લક્ષ્મણજી ગુહ ને કહે છે કે-

મનુષ્ય ને સુખ-દુઃખ આપનાર તેનું કર્મ છે.કર્મ ને આધારે આ સૃષ્ટિ છે.
સુખ-દુઃખ કોઈ વ્યક્તિથી કે કોઈ-કોઈ ને આપી શકતું નથી કે કોઈનું સુખ-દુઃખ લઇ શકાતું નથી.
કોઈ જો એમ કહે કે –મેં આને સુખ કે દુઃખ આપ્યું –તો તે બુદ્ધિની ભ્રમણા છે.તેનું અભિમાન છે.
માટે જ્ઞાની મહાત્માઓ સુખ-દુઃખ માટે કોઈ ને દોષ આપતા નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE